સાઉદી અરેબિયામાં મહિલાનું પેન્ટિંગ બનાવવું એ પાપ કેમ?

પ્રતિકાત્મક તસવીર Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતિકાત્મક તસવીર

''ભારત અને સાઉદી અરેબિયાની પેન્ટિંગમાં મોટો ફરક હોય છે. સાઉદી અરેબિયામાં કેરેક્ટર, ઈમારત, રણ, ઉંટ અને ખજૂરી હોય છે, પણ કોઈ મહિલાનું પેન્ટિંગ બનાવી શકાતું નથી.''

છેલ્લાં 30 વર્ષથી સાઉદી અરેબિયામાં રહેતાં પ્રેરણા આ વાત કહેતાં નિરાશ થઈ જાય છે.

નાગપુરમાં જન્મેલાં પ્રેરણાએ ભોપાલની એક યુનિવર્સિટીમાંથી ફાઈન આર્ટ્સમાં માસ્ટર્સ કર્યું છે.

સાઉદી અરેબિયાના શાહ સલમાને તાજેતરમાં મહિલાઓની તરફેણમાં કેટલાક મોટા નિર્ણય કર્યા છે. તેને લીધે થોડી આશા બંધાઈ છે.

કળા પર લાદવામાં આવેલા નિયંત્રણો પણ હળવા બનાવવામાં આવે એવું પ્રેરણા ઈચ્છે છે.

તમને આ વાંચવું પણ ગમશે:

સાઉદી અરેબિયામાં કળા પર ઘણાં નિયંત્રણો છે. સાઉદી અરેબિયામાં કળાકારો સ્થાનિક સરકારના આદેશ અનુસાર જ પેન્ટિંગ બનાવતા હોય છે.


પેન્ટિંગ સેન્સરશીપ

Image copyright Getty Images
ફોટો લાઈન પેન્ટિંગ પ્રદર્શનમાં મૂકાયેલી કૃતિ

કોઈ પણ પ્રદર્શન યોજતાં પહેલાં કળાકારોએ પેન્ટિંગ સેન્સરશીપમાંથી પસાર થવું પડે છે.

બીબીસી સાથે વાત કરતાં પ્રેરણાએ કહ્યું હતું, ''સાઉદી અરેબિયામાં હું પ્રદર્શન યોજું છું ત્યારે હું શું-શું કરી શકું અને શું ન કરી શકું તેની સૂચના-આદેશો આપવામાં આવે છે.

ધર્મ સાથે જોડાયેલું કોઈ પણ પેન્ટિંગ નહીં બનાવવાના આદેશનો તેમાં સમાવેશ થાય છે.''

નિયંત્રણોની વાત કરતાં પ્રેરણા કહે છે, ''કોઈ મહિલાનું પેન્ટિંગ બનાવી શકાતું નથી.

મહિલાનું પેન્ટિંગ બનાવવું હોય તો એ ધૂંધળું હોવું જોઈએ એવી શરત મૂકવામાં આવે છે.

પેન્ટિંગમાં મહિલાની આંખો કે કાન દર્શાવી શકાતા નથી.''

પ્રેરણાના જણાવ્યા અનુસાર, કોઈ પેન્ટિંગમાં મહિલા કેરેક્ટરની જરૂર હોય તો તેની આઉટલાઈન દોરી શકો છો.

અલબત, એ કેરેક્ટર પેન્ટિંગમાં પણ અબાયા નામના આખું શરીર ઢંકાઈ જાય તેવા પોષાકમાં સજ્જ હોવી જોઈએ.

વાસ્તવમાં સાઉદી અરેબિયામાં પેન્ટિંગમાં મહિલાનું ચિત્રણ કરવું એ પાપસમાન ગણાય છે.

અમેરિકન લેખકો હંટ જનીન અને માર્ગારેટ બશીરે મધ્યયુગના ઈતિહાસ અને દેશોની આંતરિક સંસ્કૃતિ વિશેના પુસ્તક લખ્યું છે.

'કલ્ચર્સ ઓફ ધ વર્લ્ડઃ સાઉદી અરેબિયા' પુસ્તકમાં તેમણે લખ્યું છે કે વિશ્વની કલાઓમાં સાઉદી અરેબિયાનું મુખ્ય યોગદાન મસ્જિદ અને શાયરી છે.


શા માટે પ્રતિબંધ?

Image copyright Getty Images
ફોટો લાઈન વ્યક્તિઓનાં પેન્ટિંગમાં તેમનાં આંખ-કાન સ્પષ્ટ દર્શાવવામાં આવતાં નથી

એ પુસ્તકમાં એવું પણ લખવામાં આવ્યું છે કે સાઉદી અરેબિયામાં કલા પર ધાર્મિક પ્રતિબંધ છે.

કળાકાર તેના પેન્ટિંગમાં કોઈ પણ જીવંત પ્રાણીનું ચિત્રણ કરી શકતો નથી.

આ પ્રતિબંધનું મૂળ છે એક ઈસ્લામિક માન્યતા. એ માન્યતા અનુસાર, માત્ર અલ્લાહ જ જીવનની રચના કરી શકે છે.

તેમની જડ માન્યતા મુજબ, કોઈ વ્યક્તિ કોઈ જીવંત પ્રાણીનું પેન્ટિંગ બનાવે છે ત્યારે એ ભગવાન બનવાનો પ્રયાસ કરવા લાગે છે.

આ પ્રકારનાં પેન્ટિંગ લોકોનું ધ્યાન અલ્લાહની ઈબાદતથી અલગ દિશામાં ભટકાવી શકે છે અને લોકો અલ્લાહમાં શ્રદ્ધા રાખવાને બદલે પેન્ટિંગને સત્ય માનતા થઈ જશે. આવી માન્યતા સાઉદી અરેબિયામાં છે.

પુસ્તકમાં લખવામાં આવ્યું છે, “ધાર્મિક માન્યતાઓ પર આધારિત આ પ્રકારના પ્રતિબંધમાં ઘણા મુસ્લિમ દેશો માનતા નથી, પણ સાઉદી અરેબિયા આ બાબતે કોઈ સમાધાન કરવા તૈયાર નથી.”


બાળકોને શું શિખવાડવામાં આવે છે?

Image copyright JOWHARAALSAUD/FACEBOOK
ફોટો લાઈન સાઉદી કલાકાર ઝોહરા અલ સઉદે કળા પરની સેન્સરશીપના વિરોધમાં આવા ફોટોગ્રાફ્સ ક્લિક કર્યા હતા

પ્રેરણા પેન્ટિંગ એક્ઝિબિશન્શ યોજવા ઉપરાંત સાઉદી અરેબિયાની સ્કૂલોમાં સ્ટુડન્ટ્સને પેન્ટિંગ કરતાં પણ શિખવાડે છે.

પ્રેરણાએ જણાવ્યું હતું કે સ્કૂલોમાં સ્ટુડન્ટ્સને કોઈ જીવંત પ્રાણીની આકૃતિ બનાવવાનું શિખવવા પર પ્રતિબંધ છે.

પ્રેરણાએ કહ્યું હતું, ''સાઉદી અરેબિયામાં બાળકો પ્રાણીઓની આકૃતિ બનાવી શકતાં નથી.

સાઉદી અરેબિયાની સ્કૂલોમાં સાધારણ આર્ટ ફોર્મ શિખવાડવાનું જણાવવામાં આવે છે.

સ્ટુડન્ટ્સને પ્રકૃતિનાં પેન્ટિંગ અને પોટ્સ તથા ગ્લાસ જેવાં ઓબ્જેક્ટ્સના ડ્રોઈંગ શિખવાડવાનું જણાવવામાં આવે છે.''

પ્રેરણા ભારતમાં રહેતાં હતાં ત્યાં સુધી માનવીય લાગણીઓને દર્શાવતાં પેન્ટિંગ બનાવતાં હતાં.

સાઉદી અરેબિયામાં તેમનું એ અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય મર્યાદિત થઈ ગયું છે.

પ્રેરણાએ કહ્યું હતું, ''પેન્ટિંગમાં બંધન તો છે. હું જે ઈચ્છું એ બનાવી શકતી નથી.

અલબત, સાઉદી અરેબિયામાં કેટલાંક અમેરિકન, કેનેડિયન અને ઓસ્ટ્રેલિયન કમ્પાઉન્ડ છે, જ્યાં એ પ્રકારનાં પેન્ટિંગ બનાવી શકાય છે.

કોઈ વ્યક્તિગત રીતે એવું પેન્ટિંગ બનાવવા ઈચ્છતું હોય તો તેને બનાવીને આપી શકાય છે, પણ તેને સાર્વજનિક રીતે બનાવી કે પ્રદર્શિત કરી શકાતું નથી.''


કલાકારોનો વિરોધ

Image copyright JOWHARAALSAUD/FACEBOOK
ફોટો લાઈન ઝોહરા અલ સઉદે નેગેટિવમાંથી માણસોની આંખ તથા નાક હટાવીને ફોટોગ્રાફ્સ પ્રિન્ટ કર્યા હતા.

સાઉદી અરેબિયામાંના આ પ્રતિબંધોનો વિરોધ સ્થાનિક કળાકારો સમયાંતરે કરતા રહે છે.

તેઓ ટ્વિટર અને ફેસબૂક જેવા માધ્યમ મારફત વિરોધ કરે છે.

સાઉદી અરેબિયાનાં ઝોહરા અલ સઉદ નામનાં કળાકારે થોડા વર્ષ પહેલાં આવો વિરોધ કર્યો હતો.

તેમણે પ્રતિબંધોનો કળાત્મક રીતે વિરોધ કર્યો હતો.

ઝોહરાએ ફેસબૂક પર 'આઉટ ઓફ લાઈન' નામની સીરિઝ ચલાવી હતી.

એ સીરિઝમાં ઝોહરાએ માનવીય ભાવનાઓને ફોટોગ્રાફ્સમાં ક્લિક કરી હતી અને નેગેટિવમાંથી માણસોની આંખ તથા નાક હટાવીને ફોટોગ્રાફ્સ પ્રિન્ટ કર્યા હતા.

પ્રેરણાએ જણાવ્યું હતું કે સાઉદી અરેબિયામાં પેન્ટિંગ મારફત માનવીય ભાવનાઓ દર્શાવવાનું બહુ મુશ્કેલ છે.

એક સ્ત્રી અને પુરુષ એકમેકને આલિંગન આપતાં હોય એવાં ચિત્રો ભારતમાં બનાવી શકાય છે, સાઉદી અરેબિયામાં નહીં.

પ્રેરણાએ કહ્યું હતું, ''કોઈ પણ એક્ઝિબિશન માટે આયોજકોના દૃષ્ટિકોણ અનુસાર પેન્ટિંગ બનાવવાં પડે છે.

મારા એક પેન્ટિંગને પ્રદર્શનમાં મૂકવાની છૂટ આપવામાં આવી ન હતી, કારણ કે એ પેન્ટિંગમાં નાચી રહેલી એક મહિલાને દર્શાવવામાં આવી હતી.''


કાયદાનો ડર

Image copyright Getty Images
ફોટો લાઈન સાઉદી અરેબિયાના સ્ટેડિયમોમાં મહિલાઓ 2018ની શરૂઆતથી મેચો નિહાળી શકશે

સાઉદી અરેબિયામાં પ્રતિબંધોને કારણે પ્રેરણા જેવા કળાકારોની અભિવ્યક્તિ મર્યાદિત થઈ જાય છે. તેમને કાયદાનો ડર હોય છે.

પ્રેરણાએ કહ્યું હતું, ''સાઉદી અરેબિયામાં કોઈ કાયદાનું ઉલ્લંઘન કરી શકતું નથી.

કોઈ મુશ્કેલીનો સામનો કરવો ન પડે એટલા માટે અમે અહીંના કાયદાનું પાલન કરીએ છીએ.''

પ્રેરણાના જણાવ્યા અનુસાર, સાઉદી અરેબિયા હવે ધીમેધીમે જાગૃત થતું જાય છે.

મહિલાઓને ડ્રાઈવિંગ અને સ્ટેડિયમમાં મેચ નિહાળવાની છૂટ મળ્યા બાદ કળાના ક્ષેત્રમાંના નિયંત્રણો પણ ઉઠાવી લેવામાં આવશે, એવી પ્રેરણાને આશા છે.

પ્રેરણાએ જણાવ્યું હતું કે ભારતીય સમૂહ ઉપરાંત સ્થાનિક લોકોમાં પણ તેમનાં પેન્ટિંગ વિખ્યાત છે.

તેમનાં ઘણાં પેન્ટિંગ સાઉદી અરેબિયાના શાહના મહેલોમાં લગાવવામાં આવ્યાં છે.

(કળાકારની ઓળખ ગુપ્ત રાખવા માટે તેમનું નામ બદલવામાં આવ્યું છે.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો