પાકિસ્તાનઃ પ્રદર્શનકારીઓ- પોલીસ વચ્ચે હિંસા, સેના તહેનાત

હિંસક અથડામણ Image copyright Reuters

પાકિસ્તાનના અધિકારીઓનું કહેવું છે કે ઇસ્લામાબાદમાં ઇસ્લામિક પ્રદર્શનકારીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે હિંસક અથડામણ થતાં કેટલાક લોકોના મૃત્યુ થયા છે.

સુરક્ષાબળો દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં 200થી વધુ લોકો ઘાયલ થયા છે.

તમને આ પણ વાંચવું ગમશે

પ્રદર્શનકારીઓએ છેલ્લા કેટલાક અઠવાડિયાઓથી આ મહત્વપૂર્ણ હાઈવેને બ્લૉક કરી દીધો હતો. તેઓ કાયદા પ્રધાન જાહિદ હામિદને હટાવવાની માંગ કરી રહ્યા હતા.

દેખાવકારોનો આરોપ છે કે કાયદાપ્રધાને 'ઇશનિંદા' કરી છે.

હિંસાની સ્થિતિ વકરતા મોડી સાંજે સેનાને ઇસ્લામાબાદમાં તહેનાત કરવામાં આવી હતી.

Image copyright AFP

રાજધાની ઇસ્લામાબાદ નજીક ફૈઝાબાદ ઇન્ટરચેન્જ પર ઇસ્લામિક સંગઠન 'તહરીક એ લબ્બૈક' (ટીએલપી) યા રસૂલ અલ્લાહના અશરફ જલાનીનું જૂથ તેમજ સુન્ની તહરીક છેલ્લા 20 દિવસથી ધરણાં પર હતા.

દરમિયાન કેટલાક પ્રદર્શનકારીઓ કાયદાપ્રધાનના ઘરમાં ઘૂસી ગયા હતા. જોકે, જ્યારે આ ઘટના ઘટી, ત્યારે કાયદાપ્રધાન કે તેમના પરિવારજનો ઘરે ન હતા.

આ એ જ જગ્યા છે કે જે રાજધાની ઇસ્લામાબાદને દેશના બીજા ભાગ સાથે જોડે છે.

આ ધરણાંને ખતમ કરવા માટે શનિવારની સવારે પ્રદર્શનકારીઓ વિરૂદ્ધ સુરક્ષાબળોએ કાર્યવાહી કરી અને ભારે હોબાળો થયો.

આ કાર્યવાહી દરમિયાન સેંકડો પ્રદર્શનકારીઓ એકઠ થઈ ગયા હતા. જેના કારણે, પોલીસે પીછેહઠ કરવી પડી હતી. બાદમાં આ હિંસા કરાંચી, લાહોર અને પેશાવર સુધી ફેલાઈ હતી.

મોડી સાંજે રાજધાની ઇસ્લામાબાદમાં સેનાને તહેનાત કરવામાં આવી હતી.


શું છે મામલો?

Image copyright EPA

આ ધરણાં પ્રદર્શન ચૂંટણી સુધારા વિધેયક 2017માં સંશોધન વિરૂદ્ધ શરૂ થયા હતા જે પયગંબર મોહમ્મદની સર્વોચ્ચતા વિરૂદ્ધ હતા.

પ્રદર્શનકારી કાયદા મંત્રી ઝાહીદ હમીદને હટાવવાની માંગ કરી રહ્યા છે. જોકે, સરકારે તેને 'ક્લેરિકલ ભૂલ' જણાવી તેમાં સુધારો કરી દીધો છે.

Image copyright EPA

પ્રદર્શનકારી પોતાના માંગ પર અડગ રહ્યાં. તે પછી ઇસ્લામાબાદ સુપ્રીમ કોર્ટે તેમને હટાવવા આદેશ આપ્યો હતો.

સરકારે પ્રદર્શનકારીઓને હટાવવા માટે એક સમયસીમા નિર્ધારિત કરી, પરંતુ તેઓ ત્યાંથી હટ્યા નહીં.

આ સમયસીમાને ઘણી વખત આગળ પણ વધારવામાં આવી. આખરે સમય વીતી ગયા બાદ સરકારે શનિવારની સવારે સાત કલાકે પ્રદર્શનકારીઓને હટાવવા ઑપરેશન શરૂ કર્યું હતું.


ન્યૂઝ ચેનલો પર પ્રતિબંધ

Image copyright EPA

દરમિયાન પાકિસ્તાન ઇલેક્ટ્રોનિક મીડિયા રેગ્યુલેટરી ઑથોરિટી (PEMRA) દ્વારા એ દરેક ચેનલના પ્રસારણ પર પ્રતિબંધ લગાવાયો, કારણ કે તેઓ સરકારના આદેશનું ઉલ્લંઘન કરી કાર્યવાહીનું સીધું પ્રસારણ કરી રહ્યાં હતાં.

તંત્રને આશંકા હતી કે જો પ્રસારણ ચાલુ રહેશે તો હિંસા વકરશે.

Image copyright Getty Images

સોશિઅલ મીડિયા અને મીડિયાના માધ્યમથી પ્રદર્શનકારીઓ વિરૂદ્ધ કાર્યવાહીની કરાંચી, લાહોર, સિયાલકોટ જેવી જગ્યાઓ પર પણ અસર જોતા વહીવટીતંત્રએ આ પગલું ઉઠાવ્યું છે.

હાલ માત્ર સરકારી પાકિસ્તાની ટીવી (પીટીવી) પર જ પ્રસારણ ચાલુ છે. આ હિંસક અથડામણના રિપોર્ટિંગ દરમિયાન કેટલાક પત્રકારોના ઘાયલ થયા હોવાના પણ સમાચાર છે.


370 પ્રદર્શનકારીઓની ધરપકડ

Image copyright Getty Images

રાજધાની ઇસ્લામાબાદ તેમજ તેની આસપાસના રસ્તાઓ આ ઑપરેશનના કારણે બ્લૉક કરી દેવામાં આવ્યા છે.

ઑપરેશનમાં 8500 સુરક્ષાકર્મીઓ સામેલ છે. અત્યાર સુધી 370 પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી છે.

પ્રદર્શનકારીઓને વિખેરવા માટે તેમના પર ટીયરગેસના શેલ્સ છોડવામાં આવ્યા અને રબર બુલેટ પણ ચલાવવામાં આવી. તેનાં જવાબમાં પ્રદર્શનકારીઓએ સુરક્ષાબળો પર પથ્થરમારો કર્યો હતો.


શું છે સ્થિતિ?

Image copyright EPA

ઇસ્લામાબાદના મુખ્ય રસ્તાઓ પર પ્રદર્શનકારી કેમ્પ લગાવીને વિરોધ કરી રહ્યાં હતા. પોલીસે તેમને ધ્વસ્ત કરી દીધા છે.

પ્રદર્શનકારીઓએ મુખ્ય રૂપે ઇસ્લામાબાદ એક્સપ્રેસવે નજીક ફૈઝાબાદ ઇન્ટરચેન્જ પર કેમ્પ લગાવ્યા હતા, પરંતુ ઇસ્લામાબાદ અને રાવલપિંડીના અન્ય વિસ્તારોમાં પણ હિંસા ભડકી ઉઠી.

Image copyright Getty Images

દેશના અન્ય વિસ્તાર લાહોર, કરાંચી અને પેશાવરથી પણ ઑપરેશન બાદ હિંસાના અહેવાલ બીબીસીને મળ્યા છે.

છેલ્લા કેટલાક દિવસોમાં પ્રદર્શનકારીઓ પર ઘણા કેસ પણ દાખલ કરાયા છે. તેમાં એક મામલો હત્યાનો પણ છે.

પ્રદર્શનકારીઓના કારણે એક દર્દી સુધી ઍમ્બ્યુલન્સ ન પહોંચી શકી અને તેનું મૃત્યુ થયું હતું.

આ દરમિયાન રસ્તા બંધ કરવાની તેમજ ટ્રાફીક જામની અસર સ્કૂલ, ઑફિસ તેમજ કૉલેજો પર પણ પડી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો