જરૂર પડી તો આક્ષેપો સામે કાયદાકીય કાર્યવાહી : નીતિન પટેલ

હાર્દિક પટેલ Image copyright Getty Images
ફોટો લાઈન હાર્દિક પટેલની અંગત પળોની વિડિઓ ક્લિપ્સ સોશિયલ મીડિયા અને મીડિયામાં આવતાની સાથે આરોપ-પ્રત્યારોપની રાજનીતિનું વાતાવરણ ગુજરાતમાં ગરમ થઈ ગયું

પાટીદાર અનામત આંદોલન સમિતિના (પાસ) નેતા હાર્દિક પટેલની અંગત પળોની કથિત વીડિયો ક્લિપ્સ સોશિયલ મીડિયા અને મીડિયામાં આવતાની સાથે આરોપ-પ્રત્યારોપની રાજનીતિ શરૂ થઈ છે.

ગુરુવારે 'પાસ' પ્રવક્તા દિનેશ બાંભણીયાએ પત્રકાર પરિષદમાં આ વીડિયોક્લિપ્સ મુદ્દે ભાજપ પર આક્ષેપો કર્યાં હતા.

બાંભણીયાએ આક્ષેપો કર્યા કે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપ પક્ષના ગુજરાત રાજ્યના પ્રમુખ જીતુ વાઘાણીના ઈશારે આખી આ રમત રમાઈ છે.

તમને આ પણ વાંચવું ગમશે

બાંભણીયાએ ઉમેર્યું કે સુરત સ્થિત વિપુલ મેંદપરા અને ભાજપનું સમર્થન કરી રહેલા ઉદ્યોગપતિ બિમલ પટેલની આ મુદ્દે સંડોવણીની વિગતો મેળવી છે.

આ સંદર્ભે હાર્દિકના અંગત જીવન પર પ્રહારો કરીને તેને બદનામ કરવાનું કાવતરું પાર પાડવા માટે 40 કરોડ રૂપિયા ખર્ચાયા હોવાના આક્ષેપો પણ બાંભણીયાએ કર્યા હતા.


ભાજપનો વળતો પ્રહાર

Image copyright FACEBOOK/NITINBHAIPATELBJP
ફોટો લાઈન નીતિન પટેલે આ સમગ્ર મુદ્દાને કોંગ્રેસની ગંદી રાજનીતિની એક ચાલ તરીકે ઓળખાવી હતી

સામા પક્ષે ભારતીય જનતા પાર્ટીના નેતા અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ સંદર્ભે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ સંબોધતા તમામ આરોપોને નકારી કાઢ્યા હતા.

નીતિન પટેલે આ સમગ્ર મુદ્દાને કોંગ્રેસની ગંદી રાજનીતિની એક ચાલ તરીકે ઓળખાવી હતી.

સાથે સાથે નીતિન પટેલે કહ્યું હતું કે ગુજરાતમાં સામાજિક જીવનનું નૈતિક સ્તર જળવાઈ રહે એ બહુ જરૂરી છે.

પત્રકાર પરિષદના અંતમાં પટેલે પૂછ્યું હતું હતું કે જો આ મુદ્દે હાર્દિક નિર્દોષ છે તો તે કેસ કેમ દાખલ કરવામાં આવતો નથી?

પટેલે કહ્યું કે આ લોકો કહે છે કે પોતાની નિર્દોષતા સાબિત કરવા માટે તેમની પાસે પૂરતા પુરાવા છે.

તો હાર્દિકે આ સંદર્ભે કાયદાકીય વિકલ્પો તપાસવા જોઈએ તેવું પટેલે સ્પષ્ટ કર્યું હતું.

'પાસ' દ્વારા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પર કરાયેલા આક્ષેપો સંદર્ભે પક્ષ કાયદાકીય વિકલ્પો તપાસી રહ્યાનો ખુલાસો પટેલે કર્યો હતો.

સાથે સાથે પટેલે જણાવ્યું હતું કે જરૂર પડ્યે અમે આ સંદર્ભે કાયદેસરની યોગ્ય કાર્યવાહી કરીશું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો