સલમા હાયેકે કહ્યું, 'ન્યૂડ સીન ન આપ્યો એટલે ફિલ્મ બંધ'

સલમા હાયેક

પ્રખ્યાત અભિનેત્રી સલમા હાયેકે હૉલિવુડ નિર્માતા નિર્દેશક હાર્વી વાઇનસ્ટીન પર આરોપ લગાવ્યા છે.

તેમણે કહ્યું છે કે હાર્વીએ શારીરિક શોષણ કરી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

ન્યૂયોર્ક ટાઇમ્સમાં હાયેકે લખ્યું છે કે વાઇનસ્ટીને એક વખત તેમને કહ્યું હતું, "હું તને મારી નાખીશ, એવું ન વિચારીશ કે હું એવું નહીં કરી શકું."

વાઇનસ્ટીનના પ્રવક્તાએ સલામા હાયેકના આરોપો નકાર્યા છે.

રોઝ મૈકગોવન, એન્જલીના જોલી અને ગ્વીનેથ પાલ્ત્રો સહિતની અનેક હૉલિવુડ અભિનેત્રીઓએ વાઇનસ્ટીન પર શારીરિક શોષણના આરોપ લગાવ્યા છે.

જોકે, હાર્વી વાઇનસ્ટીન સંમતિ વગર સેક્સના આરોપોને નકારી ચૂક્યા છે.

તમને આ પણ વાંચવું ગમશે

'ના કહેવાનો વારો મારો હતો'

51 વર્ષીય અભિનેત્રી સલમા હાયેક મૂળ મેક્સિકોનાં છે. તેમણે લખ્યું છે કે વાઇનસ્ટીન સાથે કામ કરવું તેમનું સૌથી મોટું સપનું હતું.

તેમણે વધુમાં લખ્યું છે કે વાઇનસ્ટીન સાથે ફિલ્મ 'ફ્રિડા'ના અધિકારો માટે થયેલી સમજૂતિઓ બાદ 'ના કહેવાનો મારો વારો હતો.'

તેમણે લખ્યું, મેં ના કહેવાની શરૂઆત કરી-

"મારી સાથે નહાવાની ના પાડી."

"નહાતા સમયે મને જોવાની ના પાડી."

"મને માલિશ કરવા દેવાની ના પાડી."

"તેમનાં કોઈ નિર્વસ્ત્ર મિત્રને મને માલિશ કરવા પરવાનગી આપવાની ના પાડી."

"ઓરલ સેક્સને ના કહી."

"બીજી કોઈ મહિલા સાથે નિર્વસ્ત્ર થવાની ના કહી."

ન્યૂડ સીન માટે ધમકી

તેમણે આરોપમાં એવું પણ કહ્યું છે કે વાઇનસ્ટીને એક વખત ધમકી આપી હતી કે જો તેઓ અન્ય એક અભિનેત્રી સાથે ન્યૂડ સીન નહીં આપે તો તેઓ ફિલ્મ બંધ કરી દેશે.

ફિલ્મના એક સીનનાં શૂટિંગ દરમિયાન ભાવનાત્મક ઉથલપાથલનો કિસ્સો શેર કરતા તેમણે લખ્યું છે કે હું રડી ના પડું એ માટે મારે દવા લેવી પડી હતી.

તેનાથી મેં મારી ભાવનાઓને નિયંત્રિત કરી પરંતુ મને ખૂબ ઉલટીઓ થઈ હતી. તેઓ કહે છે આ સીન બિનજરૂરી હતો.

સલમા હાયેક લખે છે કે તમે કલ્પના કરી શકો છો, એ કામૂક ન હતું. પણ એ જ રસ્તો હતો જેનાંથી હું એ સીન માટે શૂટિંગ કરી શકતી હતી."

જોકે, વાઇનસ્ટીનના પ્રવક્તાએ સલમાના આરોપો નકારતા જણાવ્યું કે વાઇનસ્ટીને આ સેક્સ સીન માટે સલમા પર કોઈ દબાણ નહોતું કર્યું. સીનના શૂટિંગ વખતે તેઓ ત્યાં હાજર પણ ન હતા.

ઉપરાંત સલમાએ કરેલા શારિરીક શોષણના આરોપો પણ તેમણે નકાર્યા હતા.

સલમા હાયેકને બેસ્ટ એક્ટ્રેસ સહિત 'ફ્રીડા' ફિલ્મને ઑસ્કરની 6 શ્રેણીમાં નામાંકન મળ્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો