1972 બાદ કોઈ ચંદ્ર પર કેમ નથી ગયું?

ચંદ્ર મિશન પર અંતરિક્ષ યાત્રી Image copyright Getty Images
ફોટો લાઈન અડધી સદી બાદ અમેરિકાએ એલાન કર્યું છે કે તેઓ ચંદ્ર મિશન પર મનુષ્યને મોકલશે

'માનવતા માટે આ એક નાનું પગલું , સમગ્ર મનુષ્ય જાતિ માટે એક મોટી છલાંગ સાબિત થશે.' આ શબ્દો હતા ચંદ્ર પર પહેલી વખત પગ મૂકવા વાળા વ્યક્તિના.

21 જૂલાઈ 1969ની તારીખ હતી અને નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર પગ મૂકીને ઇતિહાસ રચી દીધો હતો.

ત્યારબાદ 1972માં ચંદ્ર પર પહોંચનારા યૂઝીન સેરનન અંતિમ અવકાશયાત્રી હતા, ત્યારથી લઇને અત્યાર સુધી કોઈ વ્યક્તિ ચંદ્ર મિશન પર ગઈ નથી.

લગભગ અડધી સદી બાદ અમેરિકાએ એલાન કર્યું છે કે તેઓ ચંદ્ર મિશન પર મનુષ્યને મોકલશે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ સંબંધિત આદેશ પર સોમવારે હસ્તાક્ષર કર્યા હતા.

પરંતુ સવાલ ઉઠે છે કે અમેરિકા કે અન્ય કોઈ દેશે લગભગ અડધી શતાબ્દી સુધી ચંદ્ર પર કોઈ અવકાશયાત્રીને કેમ નથી મોકલ્યા?

તમને આ પણ વાંચવું ગમશે


બજેટ પર અટકી જાય છે વાત

Image copyright AFP
ફોટો લાઈન 21 જૂલાઈ 1969ના રોજ આર્મસ્ટ્રોંગે પહેલી વખત ચંદ્ર પર પગ મૂકીને ઇતિહાસ સર્જ્યો હતો

ચંદ્ર પર અવકાશયાત્રીને મોકલવાની પ્રક્રિયા મોંઘી અને ખર્ચાળ છે.

લૉસ એન્જ્લસની કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં ખગોળ વિજ્ઞાનના પ્રોફેસર માઇકલ રિચ કહે છે, "ચંદ્ર પર મનુષ્યના મિશનને લૉન્ચ કરવામાં ખૂબ જ ખર્ચ થયો હતો, અને તેનો વૈજ્ઞાનિક ફાયદો પણ ઓછો મળ્યો હતો."

વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર, આ મિશનમાં વૈજ્ઞાનિક મહત્ત્વ ઓછું અને રાજકીય કારણો વધારે હતા. આ મિશન અવકાશ પર નિયંત્રણની હોડમાં લૉન્ચ કરાયું હતું.

વર્ષ 2004માં અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ ડબ્લ્યૂ. જ્યોર્જ બુશે પણ ટ્રમ્પની જેમ મનુષ્ય મિશન મોકલવા પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

તેમાં 1,04,000 મિલિયન એટલે કે આશરે 6,91,886 કરોડ રૂપિયાનું બજેટ તૈયાર કરાયું હતું, પરંતુ ખૂબ જ મોટું બજેટ હોવાને કારણે તે સમયે પણ પ્રોજેક્ટ ડબ્બામાં બંધ થઈ ગયો હતો.

વિશેષજ્ઞોને આ વખતે પણ આવું કંઈ થવાની ચિંતા છે. કેમ કે, ડોનાલ્ડ ટ્રમ્પે આદેશ પર હસ્તાક્ષર કરતા પહેલા સેનેટ સાથે ચર્ચા પણ કરી નહોતી.


ચંદ્ર પર જવામાં રસ વધ્યો

Image copyright EPA
ફોટો લાઈન ડોનાલ્ડ ટ્રમ્પે આદેશ પર હસ્તાક્ષર કરતા પહેલા સેનેટ સાથે ચર્ચા પણ કરી નહોતી

માઇકલ રિચનું કહેવું છે, "આ પ્રકારના મિશનના વૈજ્ઞાનિક ફાયદા ઓછા છે, તેના માટે તેના બજેટ માટે કોંગ્રેસ પાસેથી મંજૂરી મેળવવી ખૂબ મુશ્કેલ છે."

વધુ એક કારણ એ છે કે નાસા વર્ષોથી બીજા મહત્ત્વના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં નાસાએ નવા ઉપગ્રહ, ગુરુ પર શોધ, આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનની કક્ષામાં લૉન્ચ, અન્ય આકાશગંગાઓ અને ગ્રહો પર શોધ કરી છે.

નાસા વર્ષોથી ચંદ્ર પર ફરી એક વખત મનુષ્ય મિશન પર પહોંચવાથી ઘણી નવી જાણકારીઓ મળશે. છેલ્લા કેટલાક વર્ષોમાં ચંદ્ર પર જવામાં રસ વધ્યો છે.


ચંદ્ર પર પહોંચવાની યોજના

Image copyright BLUE ORIGIN
ફોટો લાઈન ચીને વર્ષ 2018 જ્યારે રશિયાએ 2031 સુધી ચંદ્ર પર પહોંચવાની યોજના બનાવી છે

અમેરિકામાં સરકારી અને ખાનગી ક્ષેત્રે અગાઉ પણ પ્રયાસ કરવામાં આવ્યા છે.

તેમાં ચંદ્ર પર જવાની ઘોષણા કરવામાં આવી અને ચંદ્ર પર માનવ રહેણાંક બનાવવા જેવી મહત્ત્વકાંક્ષી યોજનાઓ પણ રજૂ કરાઈ હતી.

આ યોજનાઓ ઓછી ખર્ચાળ ટેકનિક અને સ્પેસક્રાફ્ટ નિર્માણ પર આધારિત છે. ચીને વર્ષ 2018, જ્યારે રશિયાએ 2031 સુધી ચંદ્ર પર પહોંચવાની યોજના બનાવી છે.

બીજી બાજુ, ઘણી પ્રાઇવેટ કંપનીઓએ સ્પેસ બિઝનેસ મૉડેલ લાવવાની વાત પણ કરી છે. તેમાં ચંદ્ર પર ખનિજનું ખનન કરીને લાવવામાં આવેલા પથ્થરોને કિંમતી ડાયમન્ડની જેમ વેંચવા યોજના બનાવાઈ છે.

અમેરિકા અંતરિક્ષની આ રેસમાં ક્યાંય પાછળ રહેવા નથી માગતું. નાસાની યોજના માટે આ વખતે બનાવાયેલું બજેટ સામાન્ય બજેટનું એક ટકા જેટલું છે.

આ તરફ જૂના અંતરિક્ષ કાર્યક્રમો માટે એ પાંચ ટકા હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો