ડોનાલ્ડ ટ્રમ્પને ઝટકો આપનાર નવનિર્વાચિત સેનેટર કોણ છે?

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટીના ડગ જોન્સ Image copyright Getty Images
ફોટો લાઈન અલબામા રાજ્યની સેનેટ ચૂંટણીમાં ડેમોક્રેટીક પાર્ટીના ડગ જોન્સે રિપબ્લિકન ઉમેદવારને હાર આપી છે

અમેરિકાના અલબામા રાજ્યની સેનેટ ચૂંટણીમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને જોરદાર ઝટકો લાગ્યો છે.

આ ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ડગ જોન્સે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર રોય મૂરને હરાવ્યા છે.

અમેરિકાના એટર્ની જનરલ જેફ સેશન્શનો કાર્યકાળ પૂરો થતાં આ બેઠક માટે ચૂંટણી યોજવામાં આવી હતી.

રોય મૂર પર ટીનેજર છોકરીઓની જાતીય સતામણી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જોકે, તેમણે આરોપને નકારી કાઢ્યો હતો.

રોય મૂર પર આરોપ હોવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પે તેમની ઉમેદવારીને ટેકો આપ્યો હતો.

ચૂંટણીના પરિણામ બાદ કરેલા ટ્વીટમાં ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે ''આ અંત નથી. રિપબ્લિકન પાર્ટીને ટૂંક સમયમાં જ બીજી તક મળશે.''

ઉગ્ર મિજાજના રોય મૂરને સુપ્રીમ કોર્ટમાંથી બે વખત હટાવવામાં આવ્યા છે. તેઓ સમલૈંગિક પ્રવૃત્તિઓને ગેરકાયદે જાહેર કરવાની તરફેણ કરતા રહ્યા છે.

તમને આ પણ વાંચવું ગમશે


કોણ છે નવા વિજેતા?

Image copyright Reuters
ફોટો લાઈન વિજેતા બન્યા બાદ ડગ જોન્સે જણાવ્યું હતું કે આખી લડાઈ સન્માન અને મર્યાદા માટે લડવામાં આવી હતી

63 વર્ષના ડગ જોન્સ ભૂતપૂર્વ વકીલ છે. તેમણે અલબામા યુનિવર્સિટીમાં રાજનીતિ શાસ્ત્રનો અભ્યાસ કર્યો છે.

1963માં બર્મિંઘમના ચર્ચ પર કરવામાં આવેલા બોમ્બ બ્લાસ્ટ કેસમાં કુખ્યાત કૂ ક્લક્સ ક્લેન ટોળકીના બે સભ્યોને તેમણે સજા કરાવી હતી.

એ ઘટનામાં ચાર છોકરીઓ મૃત્યુ પામી હતી. કૂ ક્લક્સ ક્લેન વંશવાદી વિચારધારાને અનુસરે છે.

વિજેતા બન્યા બાદ ડગ જોન્સે જણાવ્યું હતું કે આખી લડાઈ સન્માન અને મર્યાદા માટે લડવામાં આવી હતી.

1997માં તત્કાલીન પ્રમુખ બિલ ક્લિન્ટને ડગ જોન્સને એટર્ની બનાવ્યા ત્યારે તેઓ સમાચારમાં ચમક્યા હતા.

ડગ જોન્સ ગત ઓગસ્ટમાં સાત અન્ય દાવેદારોને પાછળ છોડીને ડેમોક્રેટિક પ્રાઇમરી જીત્યા હતા અને સેનેટ માટે લાયક ઉમેદવાર બન્યા હતા.

ડગ જોન્સ અમેરિકાના ભૂતપૂર્વ ઉપપ્રમુખ જોય બિડેનના નજીકના સાથી ગણાય છે.

આ ચૂંટણીમાં ડગ જોન્સના પ્રચાર માટે જોય બિડેન આવ્યા હતા.

જોય બિડેને કહ્યું હતું, ''મેં જૂજ લોકો માટે પ્રચાર કર્યો છે અને ડગ જોન્સ એ જૂજ પૈકીના એક છે. તેમની ઈમાનદારી અને હિંમત બેમિસાલ છે.''


સેનેટની ચૂંટણીનું મહત્વ

Image copyright Getty Images
ફોટો લાઈન રિપબ્લિકન પાર્ટીના રોય મૂર પર છોકરીઓની જાતિયા સતામણીના આરોપ હતા

અમેરિકાના રાજકારણમાં સેનેટની ચૂંટણી ઘણી મહત્વની હોય છે.

અમેરિકાનાં કુલ 50 રાજ્યોમાં સેનેટની માત્ર 100 બેઠકો છે.

સેનેટરની ચૂંટણી રાજ્યના જનપ્રતિનિધિઓ કરતા હોય છે. સેનેટરનો કાર્યકાળ છ વર્ષનો હોય છે.

ડગ જોન્સની જીત સાથે સેનેટમાં રિપબ્લિકન અને ડેમોક્રેટિક પાર્ટીના સભ્યોનું પ્રમાણ 51 અને 49નું થઈ ગયું છે.

સેનેટમાં રિપબ્લિકન પાર્ટીના સભ્યોની સંખ્યામાં વધુ ઘટાડો થશે તો ડોનાલ્ડ ટ્રમ્પને કાયદાઓ પસાર કરાવવામાં ભારે મહેનત કરવી પડશે.

સેનેટની રચના એવી રીતે કરવામાં આવી છે કે દર બે વર્ષે એક તૃતિયાંશ બેઠકો ખાલી થાય છે અને એ બેઠકો માટે ચૂંટણી યોજવામાં આવે છે.

વર્તમાન સેનેટની 33 બેઠકો માટે આગામી વર્ષે ચૂંટણી યોજવામાં આવશે.

ઉપલા ગૃહમાં રિપબ્લિકન પાર્ટીનો દબદબો જાળવી રાખવાના પ્રયાસ ડોનાલ્ડ ટ્રમ્પ કરશે.

અલબામાની સેનેટ બેઠક પર રિપબ્લિકન પાર્ટીના ઉમેદવારને હરાવીને વિજેતા બન્યા હોય તેવા ડેમોક્રેટિક પાર્ટીના છેલ્લા 25 વર્ષમાંના પહેલા ઉમેદવાર ડગ જોન્સ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો