મસ્જિદ હુમલા બાદ ઇજિપ્તની હવાઈ કાર્યવાહી

ઇજિપ્ત હુમલો Image copyright Getty Images
ફોટો લાઈન તત્કાલીન રાષ્ટ્રપતિ મોહમ્મદ મોર્સીને હટાવ્યા બાદ આ વિસ્તારમાં આતંકવાદી હુમલાનું પ્રમાણ વધ્યું છે

શુક્રવારે ઇજિપ્તના ઉત્તરમાં સ્થિત સિનાઈમાં મસ્જિદ પર શંકાસ્પદ હુમલો થયો હતો. આ હુમલામાં 300 લોકોનાં મૃત્યુ થયા છે. જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થયાં છે. ઇજિપ્તે આ હુમલાનો 'સજ્જડ જવાબ' આપવાની વાત કહી છે.

સ્થાનિક સમાચાર એજન્સીના જણાવ્યા પ્રમાણે, શંકાસ્પદ આતંકીઓએ બિર અલ-અબિદ શહેરની અલ-રવાદા મસ્જિદ પર પહેલા બોમ્બથી હુમલો કર્યો અને ત્યારબાદ ગોળીબાર કર્યો હતો.

સ્થાનિક પોલીસના માધ્યમથી મળેલી જાણકારીના આધારે હથિયાર સાથે ચાર ગાડીઓમાં સવાર થઈને ચાલીસેક બંદૂકધારીઓએ નમાજ પઢી રહેલા લોકો પર ગોળીઓ વરસાવવાનું શરૂ કર્યુ હતું.

હુમલાખોરોએ મસ્જિદ પાસે પાર્ક કરેલા વાહનોમાં આગ પણ લગાવી હતી. ઘટનાસ્થળની જાહેર થયેલી તસવીરોમાં મૃત્યુ પામેલા લોકોની લાશો જોવા મળી રહી છે.

સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, 130 જેટલાં લોકો આ હુમલામાં ઘાયલ પણ થયા છે.

તમને આ વાંચવું પણ ગમશે:

Image copyright EPA
ફોટો લાઈન આતંકવાદીઓએ અલ આરિશ નજીક અલ રાવદાની એક મસ્જિદ પર હુમલો કર્યો

વર્ષ 2013 બાદ ઇજિપ્તમાં થયેલો આ સૌથી મોટો હુમલો છે. ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દુલ ફતેહ અલ સીસીએ સુરક્ષા અધિકારીઓ સાથે મુલાકાત કરી આગળની રણનીતિ મામલે ચર્ચા કરી હતી.

આતંકવાદી હુમલા બાદ ઇજિપ્તના હવાઈ દળે આતંકવાદીઓના કેટલાક સ્થાનો પર હવાઈ હુમલા કર્યા હતા. સુરક્ષા એજન્સીઝના કહેવા પ્રમાણે આ સ્થળોએ હથિયાર અને દારૂગોળો સંગહરવામાં આવ્યા હતા.

મસ્જિદમાં હાજર એક મૃતકના સંબંધીએ સમાચાર એજન્સી રૉઇટર્સને જણાવ્યું કે, "જે લોકો મસ્જિદમાંથી બહાર નીકળી રહ્યા હતા, તેમના પર તેઓ ગોળીઓ વરસાવી રહ્યા હતા. તેઓ ઍમ્બ્યુલન્સ પર પણ ગોળીબાર કરી રહ્યા હતા."

હુમલાની જવાબદારી કોઈ સંગઠને હજુ સુધી સ્વીકારી નથી.


હુમલા પાછળ કોણ હોઈ શકે છે?

Image copyright Getty Images
ફોટો લાઈન વર્ષ 2013 બાદ ઇજિપ્તમાં સૌથી મોટો હુમલો થયો છે

વર્ષ 2013માં તત્કાલીન રાષ્ટ્રપતિ મોહમ્મદ મોર્સીને હટાવ્યા બાદ આ વિસ્તારમાં આતંકવાદી હુમલાનું પ્રમાણ વધ્યું છે.

થોડા અઠવાડીયા પહેલા સિનાઈમાં જ ઇજિપ્તના સૈનિકો પર એક મોટો આતંકવાદી હુમલો થયો હતો.

સ્થાનિક લોકોના હવાલાથી એમ પણ જણાવવામાં આવ્યું છે કે, આ સ્થળે સૂફીવાદમાં આસ્થા ધરાવતા લોકો નિયમિત રીતે નમાજ માટે એકઠા થતા હતા.

Image copyright Getty Images

કથિત ઇસ્લામિક સ્ટેટ (આઈએસ) સહિત અન્ય ઇસ્લામી જિહાદી જૂથો સૂફીવાદીઓને પાંખડી માને છે. હુમલાની જવાબદારી કોઈ સંગઠને હજુ સુધી સ્વીકારી નથી.

વર્ષ 2013થી સિનાઈ પ્રોવિન્સ જૂથ દ્વારા આ વિસ્તારમાં થતાં હુમલામાં હજારો પોલીસ અધિકારીઓ, સૈનિકો અને નાગરિકોનાં મૃત્યુ થયા છે. આ જૂથ આઈએસ સાથે સંકળાયેલું છે.

ગત સપ્ટેમ્બરમાં પણ અલ-આરિશ નજીક પોલીસના કાફલા પર થયેલા હુમલામાં 18 પોલીસ કર્મચારીઓ મૃત્યુ પામ્યા હતા.

સિનાઈ પ્રોવિન્સે વર્ષ 2015માં એક રશિયન વિમાનને પણ ઉડાવી દીધું હતું. આ હુમલામાં વિમાનમાં સવાર 224 લોકોનાં મૃત્યુ થયા હતા.

એવું માનવામાં આવે છે કે સિનાઈ વિસ્તારમાં હુમલા કરી સિનાઈ પ્રોવિન્સ ત્યાં કબજો મેળવવા માંગે છે અને તેને IS દ્વારા ચલાવવામાં આવતું એક ઇસ્લામિક રાષ્ટ્ર બનાવવા માંગે છે.


હુમલા બાદ કોણે પ્રતિક્રિયા આપી?

મસ્જિદ પર થયેલા હુમલા બાદ રાષ્ટ્રપતિ સીસીએ ત્રણ દિવસનો શોક જાહેર કર્યો છે.

યુકેના વડાંપ્રધાન થેરેસા મેએ પણ ટ્વીટના માધ્યમથી હુમલાની નિંદા કરી છે. મેએ લખ્યું છે, "ઉત્તર સિનાઇની મસ્જિદમાં થયેલા હુમલાથી હું ખૂબ વ્યાકુળ બની છું. ઇજિપ્ત હુમલામાં મૃત્યુ પામેલા અને ડરપોક હુમલાનો ભોગ બનેલા લોકો સાથે મારી સંવેદના છે."

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ હુમલાને આઘાતજનક અને ડરપોક ગણાવ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો