ઉત્તર કોરિયાના હુમલાનો જવાબ આપશે દક્ષિણ કોરિયાના 'ડ્રોનબોટ્સ'

ડ્રોનની પ્રતીકાત્મક તસવીર Image copyright Getty Images

ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉન પર કોઈ પણ પ્રકારનું આંતરરાષ્ટ્રીય દબાણ કામ નથી કરી રહ્યું. પરિણામે કિમ જોંગ ઉન સતત પરમાણુ બોમ્બનાં પરિક્ષણો કરીને દુનિયાને ડરાવી રહ્યા છે.

હુમલાની ધમકી પણ આપી રહ્યા છે. તમામ પ્રતિબંધો છતાં તેમણે પોતાનો મિસાઇલ કાર્યક્રમ ચાલુ રાખ્યો છે.

આ સંજોગોમાં ઉત્તર કોરિયાથી જેને સૌથી વધુ ખતરો છે, તે દક્ષિણ કોરિયાએ ઉત્તર કોરિયાના સંભવિત હુમલાનો સામનો કરવા નવી વ્યૂહરચના બનાવવાની શરૂઆત કરી છે.

દક્ષિણ કોરિયાની સમાચાર એજન્સી યોનહાપે એક સૈન્ય અધિકારી પાસેથી મેળવેલી માહિતીના આધારે કહ્યું છે, "આગામી વર્ષે અમે સંભવિત યુદ્ધ માટે માનવરહિત વિમાનોનું એક એકમ તૈયાર કરી દઈશું. તે યુદ્ધનાં અત્યાર સુધીના તમામ નિયમોને બદલી નાખશે."

તમને આ પણ વાંચવું ગમશે

આ સૈન્ય અધિકારીએ નામ ન છાપવાની શરતે કહ્યું, "સેનાની યોજના એવું સ્પેશ્યલ યુનિટ તૈયાર કરવાની છે, જે ડ્રોનબોટ્સ તૈયાર કરવાનું કામ કરશે."


શું છે ડ્રોનબોટ્સ?

Image copyright Getty Images

ડ્રોનબોટ્સ શબ્દ ડ્રોન અને રોબોટ શબ્દોથી બન્યો છે.

યુદ્ધની નવી ટેક્નિકથી દક્ષિણ કોરિયા જાસૂસી અને બચાવની નવી ક્ષમતા મેળવી લેશે.

સૈન્ય અધિકારીનું કહેવું છે કે ઉત્તર કોરિયાના સતત પરમાણુ પરિક્ષણ કરવાથી તેમના માટે આ ટેક્નિક પર કામ આગળ વધારવું જરૂરી બની ગયું છે.

ઉત્તર કોરિયાએ 29 નવેમ્બરે બેલિસ્ટીક મિસાઇલનું પરિક્ષણ કર્યું હતું.

અમેરિકાનું કહેવું હતું આ એક આંતરખંડીય બેલિસ્ટીક મિસાઇલ હતી જે સમગ્ર દુનિયા માટે ખતરો છે.

અમેરિકાનાં રક્ષા મંત્રાલયે કહ્યું હતું કે આ મિસાઇલે હજારો કિલોમીટરનું અંતર કાપ્યું હતું અને અંતે જાપાનના સમુદ્રમાં પડી હતી.


Image copyright Getty Images

દક્ષિણ કોરિયાએ કહ્યું છે કે દક્ષિણ પ્યોંગાન પ્રાંતના પ્યોંગયાંગથી પૂર્વ દિશામાં આ મિસાઇલને છોડવામાં આવી હતી.

બ્રિટિશ ફાઈનૅન્શલ ટાઇમ્સના એક લેખ અનુસાર દક્ષિણ કોરિયાની આ ડ્રોન સેનાના બે મુખ્ય કામ હશે.

પહેલું એ કે, આ ડ્રોન ઉત્તર કોરિયાના સૈન્ય વિસ્તારોની જાસૂસી કરશે અને એ જગ્યાની પણ તપાસ કરાશે કે જ્યાં ઉત્તર કોરિયા પરમાણુ હથિયાર તૈયાર કરે છે.

બીજું એ કે, આ ડ્રોનબોટ્સ એક ટીમના રૂપમાં હુમલાની સ્થિતિમાં વળતો હુમલો કરશે.

ફાઈનૅન્શલ ટાઇમ્સના જણાવ્યા અનુસાર, "છેલ્લા એક દાયકામાં દુનિયાભરમાં ઘણા સ્થળો પર યુદ્ધમાં ડ્રોનનો ઉપયોગ થયો છે."

ગત બુધવારે જ દક્ષિણ કોરિયાની સરકારે પોતાના રક્ષા બજેટમાં વધારો કર્યો છે.

ગત વર્ષ કરતા દક્ષિણ કોરિયાએ બજેટમાં સાત ટકાનો વધારો કર્યો છે.

વર્ષ 2009 બાદ સૈન્ય બજેટમાં આ સૌથી મોટો વધારો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો