અલાઉદ્દીન ખિલજી વાસ્તવમાં વિલન હતા?

અભિનેતા રણવીર સિંહનો ખિલજીના વેશમાં ફોટોગ્રાફ Image copyright TWITTER/DEEPIKAPADUKONE
ફોટો લાઈન 'પદ્માવતી'માં અલાઉદ્દીન ખિલજીનું પાત્ર રણવીર સિંહે ભજવ્યું છે

તૂર્કી મૂળના અલાઉદ્દીન ખિલજી 1296માં દિલ્હીના સુલતાન બન્યા હતા.

તેના 721 વર્ષ પછી બનાવવામાં આવેલી 'પદ્માવતી' ફિલ્મમાં ખિલજીનું પાત્ર રણવીર સિંહે ભજવ્યું છે. કોઈ પણ ફિલ્મમાં હીરો, હીરોઇન અને વિલન એમ ત્રણ પાત્રો મહત્વનાં હોય છે.

'પદ્માવતી' ફિલ્મમાં ખિલજી વિલન છે, પણ 20 વર્ષ સુધી દિલ્હીના સુલતાનપદે રહેલા અલાઉદ્દીન ખિલજી વાસ્તવમાં વિલન હતા કે ઇતિહાસ તેમના વિશે કંઇક અલગ જણાવે છે?

અલીગઢ યુનિવર્સિટીમાં ઇતિહાસ વિભાગના વડા અને મધ્યકાલીન ભારતના નિષ્ણાત પ્રોફેસર સૈયદ અલી નદીમ રઝાવીએ આ અંગે વાત કરી હતી.

તેમણે કહ્યું હતું ''પદ્માવતી ફિલ્મમાં મહારાણી પદ્મિનીના કાલ્પનિક પાત્રની પ્રસ્તુતિ સંબંધે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે."

''ફિલ્મના દિગ્દર્શક સંજય લીલા ભણસાલીએ અન્યાય તો ખરેખર અલાઉદ્દીન ખિલજી સાથે કર્યો છે.''

તમને આ પણ વાંચવું ગમશે


ઐતિહાસિક પાત્ર

Image copyright TWITTER/DEEPIKAPADUKONE
ફોટો લાઈન અલાઉદ્દીન ખિલજી રાણી પદ્માવતી તરફ આકર્ષાયા હોવાનું ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે

પ્રો. સૈયદ અલી નદીમ રઝાવીના જણાવ્યા અનુસાર આ ફિલ્મમાં અલાઉદ્દીન ખિલજીના પાત્રનું ચિત્રણ બર્બર, ક્રૂર, જંગલી અને અસભ્ય શાસક તરીકેનું કરવામાં આવ્યું છે.

''ફિલ્મમાં અલાઉદ્દીન ખિલજી જંગલીની જેમ ખાય છે, અજીબ વસ્ત્રો પહેરે છે."

''વાસ્તવમાં અલાઉદ્દીન ખિલજી તેમના સમયના સુસંસ્કૃત વ્યક્તિ હતા. તેમણે લીધેલાં કેટલાંક પગલાંની અસર આજે પણ જોવા મળે છે.''

પ્રોફેસર રઝાવીએ કહ્યું હતું, ''અલાઉદ્દીન ખિલજી એક ઐતિહાસિક પાત્ર છે. તેના જીવનનો સંપૂર્ણ રેકોર્ડ ઉપલબ્ધ છે."

''તેમની ગણતરી ભારતના સૌથી પ્રબુદ્ધ બાદશાહોમાં થાય છે.''

દિલ્હી પર તુર્કોના શાસનની શરૂઆત પછી ખિલજી વંશે જ હિન્દુસ્તાનનાં લોકોને પણ હકૂમતમાં સામેલ કર્યા હતા.

પ્રોફેસર રઝાવીને જણાવ્યા મુજબ ખિલજી વંશ પહેલાં દિલ્હી પર શાસન કરી ચૂકેલા સુલતાનોમાં ઇલ્તુતમિશ, બલબન અને રઝિયા સુલતાનનો પણ સમાવેશ થાય છે.

''એ સુલતાનો તેમની હકૂમતમાં સ્થાનિક લોકોને સ્થાન આપતા ન હતા."

''તેમના શાસનમાં તુર્કોને જ મહત્વનાં પદ આપવામાં આવતાં હતાં. તેથી તેને તુર્ક શાસન કહેવામાં આવતું હતું.''


ભાવનિયંત્રણ નીતિ

Image copyright TWITTER@RANVEEROFFICIAL
ફોટો લાઈન અલાઉદ્દીન ખિલજીના પાત્રમાં રણવીર સિંહ

પ્રોફેસર રઝાવીના મતાનુસાર જલાલુદ્દીન ખિલજી દિલ્હીના સુલતાન બન્યા પછી હિન્દુસ્તાનના લોકોને પણ હકૂમતમાં સામેલ કરવાની શરૂઆત થઈ હતી. તેને ખિલજી ક્રાંતિ પણ કહેવામાં આવે છે.

''અલાઉદ્દીન ખિલજીએ એ નીતિને આગળ વધારી હતી અને સ્થાનિક લોકોને સરકારમાં હિસ્સેદારી પણ આપી હતી."

''એ માત્ર તુર્ક સરકાર ન હતી. હિન્દુસ્તાની મૂળના લોકો પણ તેમાં સામેલ હતા.''

પ્રોફેસર રઝાવીએ કહ્યું હતું ''હિન્દુસ્તાન ગંગા-જમની સંસ્કૃતિ માટે વિખ્યાત છે. તેની શરૂઆત અલાઉદ્દીન ખિલજીએ કરાવી હતી અને અકબરે તેને આગળ વધારી હતી.''

ભાવ નિયંત્રણની અલાઉદ્દીન ખિલજીની નીતિને એ સમયનો ચમત્કાર જ કહેવો પડે. બજારમાં મળતી તમામ ચીજોના ભાવ અલાઉદ્દીન ખિલજીએ નક્કી કર્યા હતા.

નજફ હૈદર જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં ઇતિહાસના પ્રોફેસર છે. નજફ હૈદરે કહ્યું હતું ''અલાઉદ્દીન ખિલજીની બજાર સંબંધી નીતિઓ વિખ્યાત છે."

''તેમણે માર્કેટને નિયંત્રિત કર્યું હતું એટલું જ નહીં, ચીજવસ્તુઓના ભાવ પણ નક્કી કર્યા હતા.''


દરેક ચીજનો ભાવ નક્કી

Image copyright TWITEER@RANVEEROFFICIAL
ફોટો લાઈન અલાઉદ્દીન ખિલજીના પાત્રમાં રણવીર સિંહ

ઇતિહાસનાં લેક્ચરર રુચિ સોલંકી અને બિઝનેસ એડમિનિસ્ટ્રેશનના લેક્ચરરનો એક લેખ ઇન્ટરનેશનલ જર્નલ ઓફ એપ્લાઇડ સાયન્સીસમાં પ્રકાશિત થયો હતો.

એ લેખમાં જણાવ્યા મુજબ અલાઉદ્દીન ખિલજીએ તેના શાસનકાળમાં દરેક ચીજના ભાવ નક્કી કર્યા હતા.

ઊંચી નસલનો ઘોડો 120 ટકામાં વેચવામાં આવતો હતો, જ્યારે દૂઝણી ભેંસ છ ટકા અને દૂઝણી ગાય ચાર ટકામાં વેચાતી હતી.

ઘઉં, ચોખા, જુવાર વગેરેના ભાવ પણ નક્કી કરવામાં આવ્યા હતા.

નક્કી કરેલા ભાવથી ઉંચા દામે ચીજવસ્તુ વેચનાર સામે આકરાં પગલાં લેવામાં આવતાં હતાં.

એ જમાનાના ઇતિહાસકાર ઝિયાઉદ્દિન બર્ની(1235-1357)ના જણાવ્યા અનુસાર ખિલજીએ દિલ્હીમાં વિવિધ બજારોનું માળખું રચ્યું હતું.

તેમાં અલગઅલગ ચીજો માટે અલગઅલગ બજાર હતાં.

દાખલા તરીકે, ખાદ્યાન્ન માટે અલગ બજાર અને કપડાં, તેલ તથા ઘી જેવી મોંઘી વસ્તુઓ માટે અલગ બજાર હતાં.

જાનવરોની લે-વેચ માટે પણ અલગ બજાર હતું.


શાહી ભંડાર

Image copyright DELHI.GOV.IN
ફોટો લાઈન અલાઉદ્દીન ખિલજીના શાસનકાળમાં અનાજ સંઘરવા માટે શાહી ભંડાર બનાવવામાં આવ્યા હતા

પ્રોફેસર હૈદર એવું પણ માને છે કે અલાઉદ્દીન ખિલજી પાસે મોટું લશ્કર હતું. ભાવ નિયંત્રણની નીતિના અમલનું એક કારણ લશ્કર પણ હતું.

એ સૈન્ય માટે જરૂરી સામગ્રી ઉપલબ્ધ કરાવવા ખિલજીએ ચીજવસ્તુઓના ભાવ નક્કી કર્યા હતા.

કાળા બજાર રોકવા માટે ખિલજીએ શાહી ભંડાર બનાવ્યા હતા.

તેમાં મોટા પ્રમાણમાં ખાદ્યાન્ન સંઘરવામાં આવતું હતું અને ત્યાંથી ડીલરોને ઉપલબ્ધ કરાવવામાં આવતું હતું.

બજારમાં કોઈ ચીજની અછત ન સર્જાય અને કાળા બજાર કરી ન શકાય એ સુનિશ્ચિત કરવા આ વ્યવસ્થા રચવામાં આવી હતી.

નિશ્ચિત પ્રમાણથી વધુ ખાદ્યાન્ન રાખવાની છૂટ કોઇ ખેડૂત, વેપારી કે ડીલરને ન હતી. સંગ્રહખોરો સામે ખિલજી અત્યંત આકરાં પગલાં લેતા હતા.

ખિલજીએ માત્ર ચીજવસ્તુઓના ભાવ જ નક્કી કર્યા ન હતા. સંગ્રહખોરી અને માલસામાનની હેરફેર પર પણ નિયંત્રણ રાખ્યું હતું.

બજારમાં આવતા અને લઈ જવામાં આવતા માલસામાનની નોંધ કરવામાં આવતી હતી.

એક વ્યક્તિને કેટલો માલ વેંચી શકાય તેની મર્યાદા પણ નક્કી કરવામાં આવી હતી.


કૃષિસંબંધી સુધારા

Image copyright NROER.GOV.IN
ફોટો લાઈન અલાઉદ્દીન ખિલજીનો મકબરો

પ્રોફેસર રઝાવીએ કહ્યું હતું ''ખિલજીએ કરેલાં મોટા કામોમાં કૃષિસંબંધી સુધારાઓનો પણ સમાવેશ થાય છે."

''શાસનમાં સ્થાનિક લોકોને સ્થાન આપવાથી સ્થાનિક લોકોને ધ્યાનમાં રાખીને નીતિ ઘડવાનું શરૂ થયું હતું.''

ખિલજીએ દિલ્હી સલ્તનતના હેઠળના વિસ્તારોની જમીનનું સર્વેક્ષણ કરાવ્યું હતું અને તેને મહેસુલી વ્યવસ્થા હેઠળ આવરી લીધી હતી.

તેમાં 50 ટકા પાક લગાન પેટે વસૂલ કરવામાં આવતો હતો. એ સિવાય કોઈ કર લેવામાં આવતો ન હતો.

બાકીની જમીનનો ઉપયોગ પશુઓને ચરવા અને ઘર બનાવવા માટે કરવામાં આવતો હતો.

ખિલજીના શાસનકાળમાં સરકાર તથા ગ્રામજનો વચ્ચેના સરપંચો અને મુકાદમોના અધિકાર મર્યાદિત કરી નાખવામાં આવ્યા હતા.

ખિલજીએ ખેડૂતો અને સરકાર વચ્ચેથી વચેટિયાઓને હટાવી દીધા હતા.

કૃષિસંબંધી સુધારાઓ ઉપરાંત ખિલજીએ ઇમાનદાર વહીવટની વ્યવસ્થા કરી હતી. એ કારણે ગામડાંઓ સરકારની વધુ નજીક આવ્યાં હતાં.

''ખેતરોમાં કયા અનાજનું વાવેતર કરવું જોઇએ અને ક્યો પાક કેટલો થશે એ સ્થાનિક લોકો વધારે સારી રીતે જાણતા હતા."

''ખેડૂતો અને મજૂરોની વાત કરી હોય તથા તેમને ધ્યાનમાં રાખીને સુધારા કર્યા હોય તેવા પહેલા બાદશાહ ખિલજી હતા.''


મોંગોલો સામે સુરક્ષા

Image copyright Getty Images

મોંગોલોના આક્રમણ સામે ભારતની રક્ષા કરવા માટે પણ ખિલજી જાણીતા છે.

તેમણે દિલ્હી સલ્તનતની સીમાને સલામત બનાવી હતી અને મોંગોલોના હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા.

પ્રોફેસર હૈદરે કહ્યું હતું ''ભારત બહાર સૌથી મોટા હુમલા મોંગોલોએ કર્યા હતા."

મોંગોલોએ મધ્ય એશિયા અને ઈરાનમાં પગદંડો જમાવ્યો હતો તથા ભારત પર વારંવાર આક્રમણ કરતા હતા.

ખિલજી અનેક લડાઈ લડ્યા હતા, જીત્યા હતા અને મોંગોલોને દૂર રાખવામાં સફળ રહ્યા હતા. એ ખિલજીનું મોટું યોગદાન છે.

જોકે, અનેક મોંગોલ સૈનિકોને તેમણે દિલ્હીમાં આશરો પણ આપ્યો હતો. ઘણા આક્રમણકર્તા મોંગોલ સૈનિકો અહીંના રહેવાસી બની ગયા હતા.

ખિલજીએ સીરી નામનું નવું શહેર વિકસાવ્યું હતું અને કુતુબ-મહેરૌલીના જૂના શહેરની કિલ્લેબંધી કરી હતી.

સરહદથી શરૂ કરીને દિલ્હી સુધી સુરક્ષા ચોકીઓ બનાવી હતી, જેથી મોંગોલોને આક્રમણને ખાળી શકાય.

એટલું જ નહીં, હંમેશા તૈયાર રહેતું એક મોટું સૈન્ય પણ તેમણે બનાવ્યું હતું.


શક્તિશાળી સુલતાન

Image copyright PUBLIC DOMAIN
ફોટો લાઈન અલાઉદ્દીન ખિલજી

પ્રોફેસર હૈદરે કહ્યું હતું ''ખિલજી શક્તિશાળી સુલતાન હતા. દરેક મોટા શાસક સામે બે મુખ્ય પડકાર હતા."

''તેમણે બહારના આક્રમણ સામે પોતાના રાજ્યનું રક્ષણ કરવાનું હતું અને આંતરિક તાકાત વડે પોતાના રાજ્યને મજબૂત બનાવવાનું તથા વિસ્તારવાનું હતું."

''નવા-નવાં રાજ્યોને પોતાના શાસનમાં જોડીને પોતાનું સામ્રાજ્ય સ્થાપિત થઈ જાય પછી તેની તાકાત જાળવીને વહીવટને છેક નીચેના સ્તરે પહોંચાડવાનો હોય છે.''

પ્રોફેસર હૈદરે ઉમેર્યું હતું કે પૂર્વ આધુનિક યુગના એ બે મોટા પડકારો હતા અને ખિલજી એ બન્નેમાં સફળ રહ્યા હતા.

''તેમણે માત્ર તેમની સલ્તનતને સલામત રાખી ન હતી, તેનો મોટાપાયે વિસ્તાર પણ કર્યો હતો.''

તમામ સુધારાઓ છતાં ખિલજીને મોટી લડાઈઓ લડી ચૂકેલા અને વિજેતા બનેલા સુલતાન તરીકે જ યાદ કરવામાં આવે છે.

પ્રોફેસર રઝાવીએ કહ્યું હતું ''લડાઈઓમાં અનેક લોકોનાં મોત થતાં હોય છે. ખિલજીની લડાઈઓમાં પણ મોટા પ્રમાણમાં લોકો માર્યા ગયા હતા.''


કાકાની હત્યા કરીને બન્યા સુલતાન

Image copyright NROER.GOV.IN
ફોટો લાઈન અલાઉદ્દીન ખિલજીનો મકબરો

પ્રોફેસર હૈદરે કહ્યું હતું, ''ખિલજી સલ્તનતમાં રહેતા મોંગોલ સૈનિકોએ બળવો કર્યો હતો."

એ સમયે ખિલજીએ હારેલી મોંગોલ સેનાના સૈનિકોનાં માથાં કાપીને યુદ્ધના ઇનામ સ્વરૂપે દિલ્હીમાં પ્રદર્શિત કર્યાં હતાં.

મોંગોલ લોકોમાં ભય પેદા કરવા તેમણે એ માથાંઓને દિવાલમાં ચણાવ્યાં હતાં.

અલાઉદ્દીન ખિલજી તેમના કાકા અને સસરા જલાલુદ્દીન ખિલજીના શાસનકાળમાં 1291માં કડા પ્રાંતના ગવર્નર બન્યા હતા.

(કડા અત્યારે ઉત્તર પ્રદેશના કૌશાંબી જિલ્લામાં છે અને માનિકપુર પ્રતાપગઢ જિલ્લામાં છે.)

અત્યંત મહત્વાકાંક્ષી ખિલજીએ દખ્ખણ પ્રાંતના યાદવ રાજ્ય પર હુમલો કર્યો હતો.

યાદવ રાજ્યની રાજધાનીની લૂંટીને તેમણે મોટો ખજાનો મેળવ્યો હતો.

પ્રોફેસર હૈદરે કહ્યું હતું, ''ખિલજી શક્તિશાળી બની રહ્યા હતા અને સત્તાનું પલડું તેમની તરફ વધારે નમી રહ્યું હતું.

અલાઉદ્દીન ખિલજી સત્તા આંચકી લેશે તેનો ખ્યાલ જલાલુદ્દીનને ન હતો. તેઓ વાતચીત કરવા કડા આવ્યા હતા.

જ્યાં ગંગા નદીમાં એક હોડીમાં અલાઉદ્દીન ખિલજીના વિશ્વાસુ કમાન્ડરોએ જલાલુદ્દીન ખિલજીની હત્યા કરી હતી.

જલાલુદ્દીનના મોત પછી તરત જ અલાઉદ્દીન ખિલજીએ કડામાં જ સલ્તનતનો તાજ પહેરી લીધો હતો.

કડાથી દિલ્હી પહોંચીને તેમણે બીજીવાર તાજપોશી કરાવી હતી.

"તેમના શાસનકાળમાં બહાર પાડવામાં આવેલા સિક્કાઓમાં, તેમના સમયના લેખોમાં અલાઉદ્દીન ખિલજીએ ખુદને એક શક્તિશાળી સુલતાન તરીકે પ્રસ્તુત કર્યા હતા.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા