નાગપુરના લેડી ડૉક્ટર રેગિસ્તાનનાં મધર ટેરેસા

મરાઠી મહિલા
ફોટો લાઈન જુલેખા દાઉદ સંયુક્ત અરબ અમીરાતમાં ભારતીય મૂળના સૌથી પહેલા મહિલા ડૉક્ટર છે

નાગપુરના એક મરાઠી મહિલા.. ખાડી દેશોમાં એકમાત્ર મહિલા યુવા ડૉક્ટર.. તેઓ પોતાની મહેનત અને લગન સાથે કરોડો લોકોનાં મન જીતી લે છે અને હંમેશા માટે ત્યાં જ વસી જાય છે.

આજે 50 વર્ષ કરતા વધારે સમય વીતી ગયો છે. તેમની ઉંમર ભલે વધી ગઈ છે પણ તેમના દર્દીઓ સાથે હજુ પણ તેમનો ગાઢ સંબંધ છે.

ભારતથી હજારો કિલોમીટર દૂર હોવા છતાં તેઓ ન તો પોતાના દેશને ભૂલ્યા છે ન શહેરને. હજુ પણ તેઓ મરાઠી અંદાજમાં જ હિંદી બોલે છે.

તમને આ પણ વાંચવું ગમશે

તેમનો પાસપોર્ટ આજે પણ ભારતીય છે. આ છે જુલેખા દાઉદ કે જેઓ સંયુક્ત અરબ અમીરાતમાં ભારતીય મૂળના સૌથી પહેલા મહિલા ડૉક્ટર છે.

આજે તેમની ત્રણ હોસ્પિટલ છે જેમાંથી એક નાગપુરમાં છે. પરંતુ જ્યારે તેઓ પહેલી વખત શારજાહ આવ્યા હતા તો અહીં એક પણ હોસ્પિટલ ન હતી.


કુવૈતમાં આવ્યા હતા નોકરી કરવા

ફોટો લાઈન જુલેખા દાઉદ કુવૈતમાં સ્ત્રીરોગ વિશેષજ્ઞ બનીને આવ્યા હતા

કુવૈતમાં તેઓ એક સ્ત્રીરોગના વિશેષજ્ઞ બનીને આવ્યાં હતાં. પરંતુ ડૉક્ટરોની ખામીના કારણે તેમણે દરેક રોગનો ઇલાજ કરવો પડતો હતો.

તેઓ તે જમાનામાં રૂઢિવાદી અરબ સમાજમાં એક માત્ર મહિલા ડૉક્ટર ચોક્કસ હતા, પરંતુ તેમના જણાવ્યા અનુસાર તેમને એવો અહેસાસ થયો હતો કે લોકોને તેમની જરૂર છે.

તેઓ કહે છે, "મારા દર્દીઓમાં મહિલાઓ પણ હતી, અને પુરુષો પણ હતા."

તેમને પૂછવામાં આવ્યું કે નાગપુરથી તેમના આ લાંબા પ્રવાસની શરૂઆત કેવી રીતે થઈ?

તેમણે કહ્યું, "મને કુવૈતમાં નોકરી મળી એટલે હું નાગપુરથી અહીં આવી. મને કુવૈતના લોકોએ કહ્યું આ લોકોને (શારજાહના લોકોને) તમારી વધારે જરૂર છે. અમે લોકો ત્યાં હોસ્પિટલ ખોલી રહ્યાં છીએ. તો તેમણે મને અહીં મોકલી."

તેઓ કુવૈતમાં એક અમેરિકી મિશન હોસ્પિટલમાં કામ કરતા હતા. એ હોસ્પિટલે શારજાહમાં એક ક્લિનિક ખોલ્યું હતું.

એ જમાનામાં શારજાહ અને દુબઈ એટલા પછાત વિસ્તાર હતા કે ત્યાં કોઈ ડૉક્ટર જવા તૈયાર ન હતા. પણ ડૉક્ટર દાઉદે કહ્યું કે તેઓ ત્યાં જશે.

ડૉક્ટર દાઉદ કહે છે, "મારે બધું જ કરવું પડતું હતું. ડિલિવરી, નાના ઓપરેશન, હાડકાંનો, દાઝી ગયેલા ભાગનો ઇલાજ. આ બધું જ હું કરતી કેમ કે ત્યાં બીજુ કોઈ ન હતું."


ત્યારે પાક્કા રસ્તા પણ ન હતા

ફોટો લાઈન જુલેખા દાઉદની દેખરેખ હેઠળ શારજાહ અને દુબઈમાં 15 હજાર કરતા વધારે બાળકોએ જન્મ લીધો છે

તે સમયે ડૉક્ટર દાઉદ એક યુવા મહિલા હતા અને એક ભારતીય ડૉક્ટર સાથે તેમના લગ્ન હજુ થયા જ હતા. દુબઈ અને શારજાહ વિશે તેમને જાણકારી પણ ઓછી હતી.

તેઓ જણાવે છે, "મને ખબર ન હતી કે દુબઈ શું છે. કામ કરવું હતું તો હું આવી ગઈ."

એ જમાનાના દુબઈ અને શારજાહને યાદ કરતા તેઓ કહે છે, "એરપોર્ટ ન હતું. અમે રન-વે પર ઉતર્યા. એટલી ગરમી હતી કે બીજા ડૉક્ટરોએ કહ્યું, આપણે અહીં રહીશું?"

પહેલા દુબઈમાં ક્લિનિક ખોલવામાં આવ્યું. પછી શારજાહમાં.

ડૉક્ટર દાઉદ કહે છે, "દુબઈ શારજાહથી લગભગ 40 કિલોમીટર દૂર છે. તે સમયે પાક્કા રસ્તા પણ ન હતા."

ડૉક્ટર જુલેખા દાઉદને તે સમય આજે પણ યાદ છે. તેઓ કહે છે, "શારજાહનો રસ્તો રેગિસ્તાની હતો. ગાડીઓ રેતીમાં ફસાઈ જતી હતી. અમને પણ એ વાતની જાણકારી ન હતી કે અહીં આટલી મુશ્કેલીઓ છે."

હોસ્પિટલમાં પણ વ્યવસ્થાઓ ઓછી હતી. "હું આવી તો જોયું કે ક્લિનિકમાં માત્ર બે- ત્રણ પ્રકારની દવાઓ જ હતી. ન તો એક્સ રેની સુવિધા હતી, ન કોઈ પેથોલૉજી ડિપાર્ટમેન્ટ હતો."

"ખૂબ ગરમી હતી. એસીની વ્યવસ્થા ન હતી. બીજા ડૉક્ટરોએ કહ્યું કે તેઓ અહીં નથી રહી શકે. મેં કહ્યું કે હું અહીં લોકોનો ઇલાજ કરવા આવી છું. લોકોને મારી જરૂર છે. હું અહીં જ વસી ગઈ."


1992માં ખોલ્યુ પોતાનું હોસ્પિટલ

ફોટો લાઈન જુલેખા દાઉદે ત્રણ અરબ પેઢીનો ઇલાજ કર્યો છે

ડૉક્ટર દાઉદ અહીં એક લોકપ્રિય ડૉક્ટર છે. શારજાહ અને દુબઈમાં તેમની દેખરેખ હેઠળ 15 હજાર કરતા વધારે બાળકોએ જન્મ લીધો છે જેમાં શાહી પરિવારના પણ કેટલાક બાળકો સામેલ છે.

અરબોની ત્રણ પેઢીનો તેમણે ઇલાજ કર્યો છે. હવે ઉંમર વધી રહી છે તે છતાં તેઓ હજુ પણ રોજ હોસ્પિટલ જાય છે અને દર્દીઓને મળે છે.

ડૉક્ટરના દાઉદના જણાવ્યા અનુસાર અંગ્રેજો પાસેથી સ્વતંત્રતા મળ્યા બાદ વિસ્તારમાં વિકાસની શરૂઆત થઈ ગઈ હતી.

તેઓ કહે છે, "જેમ જેમ સમય વીત્યો, તેમને સ્વતંત્રતા મળી. તેમનું સંયુક્ત અરબ અમીરાત બન્યું. ત્યારે એકસાથે આ લોકોએ વિકાસ શરૂ કર્યો જે ખૂબ ઝડપથી થયો."


નાગપુરમાં ખોલી કેન્સર હોસ્પિટલ

Image copyright Zulekha Daud
ફોટો લાઈન જૂલેખા દાઉદની જૂની તસવીરો

ડૉક્ટર દાઉદે પણ 1992માં અહીં એક હોસ્પિટલ ખોલી. તેમને લાગ્યું કે હવે અહીં જ તેમનું ઘર છે. સ્થાનિક અરબોના મનમાં જગ્યા બનાવ્યા બાદ નાગપુરમાં મોટા થયેલાં, અશિક્ષિત માતા પિતાના દિકરી, ડૉક્ટર દાઉદ ધીરે ધીરે અરબના જ બનીને રહી ગયા.

પરંતુ નાગપુરના એક સાધારણ મરાઠી મહિલાને ક્યારેય પોતાના ઘરે પરત ફરવાનો વિચાર ન આવ્યો?

શું તેઓ પોતાના દેશને ભૂલી ગયા? આ સવાલ પર તેઓ કહે છે, "મારા દેશે જ મને બધું આપ્યું છે. હું ત્યાં જન્મી, શિક્ષણ મેળવ્યું, મારા પરિવારજનો પણ ત્યાં છે."

કદાચ એ દેશ સાથે જોડાયેલી ભાવના જ છે કે તેમણે પોતાના શહેર નાગપુરમાં પણ કેન્સર હોસ્પિટલ શરૂ કરી છે.

અમીરાતની નાગરિકતાની ઑફર છતાં તેઓ આજે પણ એક ભારતીય નાગરિક છે.


સફળ વ્યવસાયી

ફોટો લાઈન આજે જુલેખા દાઉદની ત્રણ હોસ્પિટલ છે જેમાંથી એક નાગપુરમાં છે

અમીરાતમાં તેઓ એક સફળ ડૉક્ટર અને વ્યવસાયી કેવી રીતે બની ગયા?

આ સવાલના જવાબમાં તેઓ કહે છે, "એ મને ખબર ન હતી કે હું આગળ વધીશ. બસ પરિસ્થિતિ અને સમયને ધ્યાનમાં રાખી કામ કરતી રહી."

"મારી અંદર લોકોની મદદ કરવાની ભાવના હતી. અરબ લોકો મારી પાસે આવતા. તેમણે જ મને આગળ વધવામાં મદદ કરી."

જુલેખા દાઉદના દીકરી અને જમાઈ આજે તેમને હોસ્પિલના કામને આગળ વધારવામાં મદદ કરે છે. ડૉક્ટર દાઉદે કામ અને પરિવાર વચ્ચે સંતુલન જાળવી રાખ્યું છે.

દીકરી જેનોબિયા કહે છે, "તેઓ સફળ પણ છે અને એક સફળ વ્યવસાયી પણ છે."

પરંતુ શું ડૉક્ટર દાઉદ આ નામ વિદેશના બદલે દેશની અંદર કમાતાં તો તેમને વધારે સંતુષ્ટિ મળતી?

તેના પર તેઓ કહે છે કે ભારતે તેમને ઘણું બધું આપ્યું છે પરંતુ તેમને અહીંના શાહી પરિવારે પણ ખૂબ મદદ કરી છે.

તેમના જણાવ્યા અનુસાર, "હું આજે સફળ છું તો તેનો શ્રેય અહીંની સરકારને જાય છે. હું આજે બન્ને દેશોની નજીક છું."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો