'મેદસ્વિતાનો સામનો કરવા વજન ઘટાડવા કરતાં કસરત જરૂરી છે’

મેદસ્વિતા
ફોટો લાઈન મેદસ્વિતા એક વૈશ્વિક સમસ્યા બની ગઈ છે

હાલમાં જ અવસાન પામેલા કલાકાર કવિ કુમાર આઝાદ જે સિરિયલ ‘તારક મહેતા કા ઊલટા ચશ્મા’નાં પાત્ર ડૉ. હાથી તરીકે વધુ જાણીતા હતા. તેમનું ભારેખમ શરીર તેમને થયેલા કાર્ડિયાક અરેસ્ટનું એક કારણ હોવાનું નકારી શકાય તેમ નથી.

મેદસ્વી શરીરથી દર વખતે વ્યક્તિ મૃત્યુ જ પામે એ જરૂરી નથી, ક્યારેક જીવતા રહીને પણ મેદસ્વિતાને કારણે અનેક બીમારીઓ અને શારીરિક - માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

તમામ હેલ્થ રિપોર્ટ્સમાં એ સાર મળી રહ્યો છે કે મેદસ્વીપણું એક વૈશ્વિક સમસ્યા છે.

મેદસ્વિતાને લઇને સમગ્ર દુનિયામાં ચર્ચા થઈ રહી છે અને તે ચિંતાનો મોટો વિષય પણ છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા વર્ષ 2014માં જાહેર કરાયેલા આંકડામાં જાણવા મળ્યું છે કે દુનિયામાં 600 મિલિયન એટલે કે 60 કરોડ કરતા વધું લોકો મેદસ્વિતાનો શિકાર છે.


મેદસ્વિતાનો ઉકેલ લોકો પાસે છે

ફોટો લાઈન પ્રોફેસર ટ્રેસીના અનુસાર મેદસ્વિતા સામાન્ય વ્યક્તિ માટે ખતરો નથી

આ આધારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પણ મેદસ્વિતાને એક વૈશ્વિક સમસ્યા માને છે.

પરંતુ પ્રોફેસર ટ્રેસી મૅન કહે છે કે આ કોઈ સમસ્યા નથી. તેનું નિવારણ સામાન્ય છે અને તેનો ઉકેલ પણ તેમની પાસે જ છે.

પ્રોફેસર ટ્રેસીનો દાવો ઘણા ડૉક્ટરો તેમજ સંશોધકોને વિવાદાસ્પદ લાગી શકે છે અને તેઓ તેમના દાવાથી અસંમત પણ હોઈ શકે છે.

જોકે ટ્રેસી મૅન સોશિયલ અને હેલ્થ સાઇકોલોજીનાં પ્રોફેસર છે.

તેઓ કહે છે, "જ્યારે ડૉક્ટરોની સામે હું કહું છું કે મેદસ્વિતા કોઈ ગ્લોબલ સમસ્યા નથી, તો તેઓ નારાજ થઈ જાય છે. પરંતુ તેઓ એ વાત પણ માને છે કે મેદસ્વિતાથી કોઈ મૃત્યુ નથી પામતું."


પાતળા લોકોની સરખામણીએ...

ફોટો લાઈન જો લોકો મેદસ્વી છે તો તેમનું જીવનકાળ કોઈ પણ પાતળા વ્યક્તિ કરતા ટૂંકુ નથી હોતુંઃ પ્રોફેસર ટ્રેસી

ટ્રેસી કહે છે કે જો લોકો મેદસ્વી છે તો તેમનું જીવનકાળ કોઈ પણ પાતળા વ્યક્તિ કરતા ટૂંકુ નથી હોતું.

જ્યારે પાતળા લોકો હંમેશા ઘણા પ્રકારની બીમારીનો શિકાર બની ખતરામાં જીવન પસાર કરે છે.

ટ્રેસી ચોક્કસથી માને છે કે અત્યાધિક મેદસ્વિતાના શિકાર લોકો કેટલીક બીમારીઓના ખતરામાં આવી શકે છે.

પરંતુ સામાન્ય મેદસ્વિતા કોઈ ખતરો નથી ઊભો કરતી. તો પછી મેદસ્વિતાને લઇને આટલી ચર્ચા કેમ છે?

તેનાં જવાબમાં ટ્રેસી કહે છે કે તેનાં ઘણાં કારણ છે. મેદસ્વિતા જીવલેણ ત્યારે હોય છે, જ્યારે વ્યક્તિ સુસ્ત હોય અને દિવસભર બેસી રહેતો હોય.

તેની આવક ઓછી હોય અને તે તણાવમાં હોય. સાથે જ કોઈ નાની બીમારીનો ઇલાજ કરાવવા પણ અસમર્થ હોય.


વજન ન ઘટે તો પણ...

ફોટો લાઈન મેદસ્વી લોકો પર હૃદય સંબંધિત બિમારીઓ અને ડાયાબીટિઝનો ખતરો હોય છે

ટ્રેસી કહે છે કે એ વાતમાં કોઈ શંકા નથી કે હૃદય સંબંધિત બીમારીઓ અને ડાયાબીટિઝ, બન્ને બીમારીઓ મેદસ્વી લોકોને થવાનો ખતરો વધારે રહે છે.

પરંતુ જો તેઓ કસરત કરે, તેમના શરીરને પ્રવૃત્ત રાખે, ત્યારે ભલે શરીરનું વજન ન ઘટે પણ તે છતાં તેઓ ફીટ રહી શકે છે.

ટ્રેસી કહે છે કે સ્કેલ પર અંતર જોવા માટે કસરત કરવી યોગ્ય નથી. જરૂર છે માત્ર કસરત કરવાની.

દિવસમાં લગભગ એક કલાક. ત્યારબાદ જો વજન ઓછું નથી થતું તો પણ ચિંતા ન કરો.

જોકે ટ્રેસી સલાહ આપે છે કે મેદસ્વી લોકોનું વજન માપવા માટે બ્લડ પ્રેશર ચેક કરવું જોઈએ. તેનાંથી સ્વાસ્થ્ય વિશે સારી જાણકારી મળી શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો