ઝિમ્બાબ્વેમાં લશ્કરે ખરેખર બળવો કર્યો છે?

ઝિમ્બાબ્વેના લશ્કરી અધિકારીઓ Image copyright AFP
ફોટો લાઈન ઝિમ્બાબ્વેમાં સૈન્યએ ખરેખર બળવો પોકાર્યો છે?

રાષ્ટ્રીય બ્રોડકાસ્ટર ઝેડબીસી પર કબજો જમાવ્યા બાદ ઝિમ્બાબ્વેના લશ્કરે હવે રાષ્ટ્રપતિ રોબર્ટ મુગાબેને પણ અટકાયતમાં લીધા છે.

રાજધાની હરારેની શેરીઓમાં સૈનિકો અને લશ્કરી વાહનો જોવા મળ્યાં હતાં. બુધવારે ત્યાં ગોળીબાર અને વિસ્ફોટના અવાજ પણ સાંભળવા મળ્યા હતા.

સવાલ એ છે કે ઝિમ્બાબ્વેમાં સૈન્યએ ખરેખર બળવો પોકાર્યો છે?

તમને આ પણ વાંચવું ગમશે

લશ્કર તેનો ભારપૂર્વક ઈનકાર કરે છે, પણ આ બળવો હોવાના ઘણા સંકેત મળ્યા છે.


(1)બળવો થયાનું કોઈ ક્યારેય નથી કહેતું

Image copyright Getty Images
ફોટો લાઈન 'અમારું મિશન પુરું થશે કે તરત જ પરિસ્થિતિ સામાન્ય થઈ જશે'

બળવાના સુત્રધારો ક્યારેય એવું નથી કહેતા તેઓ બળવો કરી રહ્યા છે.

ઝિમ્બાબ્વેના દક્ષિણ આફ્રિકા ખાતેના રાજદૂત આઈઝેક મોયોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે સરકાર 'સલામત' છે અને 'લશ્કરે દેશનો કબજો સંભાળ્યો નથી

આઇઝેક મોયોએ સરકારી ટેલિવિઝન પર જણાવ્યું હતું, ''રાષ્ટ્રપતિ મુગાબેની આસપાસ જે ગુનેગારો છે તેમને જ અમે નિશાન બનાવી રહ્યા છીએ.''

''એ ગુનેગારો સામાજિક અને આર્થિક મુશ્કેલી સર્જી રહ્યા છે.''

''અમારું મિશન પુરું થશે કે તરત જ પરિસ્થિતિ સામાન્ય થઈ જશે.''

જોકે, લશ્કરી પગલાંથી જેમને ફટકો પડ્યો છે તેમના માટે પરિસ્થિતિ વધારે ભયજનક છે.

અશાંત વેનેઝુએલામાં સરકાર વિરોધી હિંસક પ્રદર્શન વસંતઋતુથી ચાલી રહ્યું છે.

વેનેઝુએલામાં સૈન્યના અધિકારીઓએ રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો સામે ઓગસ્ટમાં નિષ્ફળ બળવો કર્યો હતો.


(2)દેશના વડા ક્યાં છે?

Image copyright AFP/GETTY IMAGES
ફોટો લાઈન અમેરિકાનાં લશ્કરી દળો પનામામાં ઘૂસ્યાં ત્યારે જનરલ મેન્યુઅલ નોરિએગાએ વેટિકનની એલચી કચેરીમાં આશરો લીધો હતો

બળવો થયો છે કે કેમ એ ચકાસવા માટે રાષ્ટ્રના વડા ક્યાં છે એ ધ્યાનમાં લેવું પડે.

દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ જેકબ ઝુમાની ઓફિસે જણાવ્યા મુજબ, રાષ્ટ્રપતિ મુગાબેને હરારેમાં નજરકેદ કરવામાં આવ્યા છે.

પોતે એકદમ સારી હાલતમાં હોવાનું મુગાબેએ જણાવ્યું હતું, પણ તેમનાં બાવન વર્ષનાં શક્તિશાળી પત્ની ગ્રેસ મુગાબેની હાલત બાબતે કોઈ સમાચાર નથી.

જોકે, વિરોધપક્ષના સંસદસભ્ય એડી ક્રોસે બીબીસીને જણાવ્યું હતું કે ગ્રેસ મુગાબે મંગળવારે રાતે નામીબિયા ભાગી છૂટ્યાં છે.

બળવાના ટાર્ગેટને અટકાયતમાં લેવાનું બળવાની કાર્યવાહીનો એક મહત્વનો તબક્કો હોય છે.

હાંકી કાઢવામાં આવેલા કે ભયભીત નેતાઓ માટે વિદેશી એલચી કચેરીઓ આશ્રયસ્થાન બનતી હોય છે.

અમેરિકાના તત્કાલીન પ્રમુખ જ્યોર્જ બુશ સીનિયરે 1989માં પનામા પર આક્રમણ કર્યું હતું.

એ વખતે પનામાના દમનકારી, શક્તિશાળી જનરલ મેન્યુઅલ નોરિએગાએ પનામા સિટીમાંની વેટિકનની એલચી કચેરીમાં આશરો લીધો હતો.

ક્યારેય દેશના વડા કોઈક અલગ દેશમાં જ જોવા મળતા હોય છે.

હોન્ડુરાસમાં 2009માં લશ્કરે રાષ્ટ્રપ્રમુખ મેન્યુઅલ ઝેલાયાને પદભ્રષ્ટ કરીને પ્લેનમાં બેસાડી દીધા હતા.

કોસ્ટા રિકા પહોંચ્યા બાદ તેમણે જણાવ્યું હતું કે તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું.

ત્રણ મહિના પછી તેઓ હોન્ડુરાસની બ્રાઝિલ એલચી કચેરીમાં જોવા મળ્યા હતા.


(3)શેરીઓમાં લોકો અને ગોળીબારના અવાજો

Image copyright AFP/GETTY IMAGES
ફોટો લાઈન ઈજીપ્તના કૈરોના તહરિર સ્ક્વેરમાં 10 ફેબ્રુઆરી, 2011ના રોજ વિરોધ પ્રદર્શનકર્તાઓએ રાષ્ટ્રપતિ હોસ્ની મુબારક વિરોધી સુત્રોચ્ચાર કર્યો હતો

શ્રેણીબદ્ધ વિરોધપ્રદર્શનો બળવાનો મુખ્ય સંકેત હોય છે.

વિરોધપ્રદર્શનકર્તાઓ દમનકારી સરકારને ફગાવીને લોકશાહીની પુન:સ્થાપનાની હાકલ કરતા હોય છે.

દેશના લશ્કર માટે આગળ વધીને સત્તા પોતાના હાથમાં લેવા માટે એટલું પૂરતું હોય છે.

ઈજીપ્તમાં રાષ્ટ્રપતિ હોસ્ની મુબારકે 2010-11ના આરબ બળવા વખતે જોરદાર વિરોધ પ્રદર્શનને રાજીનામું આપવું પડ્યું હતું.

વિરોધપ્રદર્શન કરી રહેલા લોકો સામે પોતે બળપ્રયોગ નહીં કરે એવું ઈજીપ્તના લશ્કરે જાહેર કર્યું ત્યારે તેમાં વળાંક આવ્યો હતો.

તેથી હોસ્ની મુબારકે રાજીનામું આપવું પડ્યું હતું અને લશ્કરે સત્તા સંભાળી હતી.

ઝિમ્બાબ્વેમાં રોબર્ટ મુગાબેએ તેમનાં પત્ની ગ્રેસના કહેવાથી ઉપ-રાષ્ટ્રપતિ એમર્સન નંગાવેને હાંકી કાઢ્યા ત્યારથી દેશમાં તંગદિલી સર્જાઈ હતી.

જોકે, ઝિમ્બાબ્વેમાં જોરદાર વિરોધપ્રદર્શન થયાં નથી.

શેરીઓ પ્રમાણમાં શાંત હોવાનું કહેવાય છે, પણ સૈન્યના સશસ્ત્ર વાહનો રાજધાનીમાં પેટ્રોલિંગ કરી રહ્યાં છે.


(4)વિદેશો તેમના નાગરિકોને ચેતવણી આપે

મુશ્કેલીમાં સપડાયેલા નેતાને આશરો ભલે ન આપે, પણ પોતાના નાગરિકોને સલામત રાખવાની જવાબદારી જે તે દેશની એલચી કચેરીઓની હોય છે.

આ હેતુસર એવી એલચી કચેરીઓ માર્ગદર્શન આપવાનું શરૂ કરે છે.

ઝિમ્બાબ્વેમાં બ્રિટનના વિદેશ વિભાગે તેના દેશના હરારેમાંના નાગરિકોને ઘરમાં કે જે સ્થળે હોય ત્યાં સલામત રહેવાની સલાહ આપી હતી.

અમેરિકન એલચી કચેરીએ એક ટ્વીટમાં જણાવ્યું હતું કે હાલની અનિશ્ચિતતાને કારણે કચેરી બુધવારે બંધ રહેશે.


(5)સરકારી મીડિયા પર અંકુશ

Image copyright Reuters
ફોટો લાઈન સરકારી મીડિયા પર કબજો જમાવવા છતાં તુર્કીના રાષ્ટ્રપતિ રીસેપ તાયેપ અર્ડોગન વિરુદ્ધનો બળવો સફળ થયો ન હતો

બહાર સંદેશો પહોંચે એ બહુ જરૂરી હોય છે. તેથી બળવાખોરો પોતાનો પક્ષ રજૂ કરવા સરકારી કે ખાનગી મીડિયા પર કબજો જમાવતા હોય છે.

ઝિમ્બાબ્વેમાં લશ્કરે સરકારી ટીવી સ્ટેશન ઝેડબીસીના હેડક્વાર્ટર પર સફળતાપૂર્વક કબજો જમાવ્યો છે.

જોકે, આ રીતે મીડિયા કબ્જે કરવાથી સફળતા મળશે જ તે નિશ્ચિત નથી હોતું.

તુર્કીમાં 2016માં લશ્કરના એક જૂથે સરકારી બ્રોડકાસ્ટર પર કબજો જમાવ્યો હતો.

તેમણે દાવો કર્યો હતો કે લોકશાહીના રક્ષણ માટે રાષ્ટ્રપતિ રીસેપ તાયેપ અર્ડોગન પાસેથી સત્તા આંચકી લીધી છે.

હકીકતમાં એ બળવાને દબાવી દેવામાં આવ્યો હતો.


(6)સરહદો, પુલો અને એરપોર્ટ્સ બંધ

Image copyright Getty Images
ફોટો લાઈન બુર્કિના ફાસોમાં રાષ્ટ્રપતિના સલામતી રક્ષકોએ સપ્ટેમ્બર, 2015માં બળવાનું નેતૃત્વ કર્યું હતું

કોઈ દેશ કે તેની રાજધાની પર કબજો જમાવવા તેની સરહદો, પુલો અને એરપોર્ટ્સ મારફત લોકોની અવરજવર બંધ કરી દેવાથી મદદ મળતી હોય છે.

બુર્કિના ફાસોમાં રાષ્ટ્રપતિના સલામતી રક્ષકોએ સપ્ટેમ્બર, 2015માં બળવાનું નેતૃત્વ કર્યું હતું.

તેમણે દેશની ભૂમિ અને હવાઈ સીમા સીલ કરવાનો તથા રાતના સમયે કર્ફયુનો આદેશ આપ્યો હતો.

પાકિસ્તાનમાં 1999માં વડાપ્રધાન નવાઝ શરીફે સૈન્યના શક્તિશાળી વડા જનરલ પરવેઝ મુશર્રફને પાણીચું આપવાનો પ્રયાસ કર્યો હતો.

એ વખતે એરપોર્ટ પર અંકુશનું સૌથી વધુ નોંધપાત્ર ઉદાહરણ જોવા મળ્યું હતું.

એ સમયે જનરલ મુશર્રફ શ્રીલંકામાં હતા. શરીફની યોજનાની ખબર પડી કે તરત જ પ્રવાસી પ્લેનમાં કોલમ્બો એરપોર્ટથી કરાચી પહોંચ્યા હતા.

એર ટ્રાફિક કન્ટ્રોલે પરવેઝ મુશર્રફ અને 200 પ્રવાસીઓ સાથેના એ પ્લેનને ઉતરાણની પરવાનગી આપવાનો ઈનકાર કર્યો હતો.

તેથી એ પ્લેનને પહેલાં ઓમાન અને પછી ભારત ભણી વાળવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

પ્લેનમાં ઈંધણનું પ્રમાણ એકદમ ઓછું હોવા છતાં જનરલ મુશર્રફે પ્લેનને કરાચી પર જ ચક્કર મારતું રાખવાનો આદેશ પાયલટને આપ્યો હતો.

જનરલ મુશર્રફ તરફી સૈનિકોએ એરપોર્ટના કન્ટ્રોલ ટાવર પર કબજો જમાવ્યો પછી એ પ્લેનનું ઉતરાણ શક્ય બન્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા