પ્રેસ રિવ્યૂ : 'સરદાર સ્ટેડિયમમાં શપથ માટે ભાજપનું આયોજન'

માધુરી ગુપ્તાની તસવીર Image copyright STRDEL
ફોટો લાઈન માધુરી ગુપ્તા પર વર્ષ 2010માં પાકિસ્તાન માટે જાસૂસીના આરોપ લાગેલા

અંગ્રેજી અખબાર 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ પ્રમાણે, પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ ખાતે કાર્યરત ત્રણ કર્મચારીઓને હની ટ્રેપમાં (માહિતી કઢાવવા માટે મહિલાઓનો ઉપયોગ) ફસાવવાનો પ્રયાસ થયો હતો.

જોકે, ઉચ્ચ અધિકારીઓને અણસાર આવી ગયા હતા અને કોઈ મહત્વપૂર્ણ દસ્તાવેજ આઈએસઆઈ સુધી પહોંચ્યા ન હતા.

ત્રણેય કર્મચારીઓને પાકિસ્તાનથી પરત બોલાવી લેવામાં આવ્યા છે. ભારતમાં તેઓ ગુપ્તચર એજન્સીઓને તપાસમાં સહકાર આપી રહ્યા છે.

પ્રાથમિક તપાસમાં કર્મચારીઓએ કાંઈ ખોટું કર્યું હોવાનું તપાસનીશ સંસ્થાઓને જણાયું નથી. આ કર્મચારીઓને પાકિસ્તાનમાં મહત્ત્વપૂર્ણ દસ્તાવેજોનો અનુવાદ કરવાનું કામ સોંપાયું હતું.

તમને આ પણ વાંચવું ગમશે


'સરદાર સ્ટેડિયમમાં ભાજપનો શપથ સમારોહ'

Image copyright Getty Images
ફોટો લાઈન 2012માં મોદીએ પણ સરદાર સ્ટેડિયમ ખાતે શપથ લીધા'તા

'ગુજરાત સમાચાર' ના અહેવાલ પ્રમાણે, રાજ્યમાં કયા પક્ષની સરકાર બનશે તેનું ચિત્ર સોમવાર બપોર પછી સ્પષ્ટ થશે. એ પૂર્વે જ ભાજપ અને કોંગ્રેસે શપથવિધિની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

ભાજપે અમદાવાદના નવરંગપુરાના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે 25મી ડિસેમ્બરે ભવ્ય શપથ સમારોહ યોજવાનું આયોજન હાથ ધર્યું છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેશે.

25મીએ ભાજપના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો જન્મદિવસ છે. આ અંગે ભાજપના નેતાઓએ ઔપચારિક રીતે મૌન સેવ્યું છે.

આ અહેવાલમાં આગળ જણાવવામાં આવ્યું છે કે, કોંગ્રેસે પણ શપથ સમારોહની તૈયારીઓ હાથ ધરી છે. જોકે, તેનું સ્થળ નક્કી કરવામાં નથી આવ્યું. આ કાર્યક્રમમાં રાહુલ ગાંધી હાજર રહેશે.

બંને પક્ષોના ટોચના નેતાઓએ કયા ધારાસભ્યને કયું ખાતું સોંપવું, તે હેતુસર મંત્રીમંડળનું ગઠન પણ કરી લીધું છે, એમ પણ અહેવાલ ઉમેરે છે. જેની ઉપર 18મી ડિસેમ્બર બાદ હાઈકમાન્ડ સાથે બેસી અંતિમ નિર્ણય લેવામાં આવશે.


શિવ સાથે રાહુલની તસવીર

Image copyright Getty Images

'ગુજરાત સમાચાર' ના અન્ય એક અહેવાલ પ્રમાણે, શનિવારે રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ તરીકે કમાન સંભાળી હતી. જેના પગલે દેશભરમાં કોંગ્રેસ કાર્યાલયો ખાતે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

ઉત્તર પ્રદેશના અલ્લાહબાદ ખાતે પણ કોંગ્રેસી કાર્યકરોએ ઉજવણી કરી હતી. જેમાં એક પોસ્ટરે લોકોનું વિશેષ ધ્યાન ખેંચ્યું હતું. આ પોસ્ટરમાં રાહુલ ગાંધીને 'પંડિત' તરીકે સંબોધિત કરવામાં આવ્યા હતા.

અહેવાલમાં આગળ જણાવાયું છે, શિવ સાથે રાહુલ ગાંધીની તસવીર હતી. ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેઓ અને તેમનો પરિવાર 'શિવભક્ત' છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ જવાહરલાલ નહેરુને 'પંડિત' તરીકે સંબોધિત કરવામાં આવતા હતા.

ગુજરાતી અખબાર 'સંદેશ'ના અહેવાલ પ્રમાણે, વરિષ્ઠ કોંગ્રેસી નેતા વીરપ્પા મોઇલીએ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધીને દેશભરના કોંગ્રેસીઓના 'માતા' જણાવ્યા હતા અને પાર્ટી માટે માતાની ભૂમિકા ભજવતા રહેવા અરજ કરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા