શું છે વાસ્તવિકતા? ગુજરાતનો વિકાસ માત્ર નરેન્દ્ર મોદીને આભારી?

રિવરફ્રન્ટ પર મોદી Image copyright Getty Images

દાવો: ગુજરાત એટલે વિકાસ અને વિકાસ એટલે ગુજરાત. વિકાસ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આર્થિક નીતિઓનાં કારણે છે.

રિઍલિટી ચેક: જ્યારે મોદી મુખ્યમંત્રી હતા, ત્યારે ગુજરાતનો આર્થિક વિકાસ વધ્યો હતો.

જોકે, એ સ્પષ્ટ નથી કે આ બધું તેમની નીતિઓને કારણે છે. માનવ વિકાસની વાતમાં ગુજરાત અન્ય રાજ્યોથી પાછળ છે.

"વિકાસ," જેનો અર્થ વૃદ્ધિ થાય છે. આ શબ્દ આખા ભારતમાં આજકાલ ખૂબ સંભળાય છે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ મતદાતાઓને આ શબ્દ વારંવાર યાદ કરાવ્યો છે.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વર્ષ 2001 થી 2014 સુધી ગુજરાતના મુખ્યમંત્રી હતા.

તમને આ પણ વાંચવું ગમશે

વડાપ્રધાન બનતા પહેલાં લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ ગુજરાતને વિકાસ મૉડલ તરીકે ગણાવ્યું હતું.

ગુજરાતના વિકાસ માટે તેમણે પોતાની આર્થિક નીતિઓ - એટલે કે 'મોદીનોમિક્સ'ને જવાબદાર ગણાવ્યું હતું.

ગુજરાતી મતદારોને તાજેતરમાં લખેલા એક પત્રમાં મોદીએ લખ્યું હતું, "ગુજરાતમાં કોઈ ક્ષેત્ર નથી, જ્યાં વિકાસ ગતિશીલ નથી."

શું ખરેખર ગુજરાત ભારતના વિકસિત રાજ્યોમાંનું એક છે? ગુજરાતના વિકાસનો શ્રેય ખરેખર નરેન્દ્ર મોદીને આભારી છે?


'મોદીનોમિક્સ'

Image copyright Empics

મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાતે રસ્તા, વીજળી અને પાણી મામલે પ્રગતિ કરી છે.

ગ્રામ્ય વિકાસ મંત્રાલયના જણાવ્યા અનુસાર રાજ્યએ વર્ષ 2000 થી 2012ની વચ્ચે 3000 જેટલા ગ્રામીણ માર્ગોના પ્રોજેક્ટ્સ પૂરા કર્યા હતા.

ગુજરાતમાં દર વ્યક્તિ દીઠ વીજળીની ઉપલબ્ધતા 2004-05 અને 2013-14 વચ્ચે 41% વધી છે.

મોદીના આ જ સમયગાળા દરમિયાન ગુજરાતમાં ખાસ કંપનીઓ ફોર્ડ, સુઝુકી અને ટાટાનેનો મોટા પ્લાન્ટ સ્થપાયા.

હવે ગુજરાતની આર્થિક સફળતા પર એક નજર કરીએ.

વર્ષ 2000 અને 2010ની વચ્ચે ગુજરાતનું કુલ રાજ્ય ઘરેલું ઉત્પાદનમાં (જીએસડીપી) 9.8%નો વધારો થયો હતો.

જે ગ્રોથ આખા ભારત માટે 7.7% હતો. રેટિંગ એજન્સી ક્રિસિલના વિશ્લેષણ મુજબ, તાજેતરનાં વર્ષોમાં ગુજરાતનાં મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરમાં ભારે વૃદ્ધિ થઈ છે.

ક્રિસીલના ચીફ ઇકોનોમિસ્ટ ધર્મકૃતિ જોશી કહે છે કે મોદીના "બિઝનેસ ફ્રેન્ડલી" અભિગમના કારણે આ વૃદ્ધી થઈ છે.

તેમણે આગળ ઉમેર્યું, "મોદીએ રોકાણ માટે સારું વાતાવરણ ઊભું કરીને રાજ્યને મદદ કરી છે. ગુજરાતમાં ઉત્પાદનની વૃદ્ધિ એ સારી નિશાની છે. "


વેપાર વારસો

Image copyright AFP

પરંતુ ઓક્સફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. નિકિતા સુદ કહે છે કે મોદી ગુજરાતની સમૃદ્ધિ માટેના સંપૂર્ણ શ્રેયનો દાવો ના કરી શકે. તેઓ કહે છે કે ગુજરાત પહેલેથી જ "સમૃદ્ધ અને સ્થિર" રાજ્ય તરીકે જાણીતું છે.

ઐતિહાસિક રીતે પશ્ચિમ ભારતમાં આવેલું ગુજરાત દેશનાં ઔદ્યોગિક રાજ્યોમાંનું એક છે.

ડૉ. સુદ કહે છે: "ગુજરાતનો મજબૂત આર્થિક પાયો તેના વેપારનો ઇતિહાસ છે. આ વેપાર વારસામાં ગુજરાતીઓને મળ્યો છે. મોદીએ આ વારસાનો નાશ ના કર્યો એ જ તેમનો ફાળો છે."


ગુજરાત પહેલેથી જ સમૃદ્ધ

Image copyright AFP

મોદીનાં નેતૃત્વમાં ગુજરાતનો વિકાસ થયો છે. આમ છતાં પણ રાજ્ય આ પહેલાં સમૃદ્ધ જ હતું. સવાલ એ છે કે તેમની નીતિઓએ વિકાસ વધાર્યો કે નહીં?

ગુજરાતના વિકાસને સ્પષ્ટપણે સાબિત કરવા માટે દર્શાવવું પડશે કે ગુજરાત અને સમગ્ર ભારતના વૃદ્ધિ દર વચ્ચેનો તફાવત વર્ષ 2001 થી 2014 વચ્ચે વધ્યો છે કે નહીં.

લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સના પ્રોફેસર મૈત્રેશ ઘટક અને કિંગ્સ કૉલેજ લંડનથી ડૉ. સંચેરી રોયે આ માટે કામ કર્યું.

પ્રોફેસર ઘટકે કહ્યું કે પુરાવા એવું સૂચવતા નથી કે ગુજરાતના આર્થિક વિકાસ પર મોદીનો નિર્ણાયક પ્રભાવ હતો.

તેઓ ઉમેરે છે, "મોદીનાં શાસન હેઠળ ગુજરાતમાં કૃષિ વિકાસ દર 'પૂર્વ મોદી' યુગની સરખામણીમાં વધ્યો હતો, પરંતુ તેને આખા રાજ્ય માટે ગણવો યોગ્ય નથી."


વિકાસ ગાંડો થયો છે

Image copyright AFP

વિધાનસભા ચૂંટણી પહેલાં એક નવું સૂત્ર મેદાનમાં આવ્યું હતું "વિકાસ ગાંડો થયો છે".

આ જ કારણ છે કે જ્યારે માનવ વિકાસની બાબતમાં ગુજરાત અન્ય રાજ્યોની પાછળ છે.

જેમાં અસમાનતા, શિક્ષણ અને આરોગ્ય જેવાં પગલાંનો સમાવેશ થાય છે.

નવજાત બાળકોનાં મૃત્યુદરમાં ભારતનાં 29 રાજ્યોમાં ગુજરાતનો 17મો ક્રમ છે.

ગુજરાતમા જન્મ સમયે દર હજાર બાળકે 33 બાળકો મૃત્યુ પામે છે.

જેની સરખામણીમાં કેરળમાં 12, મહારાષ્ટ્રમાં 21 અને પંજાબમાં 23 બાળકોનાં મૃત્યુ થાય છે.

ઉપરાંત માતૃત્વ મૃત્યુ દરમાં પણ વધારો થયો છે.

2013-14માં બાળકને જન્મ આપતી વખતે દર લાખે 72 મહિલાઓનાં મૃત્યુ થતાં હતાં. આ સંખ્યા 2015-16માં વધીને 85 થઈ છે.


Image copyright Getty Images

ગુજરાતમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરનાં 10માંથી લગભગ પાંચ બાળકો ઓછાં વજનવાળાં હોય છે.

તેમાં એક દાયકાથી ઘટાડો નોંધાયો છે, પરંતુ સરકારી આંકડાઓમાં 29 રાજ્યોમાંથી ગુજરાત 25માં સ્થાને છે.

પ્રોફેસર ઘટક કહે છે કે ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ દરેક વ્યક્તિ સુધી નથી પહોંચી રહ્યો.

તેઓ આગળ કહે છે, "વિકાસ એવો હોવો જોઈએ જે લોકો માટે રોજગારના વિકલ્પો ઊભા કરે.

"તેમને વેતન અપાવે અને ગરીબો માટે તકો ઊભી કરે. આ બધુ થશે ત્યારે જ વ્યાપક અર્થમાં વિકાસ થયો કહેવાશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો