ઓસ્ટ્રેલિયાઃ એક સમલૈંગિક સાંસદે સંસદમાં બીજા સાંસદને જ પ્રપોઝ કર્યું!

ટીમ વિલ્સનની તસવીર Image copyright Reuters
ફોટો લાઈન ઓસ્ટ્રેલિયન સાંસદ ટીમ વિલ્સને સંસદમાં તેમના ગે પાર્ટનરને પ્રપોઝ કર્યું હતું

સંસદમાં ચર્ચા થઈ રહી હોય અને તે દરમિયાન એક સાંસદ બીજા સાંસદને પ્રપોઝ કરે તો કેવું દૃશ્ય સર્જાય?

આ કિસ્સો ઓસ્ટ્રેલિયાનો છે. સમલૈગિંકો વચ્ચે થતાં લગ્નોને કાયદાકીય દરજ્જો આપવા માટે સંસદમાં ચર્ચા ચાલી રહી હતી.

ટીમ વિલ્સન નામના સાંસદ આ ચર્ચામાં તેમનો સૂર પૂરાવી રહ્યા હતા. તેમના ગે પાર્ટનર રેયાન બોલ્ગર તેમની નજીકમાં બેસી આ ચર્ચા સાંભળી રહ્યા હતા.

તે દરમિયાન ટીમ વિલ્સને ઊંચા અવાજે રેયાન બોલ્ગરને પ્રપોઝ કર્યું. રેયાન બોલ્ગરે આ પ્રસ્તાવ સ્વીકાર્યો અને એટલા જ ઊંચા અવાજે જવાબ આપ્યો, 'હા'

તમને આ પણ વાંચવું ગમશે

આ બન્ને સમલૈંગિક સાંસદો છેલ્લાં નવ વર્ષથી સંબંધો ધરાવે છે.

ઓસ્ટ્રેલિયાની સંસદ 'હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સ'માં સમલૈંગિકો વચ્ચેનાં લગ્નને કાયદાકીય માન્યતા આપવા માટે ચોથી ડિસેમ્બરે ચર્ચા શરૂ થઈ હતી.


સમલૈંગિકોનાં લગ્ન

Image copyright Getty Images
ફોટો લાઈન અધિકારીઓનું કહેવું છે કે ટીમ વિલ્સન સંસદગૃહમાં પ્રપોઝ કરનારા સૌપ્રથમ સાંસદ છે

સંસદમાં ફરજ બજાવતા અધિકારીઓનું કહેવું છે કે ટીમ વિલ્સન સંસદગૃહમાં પ્રપોઝ કરનારા સૌપ્રથમ સાંસદ છે.

પોતાના સંબોધન દરમિયાન ભાવુક થયેલા ટીમ વિલ્સને કહ્યું, "મેં એક ભાષણમાં આપણા અંગત સંબંધોનો આ વીંટી દ્વારા સંકેત આપ્યો હતો. આવી વીંટી આપણા બન્નેના ડાબા હાથમાં છે."

"આ વીંટી એ સવાલોના જવાબ છે જે આપણે નથી પૂછી શકતા. એટલે હવે માત્ર એક વાત જ અધૂરી રહે છે. રેયાન પેટ્રીક બોલ્ગર, તમે મારી સાથે લગ્ન કરશો?"

ટીમ વિલ્સને પ્રપોઝ કર્યું તે પછી સંસદનું વાતાવરણ બદલાઈ ગયું હતું.

અન્ય સાંસદોએ આ પ્રપોઝને આવકાર્યું હતું. સંસદના અધ્યક્ષે પણ બન્નેને અભિનંદન આપ્યા હતા.

ગત મહિને ઓસ્ટ્રેલિયામાં સમલૈંગિકોનાં લગ્ન બાબતે જનમત સંગ્રહની કામગીરી કરવામાં આવી હતી અને લોકોએ આ પ્રકારનાં લગ્નની તરફેણમાં મત આપ્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો