રક્કામાં ખિલાફતનો અંત, પણ આઈએસનું જોખમ યથાવત

સીરિયાના રક્કા શહેરમાં લડવૈયાઓનો ફોટોગ્રાફ Image copyright Bulent kilic/Getty images
ફોટો લાઈન આઈએસ સામેની લડાઈમાં રક્કાનો મોટો હિસ્સો ધ્વસ્ત થઈ ગયો છે

ઈસ્લામિક સ્ટેટ(આઈએસ)ના ગયા પછી અને ફરી શાંતિ સ્થપાયા છતાં સીરિયાની ઈશાન દિશામાં આવેલું રક્કા આજે પણ એક ખતરનાક જગ્યા છે.

આઈએસ સાથેની લડાઈનો એક મહિના પહેલાં અંત આવ્યો છે પણ તેની નિશાની ચારે તરફ જોવા મળે છે.

રક્કાના મોટાભાગના વિસ્તારોમાં જવાની મનાઈ છે. કોઈને ત્યાં આવવાની છૂટ નથી.

જોકે, અમે શહેરની છેક અંદર સુધી ગયા હતા. ઠેર-ઠેર કાટમાળ પડ્યો હતો.

તમને આ પણ વાંચવું ગમશે

અમે એ જાણવા ઈચ્છતા હતા કે આઈએસના લડવૈયાઓ આખરે ક્યા રસ્તેથી ભાગ્યા હતા.

સિટી હોસ્પિટલ તેમનો આખરી પડાવ હતી. અમારી યાત્રા ત્યાંથી શરૂ થઈ હતી.

આઈએસના હારેલા લડવૈયાઓ છેલ્લે લડાઈના મેદાનમાં નહીં, પણ અહીં દેખાયા હતા.


રક્કાની સિટી હોસ્પિટલ

Image copyright Getty Images

આઈએસનો કાફલો રક્કાની સિટી હોસ્પિટલમાંથી રવાના થયો હતો. એ હોસ્પિટલમાં આઈએસના લડવૈયાઓ મહિનાઓ સુધી રહ્યા હતા.

તેમની સાથે તેમના પરિવાર અને તેમણે બંધક બનાવેલા લોકો પણ હતા. આઈએસના લડવૈયાઓ ચહેરા પર હારવાના ભાવ દેખાતા ન હતા.

તેમનો અંદાઝ અક્કડ અને ધમકીભર્યો હતો. રક્કામાં શું સોદો થયો હતો એ વિશે કોઈ વાત કરવા તૈયાર ન હતું. આ રક્કાનું એક ભેદી રહસ્ય છે.

શું કુર્દો, આરબો અને પશ્ચિમી દેશોનાં સૈન્યોએ આઈએસને અહીંથી ભાગવાની તક આપી હતી?

આઈએસના લડવૈયાઓને અહીંથી બહુ દૂર ફરી એકઠા થવાની તક આપવામાં આવી હતી?


ઉત્તર સીરિયા

Image copyright Getty Images

આઈએસના લડવૈયાઓ શહેરમાંથી ચૂપચાપ દબાતે પગલે કાટમાળની વચ્ચેથી સલામત જગ્યાએ જવા નીકળી ગયા હતા.

અમારી શોધ રક્કાથી શરૂ થઈ હતી, જે અમને ઉત્તર સીરિયા અને તેની આગળના પ્રદેશ સુધી લઈ ગઈ હતી.

મીડિયાના બ્લેક આઉટ વચ્ચે આઈએસ સાથેનો સોદો પાર પાડવામાં આવ્યો હતો.

આઈએસને અહીંથી ભગાડવાના સોદા બાબતે કોઈ પણ સમાચાર દેખાડવાની મનાઈ હતી.

જોકે, આઈએસના લડવૈયાઓને અહીંથી કઈ રીતે ભગાડવામાં આવ્યા એ દર્શાવતું કેટલુંક વીડિયો ફૂટેજ અમારા હાથમાં આવ્યું હતું.


હથિયારોથી સજ્જ લડવૈયાઓ

Image copyright Getty Images

આઈએસના જૂજ લડવૈયાઓને જ રક્કામાંથી જવા દેવામાં આવ્યા હોવાનું દુનિયાને જણાવવામાં આવ્યું હતું.

હથિયારોથી સજ્જ વિદેશી લડવૈયાઓ વિશે કંઈ જણાવવામાં આવ્યું ન હતું.

જોકે, ટ્રક્સ આઈએસને લડવૈયાઓથી ભરેલા હતા.

એ પૈકીના કેટલાકે આત્મઘાતી બેલ્ટ પહેર્યા હતા અને બધાની પાસે ખતરનાક હથિયારો હતાં.

અમે તાબકા પહોંચ્યા હતા. તાબકાના બહારના હિસ્સામાં આઈએસના લડવૈયાઓને લઈ જતા ટ્રક્સ થોડીવાર રોકાયા હતા.

તેમને સલામત રીતે બહાર કાઢવાની જવાબદારી જેમને સોંપવામાં આવી હતી એ ડ્રાઈવરોને અમે મળ્યા હતા.

કુર્દોના નેતૃત્વ હેઠળના સીરિયાના સૈન્યએ તેમને એ કામ સોંપ્યું હતું.


આઈએસનો કાફલો

Image copyright REUTERS

એ તેમના જીવનની સૌથી મોટી યાત્રા હતી. ટ્રકોમાં આઈએસે બોમ્બ લગાવી રાખ્યા હતા, જેથી સોદો નિષ્ફળ જાય તો ટ્રકને ફૂંકી મારી શકાય.

ડ્રાઈવરોએ ત્રણ દિવસ અને ત્રણ રાત સુધી સતત ટ્રક ચલાવવા પડ્યા હતા.

જૂજ લોકોને બહાર કાઢવામાં આવ્યા હોવાનું બધા કહેતા હતા.

મેં એક ડ્રાઈવરને પૂછ્યું હતું કે તમને જવાબદારી સોંપવામાં આવી હતી. કુલ કેટલા લોકો હતા?

ડ્રાઈવરે કહ્યું હતું, ''અમારા કાફલામાં 47 ટ્રક અને 13 બસ હતી. આઈએસનાં પોતાનાં વાહનો પણ હતાં.''

''અમારો કાફલો છથી સાત કિલોમીટર લાંબો હતો. અમે મહિલાઓ અને બાળકો સહિત ચારેક હજાર લોકોને બહાર કાઢ્યા હતા.''


ટ્રકોમાં ઘણા દેશોના લોકો

Image copyright Getty Images

ટ્રકમાં જે લોકો હતા એ ક્યા દેશોના હતા?

આ સવાલના જવાબમાં એ વ્યક્તિએ જણાવ્યું હતું, ''ફ્રાન્સ, તુર્કી, અઝરબૈજાન, પાકિસ્તાન, યમન, ચીન, ટ્યૂનિશિયા અને ગ્રીસ સહિતના ઘણા દેશોના લોકો તેમાં હતા.''

આ ટ્રકો પર કોઈ પ્રકારના બેનર કે ઝંડાઓ નહીં લગાડવા એસડીએફે આઈએસને સૂચના આપી હતી.

આઈએસના લડવૈયાઓ ટ્રકોની ઉપર બેઠા હતા. એક ટ્રકમાં એટલા મોટા પ્રમાણમાં હથિયારો લાદવામાં આવ્યાં હતાં કે તેની એક્સેલ તૂટી ગઈ હતી.

તેઓ આ ગામમાંથી પસાર થયા ત્યારે અલી અલ અસદની દુકાને ખાવા માટે રોકાયા હતા.

અલી અલ અસદે કહ્યું હતું, ''હું દુકાન પર બેઠો હતો ત્યારે એસડીએફના કેટલાક લોકો તેમનું વાહન રોકીને મારી પાસે આવ્યા હતા.

તેમણે જણાવ્યું હતું કે આઈએસ સાથે સોદો કરવામાં આવ્યો છે. તેમણે મને રસ્તો સાફ કરવા જણાવ્યું હતું, જે અમે કરી આપ્યો હતો.

એ પછી ત્યાંથી આઈએસનો એક કાફલો નીકળ્યો હતો. તેમાં હજ્જારો લોકો હતા. તેમને પસાર થતાં બે-ત્રણ કલાક થયા હતા.''


રણના રસ્તે આગળ વધ્યા

Image copyright Getty Images

સંયુક્ત સૈન્યનું એક વિમાન બરાબર એ રૂટ પરથી જ ઊડતું હતું, પણ તેણે કંઈ કર્યું ન હતું. કાફલો આગળ વધતો રહ્યો હતો.

અમે એ જ રસ્તે આગળ વધ્યા હતા. તેમનો કાફલો ત્યાંથી ગાયબ થઈ ગયો હતો.

મહેમુદે જોયું હતું કે કાફલો મુખ્ય રસ્તો છોડીને રણના રસ્તા તરફ આગળ વધ્યો હતો. જતાં-જતાં તેમણે ધમકી આપી હતી કે દગો કરતા લોકોનાં માથાં તેઓ વાઢી નાખે છે.

મહેમુદે કહ્યું હતું, ''એટલાં વાહનો હતાં કે અમે ગણતરી કરી શક્યા ન હતા. તેમનો કાફલો અહીંથી કલાકો સુધી પસાર થતો રહ્યો હતો.''

''અમે ચાર-પાંચ વર્ષથી ડરના ઓછાયામાં જીવતા હતા. આઈએસના ખૌફમાંથી બહાર નિકળવામાં અમને લાંબો સમય લાગશે.''

''અમને અત્યારે પણ એવું લાગે છે કે તેઓ ક્યારેક તો અહીં પાછા આવશે જ.''


સંયુક્ત સૈન્ય શું કહે છે?

Image copyright Getty Images

સંયુક્ત સૈન્યએ અમારા સવાલોના જવાબમાં કબૂલ્યું હતું કે હજ્જારો લોકોને અહીંથી ભાગવાની છૂટ આપવામાં આવી હતી.

જોકે, વિદેશી લડવૈયા ભાગી છૂટ્યા હોવાની વાતનો સૈન્યએ ઈનકાર કર્યો હતો.

ભાગેલા ઘણા લોકો તુર્કી પહોંચી ગયા છે. રક્કા તેમની રાજધાની હોવાની સાથે એક પિંજર જેવી હતી, જેમાં એ લોકો ફસાયેલા હતા.

રક્કામાં હવે ભલે ફરી શાંતિ સ્થપાઈ ગઈ હોય, પણ આઈએસના ખતરનાક લડવૈયાઓ ત્યાંથી ભાગીને યુરોપને દરવાજા સુધી પહોંચી ગયા છે.


હુમલાનો ઈરાદો

Image copyright Getty Images

આઈએસના પરાજયના સમાચાર દુનિયાભરમાં છવાઈ ગયા હતા.

જોકે, એક દાણચોર અને એક આઈએસ લડવૈયાએ આપેલી ચેતવણીને ધ્યાનમાં લઈએ તો આઈએસ ગમે ત્યારે પાછું ફરી શકે છે.

દાણચોરીનો ધંધો કરતા એક શખ્સે કહ્યું હતું, ''રક્કા અને ડેર અલ જોરમાં આઈએસનો પરાજય થયો.''

''એ પછી અમારા જેવા દાણચોરોને સમજાયું છે કે સીમા પાર કરીને તુર્કી આવવાના પ્રયાસ કરતા લોકોની સંખ્યામાં મોટો વધારો થયો છે.

''તેમાં ઘણા લોકો આઈએસના લડવૈયાઓ અને તેમના પરિવારજનો છે. તેમાં સીરિયનો અને વિદેશી લોકોનો પણ સમાવેશ થાય છે.''

આઈએસના એક લડવૈયાએ કહ્યું હતું, ''અમારા ગ્રુપમાં ઘણાં લોકો ફ્રાન્સના પણ છે. તેઓ હુમલાના હેતુસર ફ્રાન્સ જવા રવાના થઈ ગયા છે.''

રક્કામાં ખિલાફત ચળવળનો અંત આવ્યો છે, પણ આઈએસનું જોખમ યથાવત છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો