ઈરાન-ઇરાકના વિનાશક ભૂકંપમાં 400થી વધુનાં મૃત્યુ, 7 હજારથી વધુ ઘાયલ

ભૂકંપને કારણે એક શોપિંગ મોલને નુકસાન પહોંચ્યું હતું, તેની તસવીર Image copyright Reuters

અમેરિકાના જિયોલોજિકલ સર્વે વિભાગે જણાવ્યું છે કે ઈરાન અને ઇરાક વચ્ચેના સરહદી પ્રદેશમાં 7.3ની તીવ્રતાનો ધરતીકંપ આવ્યો હતો.

ઈરાનના સરકારી મીડિયાના જણાવ્યા અનુસાર, ભૂકંપને લીધે 400થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે 7હજારથી વધુ લોકો ઘવાયાં હતાં.

મૃત્યુ પામેલાં લોકોમાંથી મોટાભાગનાં ઈરાનની પશ્ચિમે આવેલા કરમાનશાહ પ્રાંતનાં છે.

ઘાયલોમાંથી અનેકની સ્થિતિ ગંભીર હોવાથી મૃતકાંક વધવાની આશંકા સેવાઈ રહી છે. સહાય વિતરણ સાથે સંકળાયેલી એક સંસ્થાના કહેવા પ્રમાણે, લગભગ 70 હજાર લોકોને તત્કાળ સહાયની જરૂર છે.

તમને આ પણ વાંચવું ગમશે

ઈરાકમાં પણ સાત લોકોનાં મોત ધરતીકંપને લીધે થયાં હતાં. ધરતીકંપનું કેન્દ્ર (ઍપીસેન્ટર) ઈરાકના હલબ્જાથી દક્ષિણ-પશ્ચિમમાં 32 કિલોમીટર દૂર હોવાનું અમેરિકાના જિયોલોજિકલ સર્વેએ જણાવ્યું હતું.

ધરતીકંપના આંચકા અનેક પ્રાંતોમાં અનુભવાયા હોવાનું ઈરાનના સરકારી મીડિયાએ જણાવ્યું હતું.


લોકોને શું અનુભવ થયો?

Image copyright Getty Images
ફોટો લાઈન ઈરાનના કરમાનશાહ પ્રાંતમાં ભૂકંપ થઈ રહેલું બચાવ કાર્ય

બગદાદમાં રહેતાં ત્રણ બાળકોનાં માતા માજિદા આમિરે રોઇટર્સ સમાચાર સંસ્થાને કહ્યું, “હું મારા બાળકો સાથે રાત્રે જમવા બેઠી હતી અને અચાનક જ આખી ઇમારત જાણે હવામાં નાચતી હોય તેમ લાગ્યું.”

તેમણે વધુમાં કહ્યું, “પહેલાં તો મને લાગ્યું કે કોઈ મોટો બોમ્બ વિસ્ફોટ થયો છે. પછી મને સંભળાયું કે, મારી આસપાસના લોકો ચીસો પાડીને કહી રહ્યા હતાઃ “ધરતીકંપ!”

જમીનની સપાટીથી 33.9 કિલોમીટરની ઊંડાઈએ થયેલા આ ધરતીકંપની ધ્રુજારી તુર્કી, ઇઝરાયલ અને કુવૈતમાં પણ અનુભવાઈ હતી.

અનેક વિસ્તારોમાં વીજળીનો પુરવઠો અને ટેલિફોન સેવાઓ ખોરવાઈ ગઈ હતી.


શું થઈ છે લોકોને અસર?

Image copyright EPA
ફોટો લાઈન ઈરાનના કરમાનશાહ પ્રાંતમાં ભૂકંપ બાદ રસ્તા ઉપર આશ્રય લઈ રહેલા નાગરિકો

ઈરાનની ઇમરજન્સી સર્વિસના વડા પીર હુસૈન કૂલીવાંદે જણાવ્યું હતું કે સરહદથી આશરે 15 કિલોમીટર દૂર આવેલા સરપોલ-એ-ઝહાબ ગામના ઘણા લોકો આ ધરતીકંપનો ભોગ બન્યા હતા.

કમસેકમ આઠ ગામોમાં નુકસાન થયું હોવાનું રેડ ક્રેસન્ટ ઓર્ગેનાઇઝેશનના વડા મુર્તઝા સલીમે ઈરાનની સરકારી ટેલિવિઝન ચેનલને જણાવ્યું હતું.

કુર્દિશ ટીવીએ જણાવ્યું હતું કે ઈરાકી કુર્દિસ્તાનમાં ઘણા લોકો ધરતીકંપને લીધે પોતાનાં ઘર છોડીને ભાગ્યાં હતાં.

જોકે, ત્યાં મોટાપાયે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર હજુ મળ્યા નથી.

અનેક ઠેકાણે ભેખડો ધસી પડવાને કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. જેથી રાહત ટીમોને ઘટનાસ્થળે પહોંચવામાં મુશ્કેલી થઇ રહી હોવાનું પીર હુસૈન કૂલીવાંદે જણાવ્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા

આ વિશે વધુ