ફેસબુક પોસ્ટ મામલે બાંગ્લાદેશના હિંદુ ગામમાં હુમલો

ઠકુરાતી ગામની તસવીર Image copyright MASUK HRIDOY

બાંગ્લાદેશમાં રંગપુર જિલ્લાના ગંગાચારા વિસ્તારમાં હિંદુ વસતિ ધરાવતા એક ગામમાં પોલીસ ગોળીબારમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.

પોલીસનું કહેવું છે કે એક ફેસબુક પોસ્ટના કારણે ઠકુરાતી નામના આ હિંદુ ગામ પર લોકોએ હુમલો કર્યો હતો.

તે ફેસબુક પોસ્ટ વાંધાજનક હોવાના અહેવાલો છે.

રંગપુર રેન્જના ડીઆઈજી ગુલામ ફારુકે બીબીસીની બાંગ્લા સેવા સાથેની વાતચીત દરમિયાન કહ્યું છે કે તિતુ રોયના ઘર પર કેટલાંક લોકોએ હુમલો કર્યો હતો.

તમને આ પણ વાંચવું ગમશે

તિતુ રોય પર ધાર્મિક લાગણીઓને ઉશ્કેરવાનો આરોપ છે.

પોલીસનું કહેવું છે કે, જ્યારે લોકોએ હુમલો કર્યો ત્યારે તિતુ રોય ઠકુરાતી ગામમાં નહોતા.

તિતુ રોયની ફેસબુક પોસ્ટના કારણે અહીં ઘણાં સમયથી પરિસ્થિતિ તણાવગ્રસ્ત છે.

Image copyright AZIZUL SHONCHAY

આ ફેસબુક પોસ્ટના સંદર્ભે તાજેતરમાં જ ઈન્ફૉર્મેશન ટૅક્નોલૉજીના કાયદા હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

સ્થાનિક પોલીસનું કહેવું છે કે તિતુ રોયની ધરપકડ કરવામાં આવશે.

ડીઆઈજીએ કહ્યું, "શુક્રવારની નમાઝ બાદ કેટલાક સ્થાનિકોએ ગામ પર હુમલો કર્યો હતો. આ લોકોએ રસ્તાઓ પણ બંધ કર્યા હતા."

"હિંદુઓના ઘર સળગાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો જેથી પોલીસને ગોળીબાર કરવાની ફરજ પડી."

ડીઆઈજીનું કહેવું છે કે આ બનાવમાં કેટલાંક લોકો ઈજાગ્રસ્ત થયા છે. જો કે હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે.

પોલીસનું કહેવું છે કે આ કેસની તપાસ ચાલી રહી છે અને તિતુ રોયની ધરપકડ કરવા માટે પોલીસને નારાયણગંજ મોકલવામાં આવી છે.

તાજેતરનાં વર્ષોમાં ફેસબુક પોસ્ટ બાબતે લઘુમતિ ગામો પર હુમલાઓની સંખ્યા વધી છે.

વર્ષ 2012માં એક બૌદ્ધ ભિક્ષુક પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેમને જીવતા સળગાવી દેવામા આવ્યા હતા.

ગત વર્ષે પણ એક હિંદુ ગામ પર હુમલો કરવામાં આવ્યો હતો.

બાંગ્લાદેશના અગ્રગણ્ય વર્તમાનપત્ર 'ઢાકા ટ્રિબ્યૂન'નું કહેવું છે કે આ ઘટનામાં 30થી પણ વધુ ઘરોમાં તોડફોડ અને લૂંટફાટ કરવામાં આવી છે.

'ટ્રિબ્યૂન'ના અહેવાલ અનુસાર લૂંટફાટ કર્યા બાદ ઘરોને આગ ચાંપવામાં આવી હતી.

આ વર્તમાનપત્રનું કહેવું છે કે એક વ્યક્તિના મૃત્યુ બાદ ટોળું વધુ હિંસક બનતાં હિંદુઓનાં ઘરોમાં તોડફોડ કરવામાં આવી હતી.

'ટ્રિબ્યૂન'ના અહેવાલ પ્રમાણ આ કેસમાં 53 શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો