ન્યૂ યોર્કના હુમલાખોરે ટ્રમ્પને શું ચેતવણી આપી હતી?

હુમલાખોરની તસવીર Image copyright CBS
ફોટો લાઈન ન્યૂ યોર્ક બસ ટર્મિનલ્ પર બ્લાસ્ટ પહેલાં હુમલાખોરે ટ્રમ્પને ચેતવણી આપી હતી

અમેરિકાનાં ન્યૂ યોર્ક શહેરમાં સોમવારે બસ ટર્મિનલ્ પર થયેલા બૉમ્બ બ્લાસ્ટ પહેલાં હુમલાખોર અકાયદ ઉલ્લાહે ફેસબુક પર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ચેતવણી આપી હતી.

ચેતવણી આપતા હુમલાખોરે ફેસબુક પર લખ્યું હતું, "ટ્રમ્પ, તમે તમારા દેશની સુરક્ષા કરવામાં નિષ્ફળ રહ્યા."

પ્રૉસિક્યૂટર્સે અકાયદ ઉલ્લાહ વિરૂદ્ધ લગાવેલા આરોપમાં આ પોસ્ટની જાણકારી આપી છે.

પ્રૉસિક્યૂટર્સનું કહેવું છે કે 27 વર્ષના બાંગ્લાદેશી અપ્રવાસી અકાયદે ઇસ્લામિક સ્ટેટનાં સમર્થનથી બ્લાસ્ટ કર્યો હતો.

તમને આ પણ વાંચવું ગમશે

11 ડિસેમ્બર 2017ના રોજ થયેલા બ્લાસ્ટમાં હુમલાખોર સિવાય અન્ય ત્રણ લોકો ઘાયલ થયા હતા.

ન્યૂ યોર્ક પોલીસ ડિપાર્ટમેન્ટે ટ્વિટર પર જાણકારી આપી છે કે અકાયદ ઉલ્લાહ વિરૂદ્ધ હથિયાર રાખવા, આતંકવાદનું સમર્થન કરવું અને આતંકી ધમકી આપવાના આરોપ લગાવાયા છે.

તેમના પર લગાવાયેલા આરોપોની જાણકારી 12 ડિસેમ્બરે અપાઈ હતી.


ઘરે બૉમ્બબનાવ્યો

Image copyright EPA/JUSTIN LANE
ફોટો લાઈન અકાયદ ઉલ્લાહે ઘરે બૉમ્બ બનાવ્યો હતો

પ્રૉસિક્યૂટર્સના જણાવ્યા અનુસાર અકાયદ ઉલ્લાહે તપાસ અધિકારીઓને જણાવ્યું છે કે તેમણે ક્રિસમસના અવસર પર વાપરવામાં આવતી લાઇટ્સના તારનો ઉપયોગ કરીને ઘરે જ બૉમ્બ બનાવ્યો હતો.

ફરિયાદી પક્ષ તરફથી નોંધાવાયેલી ફરિયાદ અનુસાર અકાયદ ઉલ્લાહે કબૂલ કર્યું છે કે તેઓ આ કામ ઇસ્લામિક સ્ટેટ માટે કરી રહ્યા હતા.

તેમણે એવું પણ કબૂલ કર્યું છે કે આ હુમલો ઇસ્લામિક સ્ટેટ પર અમેરિકી હવાઈ હુમલાના કારણે કર્યો છે.

ન્યૂ યોર્ક સ્થિત તેમનાં ઘરમાં તપાસ ચાલુ છે. પોલીસ માને છે કે અકાયદ ઉલ્લાહે એકલા હાથે જ આ હુમલો કર્યો છે.

તેઓ વર્ષ 2011માં ફૅમિલી વિઝા પર બાંગ્લાદેશથી અમેરિકા આવ્યા હતા.


પત્નીની પૂછપરછ

Image copyright EPA
ફોટો લાઈન હુમલાખોરની પત્ની અને સંબંધીઓની પૂછપરછ થઈ રહી છે

બાંગ્લાદેશની સરકારનું કહેવું છે કે તેમનો કોઈ ક્રિમિનલ રિકૉર્ડ નથી.

તેઓ છેલ્લી વખત આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં બાંગ્લાદેશ ગયા હતા અને લગભગ છ અઠવાડીયા સુધી ત્યાં રોકાયા હતા.

અકાયદના પત્ની તેમની સાથે અમેરિકા ગયાં ન હતાં.

અકાયદ ઉલ્લાહ કટ્ટરપંથ તરફ કેવી રીતે આગળ વધ્યા અને હુમલો કરવા કેમ પ્રેરાયા તે અંગે જાણવા માટે તેમની પત્ની અને અન્ય સંબંધીઓની પૂછપરછ થઈ રહી છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હુમલા અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું, "આ હુમલો અમેરિકાના નાગરિકોને સુરક્ષા આપવા માટે કાયદાકીય સુધારા લાવવાની જરૂરિયાતને દર્શાવે છે."

તેમણે ટ્વિટર પર લખ્યું, "અમેરિકાએ પોતાની શિથિલ અપ્રવાસી પ્રણાલીને દુરસ્ત કરવી પડશે જેના કારણે ઘણા ખતરનાક લોકો આપણા દેશમાં પ્રવેશ મેળવી લે છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો