હિઝબુલ્લા નેતા નસરલ્લાહ : સાઉદીએ લેબનન સામે યુદ્ધ છેડ્યું

હિઝબુલ્લાહ નેતા નસરલ્લાહ Image copyright AFP

લેબનનના વડાપ્રધાનના રાજીનામા બાદ હિઝબુલ્લાહ નેતાએ સાઉદી અરેબિયા પર લેબનન વિરૂદ્ધ યુદ્ધ છેડવાનો આરોપ મૂક્યો છે.

લેબનના વડાપ્રધાન સાદ અલ હરીરીએ સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં છે અને તેમણે અહીંથી જ રાજીનામું મોકલાવ્યું હતું.

હિઝબુલ્લાહ નેતા હસન નસરલ્લાહનું કહેવું છે કે સાઉદી અરેબિયાએ બળજબરીપૂર્વક હરીરીને અટકાવી રાખ્યા છે.

નસરલ્લાહે આરોપ મૂક્યો હતો કે લેબનન વિરૂદ્ધ સાઉદી અરેબિયા દ્વારા ઇઝરાયેલની ઉશ્કેરણી કરવામાં આવી રહી છે.

તમને આ પણ વાંચવું ગમશે

હિઝબુલ્લાહના શિયા આંદોલનને ઇરાન સમર્થન આપી રહ્યું છે. ઇરાનનું કહેવું છે કે લેબનન તથા આ ક્ષેત્રમાં તણાવ વધારવા માટે સાઉદી અરેબિયા જવાબદાર છે.

શનિવારે હરીરીએ રિયાધમાંથી ટીવી સંબોધન કર્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, જીવ પર જોખમ હોવાને કારણે તેઓ પદ છોડી રહ્યાં છે.

પોતાના સંબોધનમાં હરીરીએ ઈરાન તથા હિઝબુલ્લાહ પર પણ નિશાન સાધ્યું હતું.

જેના કારણે આ વિસ્તારના રાજકીય વાતાવરણમાં ગરમાવો એમ માનવામાં આવી રહ્યું છે.

Image copyright EPA

લેબનનના રાષ્ટ્રપતિ મિશેલ આઉન તથા અન્ય વરિષ્ઠ રાજનેતાઓએ હરીરીને પરત ફરવા અપીલ કરી છે.

લેબનનમાં એ વાતની આશંકા સેવવામાં આવી રહી છે કે હરીરીને સાઉદી અરેબિયામાં ઘરમાં જ નજરકેદ કરવામાં આવ્યા છે. સાથે જ તેમની ઉપર દબાણ લાવવામાં આવી રહ્યું છે.

લેબનના રાષ્ટ્રપતિએ હરીરીનું રાજીનામું સ્વીકાર્યું નથી.

ટીવી પર સંબોધન બાદ હરીરીએ જાહેરમાં કશું નથી કહ્યું.

શુક્રવારના ટેલિવિઝન પ્રસારણમાં નસરલ્લાહે કહ્યું હતું કે લેબનનમાં આંતરિક વિખવાદને ઉશ્કેરવા માટે સાઉદી અરેબિયા પ્રયાસ કરી રહ્યું છે.

નસરલ્લાહે ઉમેર્યું, "ટૂંકમાં, એ સ્પષ્ટ થઈ ગયું છે કે સાઉદી અરેબિયા તથા તેના અધિકારીઓ લેબનન તથા તેના અધિકારીઓએ હિઝબુલ્લાહ સામે યુદ્ધ જાહેર કર્યું છે. પરંતુ મારે એટલું જ કહેવું છે કે આ યુદ્ધ લેબનન વિરૂદ્ધ છે."

તેમણે આરોપ મૂક્યો હતો કે લેબનન પર હુમલો કરવા માટે સાઉદી અરેબિયા ઇઝરાયેલને અબજો ડૉલર આપવા તૈયાર છે.


આનો મતલબ શું?

બીબીસીના મધ્ય-પૂર્વના સંપાદક સેબાસ્ટિયન ઉશરના કહેવા પ્રમાણે, "નસરલ્લાહએ હંમેશાની જેમ સ્વસ્થ રીતે આ સંબોધન કર્યું છે, છતાંય તેનાથી આ વિસ્તારના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવશે તે વાતમાં કોઈ શંકા નથી. મધ્ય-પૂર્વીય દેશો સિવાયના રાષ્ટ્રો પણ આ વિસ્તારમાં સ્થિતિ વકરે નહીં તે માટે પ્રયાસરત છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો