મિસ યુનિવર્સ 2017: ભારતીય બ્યૂટી શ્રદ્ધા શશિધરને ટૉપ ટેનમાં પણ સ્થાન ન મળ્યું

મિસ યુનિવર્સ કૉન્ટેસ્ટ 2017 Image copyright Getty Images
ફોટો લાઈન મિસ યુનિવર્સ કૉન્ટેસ્ટમાં દુનિયાના 92 દેશોની સુંદરીઓએ ભાગ લીધો હતો

અમેરિકાના લાસ વેગાસમાં 66મી મિસ યુનિવર્સ કૉન્ટેસ્ટનું આયોજન કરાયું છે. આ કૉન્ટેસ્ટમાં ભારત તરફથી શ્રદ્ધા શશિધરે ભાગ લીધો હતો. તેઓ ટોપ 10માં પણ સ્થાન ન મેળવી શક્યાં.

અગાઉ શ્રદ્ધા શશિધર યામહા ફસિનો મિસ દિવા 2017નો ખિતાબ જીતી ચૂક્યાં છે.

હરિયાણાના માનુશી છિલ્લરે મિસ વર્લ્ડ 2017નો ખિતાબ જીત્યા બાદ શ્રદ્ધા પર ભારતીયોને ખૂબ આશાઓ હતી.

મિસ યુનિવર્સ 2017ના ટૉપ ટેનમાં અમેરિકા, વેનેઝુએલા, ફિલિપિનનઇન્સ, કેનેડા, દક્ષિણ આફ્રિકા, સ્પેન, બ્રાઝીલ, કોલમ્બિયા, થાઇલેન્ડ અને જમાઇકાની સુંદરીઓનો સમાવેશ થયો હતો.

આ વર્ષે યોજાયેલી પ્રતિયોગિતામાં કુલ 92 દેશ અને પ્રદેશોની સુંદરીઓ ભાગ લીધો હતો. શોની મેજબાની પાંચ વખત ઍમી એવોર્ડ જીતી ચૂકેલા અમેરિકી કૉમેડિયન સ્ટિવ હાર્વીએ કરી હતી.

આ કૉન્ટેસ્ટમાં પહેલી વખત લાઓસ, કમ્બોડિયા અને નેપાળની સુંદરીઓએ પણ ભાગ લીધો હતો.


17 વર્ષથી ભારતને તાજની રાહ

Image copyright AFP/GETTY IMAGES
ફોટો લાઈન ભારતની બે સુંદરીઓ સુષ્મિતા સેન અને લારા દત્તા મિસ યુનિવર્સનો ખિતાબ જીતી ચૂકી છે

છેલ્લાં 66 વર્ષમાં અત્યાર સુધી ભારતની બે સુંદરીઓએ જ આ ખિતાબ જીત્યો છે.

વર્ષ 1994માં 18 વર્ષની ઉંમરે સુષ્મિતા સેને અને વર્ષ 2000માં 22 વર્ષની ઉંમરે લારા દત્તાએ મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો હતો.


કોણ છે શ્રદ્ધા શશિધર

Image copyright Facebook/shraddha
ફોટો લાઈન શ્રદ્ધા શશિધર એક સફળ ટેલીવિઝન હોસ્ટ બનવા માંગે છે

શ્રદ્ધા શશિધર ચેન્નઈના રહેવાસી છે અને તેમણે આર્મી પબ્લિક સ્કૂલ દેવલાલી, મહારાષ્ટ્રથી શિક્ષણ મેળવ્યું છે.

શ્રદ્ધાનાં પિતા આર્મીમાં છે. શ્રદ્ધા ભારતનાં ઘણા પ્રદેશોમાં ફરી ચૂક્યાં છે. હવે તેઓ દુનિયા ફરવા માગે છે અને ત્યારબાદ તેઓ એક સફળ ટેલિવિઝન હોસ્ટ બનવા ઇચ્છે છે.

તેમનું માનવું છે કે લોકોની રહેણીકરણી, તેમની પરંપરાઓ અને તેમની સમસ્યાઓને સમજવા માટે જરૂરી છે કે તમે તેમની વચ્ચે જાઓ.

શ્રદ્ધા હિંદી, અંગ્રેજી અને તમિલ ભાષા જાણે છે. તેઓ પત્રકારત્વનું શિક્ષણ પણ મેળવી રહ્યાં છે. તેમને શાસ્ત્રીય નૃત્યનું પણ જ્ઞાન છે, તો રમતગમતમાં પણ રસ ધરાવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો