ગુજરાતમાં વ્યંડળોને મતાધિકાર પછી સામાજિક સ્વીકૃતિ મળશે?

વ્યંડળો
ફોટો લાઈન ગુજરાતમાં વ્યંડળોને મતાધિકાર પછી સામાજિક સ્વીકૃતિ ક્યારે મળશે?

ગુજરાત વિધાનસભાની મતદાર યાદીમાં 687 વ્યંડળોનાં નામ છે પણ તેમની સંખ્યા ઘણી વધારે છે.

કેટલાંકનાં નામ સ્ત્રી તરીકે નોંધવામાં આવ્યાં છે અને બીજા કેટલાક ખુદને સત્તાવાર રીતે વ્યંડળ જાહેર કરવા રાજી નથી.

સરકારી સંસ્થાઓએ કેટલાંક વર્ષ સમજાવ્યા પછી વ્યંડળોનાં નામ મતદાર યાદીમાં નોંધવાનું શક્ય બન્યું હતું.

લેસ્બિયન, ગે, બાયસેક્સ્યૂઅલ અને ટ્રાન્સજેન્ડર (એલજીબીટી) સમુદાય માટે કામ કરતા લક્ષ્ય ટ્રસ્ટનાં આયેશા બેગે આ પગલાંને આવકાર્યું હતું.

તમને આ વાંચવું પણ ગમશે:

આયેશા પોતે મહિલા વ્યંડળ છે. તેમને મેકઅપ કરવો અને સુંદર દેખાવું ગમે છે.


અસ્તિત્વનો અસ્વીકાર

ફોટો લાઈન વ્યંડળ હોવાના કારણે નોકરી મેળવવામાં મુશ્કેલી પડી રહી છે

જોકે, વ્યંડળ હોવાને કારણે તેમને એરહોસ્ટેસ તરીકે નોકરી આપવામાં આવી ન હતી.

કોલ સેન્ટર અને અન્ય જગ્યાએ નોકરી માટે અરજી કરી ત્યારે પણ આયેશાને ઇન્કારનો સામનો કરવો પડ્યો હતો.

આયેશાએ કહ્યું હતું, ''એ તો મારાં અસ્તિત્વના અસ્વીકાર જેવું હતું. તેની સાથે કામ પાર પાડવાનું પીડાજનક હતું."

"પહેલીવાર મને રિજેક્ટ કરવામાં આવી ત્યારે મેં મારી જાત પ્રત્યે તિરસ્કારની લાગણી અનુભવી હતી."

"જોકે, પછી એ પરિસ્થિતિ સાથે કામ પાર પાડતાં હું શીખી ગઈ હતી કારણ કે હું જે સ્વરૂપે જન્મી છું, એમાં મારો કોઈ વાંક નથી.”

તેમણે વધુમાં કહ્યું, “આ દુનિયામાં ખુશીથી જીવવાનો મને અધિકાર છે."

"મેં મારા જેવા અન્ય લોકો વિશે પણ વિચાર્યું હતું. મેં મારી જાત અને મારા સમુદાય માટે જીવવાનો ફેંસલો કર્યો છે.''

એ પછી આયેશા સક્રીય થયાં હતાં અને અન્ય વ્યંડળો સાથે મળીને કામ કરવાનું શરૂ કર્યું હતું.


2014માં પહેલી સફળતા

ફોટો લાઈન મતદાર યાદીમાં વ્યંડળોને 'અધર્સ' કેટેગરીમાં સમાવવામાં આવ્યા છે

તેમના પ્રયાસોને 2014માં સફળતા મળી હતી અને દેશના ચૂંટણી પંચે ત્રીજી જાતિના લોકોને મતદાર યાદીમાં અલગથી સ્થાન આપવાનો નિર્ણય કર્યો હતો.

મતદાર યાદીમાં વ્યંડળોને 'અધર્સ' કેટેગરીમાં સમાવવામાં આવ્યા છે.

ગુજરાતની મતદાર યાદીમાં અધર્સ કેટેગરીમાં કુલ 687 મતદારો છે અને તેમને મતદાર ઓળખપત્રો પણ આપવામાં આવ્યાં છે.

વડોદરાના યાદવ પાર્કમાં આશરે 40 વ્યંડળો રહે છે. એ પૈકીનાં 35 પાસે મતદાર ઓળખપત્રો છે.

વડોદરાના બરનપુરામાં વસતા 100 વ્યંડળો પૈકીનાં 77 પાસે મતદાર ઓળખપત્રો છે.

વ્યંડળોના અધિકાર માટેની ચળવળ હજુ શરૂ થઈ છે. મતદાર ઓળખપત્રો આયેશા અને તેમનાં સ્વયંસેવકોને મળેલી પહેલી સફળતા છે.


અનેક પડકારો

ફોટો લાઈન મતદાન ઓળખપત્રો તો મળી ગયાં પણ ખરી લડાઈ પાન કાર્ડ માટે લડવાની છે

તેમણે સંપૂર્ણ સ્વીકૃતિ મેળવતાં પહેલાં બીજા અનેક પડકારોનો સામનો કરવાનો છે.

વધારાનો એક પડકાર ખરા વ્યંડળોને કે વ્યંડળ તરીકે જન્મેલા લોકોને ઓળખી કાઢવાનો છે.

મતદાન ઓળખપત્રો તો મળી ગયાં પણ ખરી લડાઈ પાન કાર્ડ માટે લડવાની છે.

કારણ કે પાન કાર્ડ વ્યંડળોને નાણાકીય સ્વાતંત્ર્ય અપાવશે.

આરઝૂ નામના એક વ્યંડળે બીબીસી સાથે તેમના મનની વાત કરી.

તેમણે કહ્યું, ''અમારી પાસે પાન કાર્ડ નથી. અમે બેન્કમાં એકાઉન્ટ ખોલાવી નથી શકતાં.

મોબાઇલ ફોન માટે સિમ કાર્ડ મેળવવાનું પણ ખૂબ મુશ્કેલ હોય છે. અમારી પાસે મતદાર ઓળખપત્રનાં સ્વરૂપમાં અમારી ઓળખ છે.

હવે અમને બેન્કો, આરોગ્ય સેવાઓ અને પેન્શન યોજનાઓ માટે માન્યતા મળવાની આશા છે.''


ઓળખ મળી પણ બેંક એકાઉન્ટ નહીં

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતિકાત્મક તસવીર

નાણાકીય વ્યવસ્થામાં ઓળખના અભાવે ગુજરાન ચલાવવા માટે ભિક્ષા પર આધાર રાખવો પડતો હોવાનું ઘણા વ્યંડળોએ જણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું, ''અમને મતદાર ઓળખપત્રો મળ્યાં પણ બેન્ક અકાઉન્ટ ખોલાવવા માટે તેનો કોઈ ઉપયોગ નથી."

"ફાઈનાન્સિઅલ સિસ્ટમની રોજિંદી અરજીઓ અને સરકારી ફોર્મ્સમાં ત્રીજી જાતિનો કોઈ વિકલ્પ જ હોતો નથી.

અમારી પાસે આવકનો કોઈ સ્રોત નથી એટલે ચોક્કસ વિસ્તારોમાં અઠવાડિયે એકવાર ભિખ માગીને અમારે ગુજરાન ચલાવવું પડે છે.

અમારા પૈકીનાં કેટલાંકને રોજગારલક્ષી તાલીમ મળી છે પણ બિઝનેસ શરૂ કરવા માટે એ તાલીમ પૂરતી નથી.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો