સાદા અને પ્રવાહી ખોરાક વડે ડાયાબીટિઝને હરાવો

બ્રિટનનાં નાગરિક ઈસાબેલ મરે
ફોટો લાઈન ઈસાબેલ મરેએ હવે ડાયાબીટિઝ માટે ગોળીઓ ગળવી પડતી નથી

ઈસાબેલ મરે બ્રિટનમાં હાથ ધરવામાં આવેલા તબીબી પરિક્ષણમાં સામેલ થયેલાં 300 લોકો પૈકીનાં એક છે.

એ 300 પૈકીના લગભગ અરધોઅરધ લોકોએ ટાઈપ-ટુ ડાયાબીટિઝ સામે વિજય મેળવ્યો હતો.

ડાયાબીટિઝને મહાત કરવા માટે તેમણે તેમના ખોરાકમાંથી તમામ સોલિડ ફૂડને બાકાત રાખ્યું હતું.

આ ક્લિનિકલ ટ્રાયલનો ભાગ બનેલા લોકોએ તેમના વજનમાં મોટો ઘટાડો કરવા ખોરાકમાં ઓછી કેલરિ સુપ્સ તથા શેઈક લીધાં હતાં.

65 વર્ષનાં ઈસાબેલ મરેનું વજન 94 કિલો હતું અને સારવાર દરમિયાન તેમાં 25 કિલોનો ઘટાડો થયો હતો.

હવે ઈસાબેલ મરેએ ડાયાબીટિઝ માટે ગોળીઓ લેવાની જરૂર પડતી નથી.


સીમાચિન્હરૂપ પરીક્ષણ

Image copyright Getty Images

ડાયાબીટિઝ યુકે નામના સ્વૈચ્છિક સંગઠને જણાવ્યું હતું કે આ ક્લિનિકલ ટ્રાયલ એક સીમાચિન્હરૂપ છે અને તેનાથી ડાયાબીટિઝના કરોડો દર્દીઓને ફાયદો થઈ શકે છે.

આ ક્લિનિકલ ટ્રાયલનું પરિણામ વિજ્ઞાન સામયિક 'ઘ લેન્સેટ'માં પ્રકાશિત કરવામાં આવ્યું હતું.

ન્યૂકેસલ યુનિવર્સિટીના પ્રોફેસર રોય ટેલરે બીબીસીને જણાવ્યું હતું કે અમે આ કામ શરૂ કર્યું એ પહેલાં નિષ્ણાતો એવું માનતા હતા કે ટાઈપ-ટુ ડાયાબીટિઝનો ઈલાજ શક્ય જ નથી.

તેમણે કહ્યું હતું, ''આપણે તેનો મૂળથી ઈલાજ કરીએ અને લોકોને ખતરનાક પરિસ્થિતિમાંથી બહાર કાઢી શકીએ તો તેઓ ડાયાબીટિઝ સામે વિજય મેળવી શકે છે.''

અલબત, ડોક્ટરો આ ઈલાજને કાયમી ઉપચાર ગણતા નથી. લોકોનું વજન ફરી વધે તો તેમને ફરી ડાયાબીટિઝ થઈ શકે છે.

વિશ્વમાં 400 મિલિયનથી વધારે લોકો ડાયાબીટિઝથી પીડાઈ રહ્યાનો અંદાજ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો