સ્કૉટલૅન્ડ : દારૂનું સેવન ઘટાડવા સરકાર દારૂ મોંઘો કરશે

દારૂ પી રહેલા વ્યક્તિની તસવીર Image copyright Getty Images
ફોટો લાઈન સ્કૉટલેન્ડ દારૂ પર ન્યૂનતમ કિંમતની નીતિ લાગુ કરશે.

સ્કૉટલૅન્ડ વિશ્વનો સૌથી પહેલો એવો દેશ બન્યો છે છે, જ્યાં દારૂ (આલ્કોહોલ)ની 'યુનિવર્સલ મીનીમમ પ્રાઇઝ (વૈશ્વિક ઓછામાં ઓછી કિંમત)' નક્કી કરવામાં આવી છે.

જોકે, આ નિર્ણય લેવામાં આ દેશને પાંચ વર્ષનો સમય લાગ્યો હતો. 14મી નવેમ્બર 2017ના રોજ યુનાઇટેડ કિંગડમની સર્વોચ્ચ અદાલતે સ્કૉટિશ સંસદે વર્ષ 2012માં પસાર કરેલા એક ખરડાના પક્ષમાં ચુકાદો આપ્યો છે.

સ્કૉચ વિસ્કિ એસોશિયેશને આ ખરડાને પડકાર્યો હતો. આ સંગઠનનો આક્ષેપ હતો કે સ્કૉટિશ સરકાર યુરોપિયન સંઘના કાયદાનો ભંગ કરી રહી છે.

તમને આ પણ વાંચવું ગમશે

હવે લગભગ આગામી વર્ષથી સ્કૉટલૅન્ડમાં દારૂની કિંમતોમાં ન્યૂનતમ કિંમતની નીતિ લાગુ પડશે.


દારૂના સેવનથી દેશને નુકસાન

ફોટો લાઈન દારૂની ન્યૂનતમ કિંમતોની નીતિ લાગુ કરવા સ્કૉટલૅન્ડ છેલ્લાં પાંચ વર્ષથી કૉર્ટ કેસ લડી રહ્યું હતું

દારૂના દરેક યુનિટ પર ઓછામાં ઓછા 43 રૂપિયા વસૂલ કરવામાં આવશે. એટલે ત્યાં વિસ્કિની જે બોટલ હાલ 900 રૂપિયામાં મળી રહી છે તે આવતાં વર્ષથી 1170 રૂપિયાથી પણ વધુની કિંમતે મળશે.

આ નીતિની અસર સુપરમાર્કેટ અને વાઇન શૉપ પર પડશે. ઉપરાંત બાર અને રેસ્ટોરાં તો દારૂના પ્રતિ યુનિટે 43 રૂપિયાથી વધુનો ભાવ જ વસૂલી રહ્યા છે.

સ્કૉટિશ સત્તાધીશોનું માનવું છે કે દારૂનો આ ભાવવધારો લોકોના દારૂના સેવનમાં ઘટાડો કરશે. કારણ કે ઇંગ્લૅન્ડ અને વૅલ્સના નાગરિકો કરતા સ્કૉટલૅન્ડના નાગરિકો સરેરાશ 20 ટકા દારૂ વધુ પીવે છે.

સ્કૉટિશ સરકાર આ મુદ્દાને વધુ પ્રાથમિકતા આપી રહી છે કારણ કે દારૂ સંબંધિત બીમારીઓના કારણે થતા મૃત્યુઓનું પ્રમાણ વર્ષ 1980થી 2010 વચ્ચેના સમયગાળામાં બમણું થઈ ચૂક્યું હતું.

દારૂનાં વધુ પડતા સેવનના કારણે સ્કૉટલૅન્ડમાં દર વર્ષે 4.75 બિલિયન ડૉલરનું નુકસાન થાય છે. પોલીસ અને સરકારી દંડ, કોર્ટ કેસમાં થતો ખર્ચ અને હોસ્પિટલમાં થતા ખર્ચનો આ રકમમાં સમાવેશ થાય છે.

પરંતુ ન્યૂનતમ કિંમત નક્કી કરવાના કારણે સમસ્યાનું સમાધાન આવશે?


ઉગ્ર ચર્ચાનો વિષય

Image copyright Getty Images
ફોટો લાઈન દારૂના વધુ પડતા સેવનના કારણે સ્કૉટિશ નાગરિકોને આર્થિક નુકસાન પણ થાય છે

દારૂના કિંમત નિયમન અને સેવન મુદ્દાની આ ચર્ચા હવે થોડી ઉગ્ર બની રહી છે અને સ્કૉચ વ્હિસ્કી એસોશિયેશન આ મુદ્દે ઘણાં સમયથી કૉર્ટ કેસ લડી રહી છે.

બીજી તરફ વિશ્વના કેટલાંક સંગઠનો અને એજન્સીઓ દારૂના વધુ પડતા સેવન પર નિયંત્રણ લાવવાની નીતિનું સમર્થન કરી રહ્યા છે.

તેમાંના કેટલાંક વ્યાપારી સંગઠનો નથી તો પણ તેમનો આ મુદ્દે તેમની અસંમતિ પ્રદર્શિત કરી રહ્યા છે. અર્થતંત્ર અને ફિલસૂફી બન્નેનો સંદર્ભ આપીને તેઓ કહી રહ્યા છે કે સરકારે આ બાબતે હસ્તક્ષેપ કરવો જોઈએ.

આ બાબતે બીજી એક દલીલ એ પણ થઈ રહી છે કે આ પ્રકારે કિંમતો પર નિયંત્રણ રાખવાથી સભાનપણે અને જવાબદારીપૂર્વક દારૂનું સેવન કરતા લોકોને ફટકો પડશે.

ઉપરાંત ઓછી આવક ધરાવતા લોકોને પણ આ નિયમના કારણે વધારે ખર્ચ ઉઠાવવો પડશે. એવો ભય પણ વ્યક્ત કરાઈ રહ્યો છે કે હવે બૂટલેગિંગની ઘટનાઓ પણ વધશે.


કરમાં વધારો

Image copyright Getty Images
ફોટો લાઈન સ્કૉટલેન્ડમાં દારૂના સેવનના કારણે થતી બીમારીઓ અને મૃત્યુઓનું પ્રમાણ વધી રહ્યું છે

દારૂની કિંમતની નીતિની દારૂના સેવનના પ્રમાણ પર થતી અસરનો અભ્યાસ કરવા ઘણાં સંશોધનો થયા છે.

આ સંશોધનોમાંથી મોટાભાગના અભ્યાસોનું કહેવું છે કે દારૂની કિંમતમાં વધારો થાય તો તેનું સેવન ઓછાં પ્રમાણમાં થવા માંડે છે.

આલ્કોહોલ ફોકસ સ્કૉટલૅન્ડે 15 નવેમ્બરે પ્રકાશિત કરેલા એક અહેવાલમાં આ નિવેદન આપ્યું હતું કે આ નીતિ લાગુ થયાના એક વર્ષ બાદ દર વર્ષે હોસ્પિટલમાં આવતા કેસોમાં 1600 કેસનો ઘટાડો નોંધાશે અને દેશના કુલ મૃત્યુઆંકમાં 60 મૃત્યુનો ઘટાડો નોંધાશે.

તમને આ પણ વાંચવું ગમશે

વર્ષ 1980ની સરખામણીએ વર્તમાન વર્ષમાં લોકોની દારૂ ખરીદવાની ક્ષમતામાં 60 ટકાનો વધારો થયો છે. જેના કારણે બીમારીઓનું અને સામાજિક સમસ્યાઓનું પ્રમાણ વધ્યું છે.


દારૂ મોંઘો થવાથી લોકો નહીં પીવે?

Image copyright Getty Images
ફોટો લાઈન દારૂની કિંમતમાં વધારાની દારૂના સેવન પર મિશ્ર અસર જોવા મળે છે.

એક તરફ એવા પણ દેશો છે જ્યાં સૌથી મોંઘો દારૂ મળતો હોવા છતાં ત્યાં દારૂના સેવનનું પ્રમાણ સૌથી વધુ છે. ફિનલેન્ડ આવા દેશોમાંથી એક છે.

ફિનલેન્ડમાં દારૂની કિંમત પર લગભગ 38 ટકાનો ટેક્સ વસૂલવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને જાહેર કરેલા એક અહેવાલ મુજબ ત્યાંના લોકો દર વર્ષે માથાદીઠ 12 લિટર દારૂનું સેવન કરે છે.

નોર્વેના લોકો દર વર્ષે માથાદીઠ સરેરાશ 7.7 લિટર દારૂનું સેવન કરે છે અને દારૂ પર 45 ટકા ટેક્સ આપે છે.

દારૂના સેવનનું પ્રમાણ ઓછું કરવા આ નિર્ણય લેવામાં આવ્યો છે. નોર્વેમાં બીયરના છ કેનની કિંમત આશરે 2000 રૂપિયા છે.

ફ્રાન્સ, સ્પેન, ઇટલી, પોર્ટુગલ અને બલ્ગેરિયા યુરોપમાં વાઇનનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરતા દેશો છે.

આ દેશોના વિરોધ અને લાંબા સમય સુધી ચાલેલા કોર્ટ કેસ બાદ સ્કૉટલૅન્ડે આ નીતિ સાથે આગળ વધવાનો નિર્ણય કર્યો છે.

જોકે, દારૂની ન્યૂનતમ કિંમતો નક્કી કરવાની અસરોનો તાગ મેળવવામાં વર્ષો લાગી જશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો