મુગાબેએ જ્યારે ભારતીય પોશાક ના પહેર્યો

2015માં થયેલી ત્રીજી ઇન્ડિયા આફ્રિકા સમિટમાં ભારત સહિત 55 દેશના વડાનો ફેમિલી ફોટો Image copyright Getty Images
ફોટો લાઈન 2015માં થયેલી ત્રીજી ઇન્ડિયા આફ્રિકા સમિટમાં આફ્રિકાના 54 દેશોએ ભાગ લીધો હતો

2015માં ત્રીજી ઇન્ડિયા-આફ્રિકા સમિટનું આયોજન થયું હતું. 26થી 29 ઑક્ટોબર સુધી ચાલેલી આ સમિટમાં 54 આફ્રિકન દેશના નેતાઓ અને પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.

આ નેતાઓમાં ઝિમ્બાબ્વેના રાષ્ટ્રપતિ રોબર્ટ મુગાબે પણ સામેલ હતા.

આ સમિટમાં ડિપ્લોમસીના ભાગરૂપે સમિટના અનૌપચારિક ડિનરમાં આ આફ્રિકન નેતાઓ માટે ભારતીય પહેરવેશ તૈયાર કરવામાં આવ્યો હતો.

આ પહેરવેશમાં સિલ્કના કુર્તા-પાયજામા સાથે મોદી-જેકેટ અને સાફાનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

તમને આ પણ વાંચવું ગમશે

આ ડિનર વખતે દરેક સમિટની જેમ ફેમિલી ફોટો પણ લેવામાં આવ્યો હતો.

Image copyright TWITTER/MEA
ફોટો લાઈન ઇન્ડિયા આફ્રિકા સમિટ 2015માં ડિનર વખતે ભારતીય પરિધાનમાં લેવાયેલો ફેમિલી ફોટો

પરંતુ આ ફોટોમાં ધ્યાન ખેંચે એવી વાત એ હતી કે તેમાં બે દેશના વડાએ આ પહેરવેશ પહેર્યો નહોતો.

એક હતા સાઉથ આફ્રિકાના વડા જેકોબ ઝુમા અને બીજા ઝિમ્બાબ્વેના વડા રોબર્ટ મુગાબે.

આ બન્ને દેશના વડા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજુબાજુ ઊભા હતા.

મુગાબેએ આ ડિનરમાં સફેદ શર્ટ અને કાળી ટાઈ સાથે ગ્રે રંગનો શુટ પહેર્યો હતો.

નાઇજીરિયાના પ્રમુખ મુહામ્માદુ બુહારીએ સાફાની બદલે તેમની પરંપરાગત ટોપી જ પહેરી હતી.

શા માટે મુગાબેએ ભારતીય પહેરવેશ નહોતો પહેર્યો તેનું કારણ જાહેર કરવામાં નહોતું આવ્યું.

પરંતુ એ સમયે મીડિયાએ આ વાતની નોંધ જરૂરથી લીધી હતી.


કોણ છે રોબર્ટ મુગાબે?

Image copyright Getty Images
ફોટો લાઈન 1980માં ઝિમ્બાબ્વેની સ્વતંત્રતા પછી મુગાબેએ કરેલી પ્રેસ કોન્ફરન્સ

દુનિયાના કેટલાક એવા નેતાઓમાં મુગાબેનો સમાવેશ થાય છે જેઓ લાંબા સમય સુધી સત્તામાં હોય.

93 વર્ષના મુગાબેના હાથમાં ઝિમ્બાબ્વેની સત્તા ત્યારથી છે જ્યારથી ઝિમ્બાબ્વે સ્વતંત્ર થયું.

એટલે કે વર્ષ 1980થી ઝિમ્બાબ્વેની સત્તાની કમાન મુગાબે પાસે છે.

છેલ્લા થોડા સમયથી તેમની સત્તા સામે વિરોધનો અવાજ પણ વધવા માંડ્યો હતો.

વર્ષ 2000માં ઝિમ્બાબ્વેના અર્થતંત્રની હાલત ખરાબ થઈ. જેમાંથી ઝિમ્બાબ્વે હજુ પણ બહાર નીકળી શક્યું નથી.

અર્થતંત્રની સ્થિતિ માટે મુગાબેની જમીન સંબંધી નીતિને જવાબદાર ગણવામાં આવે છે.

આ પરિસ્થિતિએ ઝિમ્બાબ્વેને ઘણું કંગાળ બનાવ્યું છે. જોકે હજુ પણ તેમના સમર્થકો માટે તેઓ બ્રિટિશ સંસ્થાનવાદ સામે લડનારા હિરો જ છે.

1960ના દાયકામાં સ્વતંત્રતાની લડતના નેતા તરીકે રોબર્ટ મુગાબે ઊભરી આવ્યા હતા.

તેમની લડત વખતે જ્યારે તેમને જેલમાં પૂરવામાં આવ્યા ત્યારે તેમને પોતાના ચાર વર્ષના મૃત બાળકની અંતિમવિધિ માટે પણ જેલ બહાર આવવાની પરવાનગી મળી નહોતી.

સ્વતંત્રતા પછી ઝિમ્બાબ્વેમાં શિક્ષણને પ્રાથમિક્તા મળી. તેમની નવી બનેલી સરકારે ઝિમ્બાબ્વેનો સાક્ષરતા આંક ઘણો ઉપર પહોંચાડ્યો હતો.


શું છે હાલનો વિવાદ?

Image copyright AFP/Getty Images
ફોટો લાઈન એમ્મર્સન મન્નાગગ્વા અને ગ્રેસ મુગાબે

મુગાબેએ સત્તા મામલે થયેલા વિવાદને પગલે ગત સપ્તાહે ઉપ-પ્રમુખ એમ્મર્સન મન્નાગગ્વાની હકાલપટ્ટી કરી હતી.

અગાઉ ઉપ-રાષ્ટ્રપતિ એમ્મર્સન મન્નાગગ્વાને રાષ્ટ્રપતિ મુગાબેના ઉત્તરાધિકારી તરીકે જોવામાં આવતા હતા.

પણ હવે મુગાબેના પત્ની ગ્રેસ મુગાબેને પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.

બન્ને વચ્ચેના આ ટકરાવને કારણે ઝાનુ-પીએફ પાર્ટીમાં તિરાડ પડી હતી.

ગ્રેસ મુગાબેએ એમ્મર્સન દ્વારા સત્તાના સૂત્રો કબજે કરવાની કોશિશ કરવામાં આવશે તેવી આશંકા વ્યક્ત કરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા