વાઇન, વોડકા કે વિસ્કિ જેવો દારૂ પીશો તેવું વર્તશો!

દારૂ પીતો પુરુષ. Image copyright Getty Images

31મી ડિસેમ્બરની રાત્રે એક તરફ ગુજરાતની પોલીસ દારૂની મહેફિલ માણનારાં લોકો પર ત્રાટકવાની તૈયારી કરશે. તો કેટલાંક રસિયા પોલીસથી બચીને કેવી રીતે વર્ષ 2017ની છેલ્લી રાતને નશીલી બનાવવી અને કેવી રીતે દારૂની મોજ માણવી તેનું આયોજન કરશે. આ બન્નેની વચ્ચે ગુજરાતમાં દારૂ પીવાની કાયદેસરની પરમીટ ધરાવતાં લોકો માટે નિશ્ચિંત બનીને ‘મદિરાપાન’ કરવાનો મોકો હશે.

પણ શું તમે જાણો છો કે, જેમ બીયર, વાઈન, વિસ્કિ, વોડકા અને રમના સ્વાદ જુદા જુદા હોય છે, તેમ તેને પીધા પછી થનારો નશો પણ અલગ પ્રકારનો હોય છે. એટલું જ નહીં દારૂના વિવિધ પ્રકારોની શરીર પર અસર પણ જુદી જુદી હોય છે.

એક સંશોધનના તારણો મુજબ, વિવિધ પ્રકારનાં દારૂ આપની મન:સ્થિતિ પર ભિન્ન રીતે અસર કરે છે.

સંશોધકો કહે છે કે દારૂનું સેવન કર્યાં બાદ લોકો આક્રમક, સેક્સી કે ભાવનાશીલ થઈ જાય છે. રેડ વાઇન અથવા બિયર પીધા બાદ લોકોને આરામ મળે છે.

તમને આ પણ વાંચવું ગમશે

બી.એમ.જે. ઓપન જર્નલમાં પ્રકાશિત થયેલાં રિસર્ચમાં સંશોધકોએ 21 દેશોના 18 થી 34 વયનાં 30 હજાર લોકોનું સર્વેક્ષણ કર્યું હતું.

આ લોકો બીયર, વાઇન અથવા વિસ્કિ પીતા હતા. રિસર્ચમાં જાણવા મળ્યું કે દરેક પ્રકારના દારૂ લોકોને અલગ રીતે અસર કરે છે.

Image copyright Getty Images

આ ગોપનીય ઑનલાઇન સર્વેક્ષણમાં લોકોએ તેમના અનુભવો શેર કર્યા છે. વાઇટ વાઇન કરતાં રેડ વાઇન લોકોને વધારે આળસુ બનાવે છે.

લોકોએ જણાવ્યું કે રેડ વાઇન અથવા બિયર પીવાથી રાહતની લાગણી અનુભવાય છે. સર્વેક્ષણમાં સામેલ 40 ટકા કરતાં વધુ લોકોએ કહ્યું કે સ્પિરિટ (ગાળેલો દારૂ) પીવાથી તેમને વધુ સેક્સી હોવાનો અનુભવ થાય છે.

(સ્પિરિટમાં આલ્કોહોલનું પ્રમાણ વધુ હોય છે, અને નિસ્યંદનની પ્રક્રિયા દ્વારા ટીંપે-ટીંપે આ પ્રકારનો દારૂ એકઠો કરવામાં આવે છે.)

અડધાથી વધારે લોકોએ કહ્યું કે સ્પિરિટ ઉત્સાહ અને આત્મવિશ્વાસમાં વધારો કરે છે. પરંતુ એક તૃતીયાંશ વ્યક્તિઓએ જણાવ્યું કે શરાબ પીધા બાદ તેઓ આક્રમક બની ગયાં હતાં.

અન્ય દારૂ કરતાં સ્પિરિટ આક્રમકતા, અસ્વસ્થતા અથવા લાગણીનાં ભાવ વધુ જગાડે છે. તમામ પ્રકારનાં વાઇન્સ તથા શરાબ સાથે સંકળાયેલી આક્રમકતાની ભાવના, મહિલાઓ કરતાં પુરુષોમાં વધારે જોવા મળી હતી.

Image copyright Getty Images

થોડી માત્રામાં દારૂ પીવાથી આનંદનો અનુભવ થઈ શકે, પરંતુ સંશોધકોનું કહેવું છે કે તેમનું રિસર્ચ દારૂના વ્યસન સામે ચેતવે છે. સમયાંતરે નિયમિત દારૂ પીવાથી ઘણા લોકોને નશો ચડતો નથી.

આથી, 'હકારાત્મક' લાગણીઓનો અનુભવ કરવા માટે તેઓ વધારે પ્રમાણમાં દારૂ પીવાનું શરૂ કરી શકે છે.

પબ્લિક હેલ્થ વેલ્સ એન.એચ.એસ. ટ્રસ્ટ સાથે સંકળાયેલા સંશોધક પ્રોફેસર માર્ક બેલીઝ જણાવે છે કે આવા લોકોમાં નકારાત્મક લાગણીઓ પણ ઉદભવી શકે છે.


કેટલી માત્રામાં દારૂપીવો યોગ્ય છે?

Image copyright Peter Macdiarmid/Getty Images

આ સંશોધનના તારણો માત્ર વ્યવહાર સંબંધિત બાબતો જણાવે છે.

પ્રોફેસર બેલીઝ કહે છે કે મદ્યપાન ઘરમાં કરવામાં આવે છે કે ઘરની બહાર, તે પણ એક મહત્વપૂર્ણ મુદ્દો છે.

તેમના જણાવ્યા પ્રમાણે, "દારૂ જેવા હાર્ડ ડ્રિંક્સ સામાન્ય રીતે બહાર પીવામાં આવે છે, જ્યારે વાઇન લોકો ભોજન સાથે ઘરમાં પીવે છે."

પરંતુ આ વ્યક્તિગત ઇચ્છા પર પણ આધારિત છે. જો કોઈ વ્યક્તિ થોડો આરામ કરવા માંગે છે, તો તેઓ બિયર અથવા વાઇન પીવાનું પસંદ કરશે.

Image copyright Getty Images

વધુમાં તેમણે કહ્યું કે જે રીતે વિવિધ પ્રકારનાં દારૂનો પ્રચાર થાય છે, તે મુજબ લોકો પોતાની મનઃસ્થિતિ ધ્યાનમાં રાખીને જુદા પ્રકારના દારૂ પસંદ કરે છે.

પરંતુ આ કરવાથી લોકોમાં નકારાત્મક લાગણીઓ પણ પેદા થઈ શકે છે.

બ્રિટનના મુખ્ય તબીબી અધિકારીઓની માર્ગદર્શિકા પ્રમાણે, નુકસાન ટાળવા માટે મહિલાઓ અને પુરુષોએ દર અઠવાડિયામાં 14 યુનિટથી વધારે દારૂ ન પીવો જોઈએ.

સમાન ગણતરીમાં 14 યુનિટ એટલે આલ્કોહોલનું ઊંચું પ્રમાણ હોય તેવા દારૂના 12 પેગ, 3.4 લિટર બિયર અથવા 175 મિલિલિટરના 6 વાઇન ગ્લાસના જેટલું થાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો