પાકિસ્તાનમાં ચર્ચ પર હુમલામાં આઠના મૃત્યુ, 20 કરતાં વધુ ઘાયલ

ચર્ચ બહારની તસવીર Image copyright AFP
ફોટો લાઈન ક્વેટામાં આવેલા ચર્ચમાં રવિવારની પ્રાર્થનાસભા દરમિયાન હુમલો થયો હતો

પાકિસ્તાનમાં એક ચર્ચ પર કેટલાક બંદૂકધારીઓએ હુમલો કર્યો હતો, જેમાં આઠ લોકોના મૃત્યુ થયાં હતાં, જ્યારે લગભગ 20થી વધુ લોકો ઘાયલ થયા છે.

સમાચાર એજન્સી AFPએ પોલીસ અધિકારી અબ્દુલ રઝાક ચીમા પાસેથી મળેલી માહિતી અનુસાર આ જાણકારી આપી છે.

હુમલાનો ભોગ બનેલું ચર્ચ અફઘાનિસ્તાનની સરહદથી 65 કિલોમીટરનાં અંતરે આવેલું છે.

ક્વેટામાં આવેલા ચર્ચમાં રવિવારની પ્રાર્થનાસભા દરમિયાન હુમલો કરવામાં આવ્યો હતો.

પ્રાંતના ગૃહપ્રધાન સરફરાઝ બુગ્તીના કહેવા પ્રમાણે, જ્યારે ચર્ચમાં પ્રાર્થનાસભા ચાલી રહી હતી ત્યારે ખ્રિસ્તીઓ પર કેટલાક હથિયારધારી શખ્સોએ ગોળીબાર કર્યો હતો.

બુગ્તીએ ટ્વિટર પર જાણકારી આપી છે કે બે હુમલાખોરોને ચર્ચના પ્રવેશદ્વાર પર રોકી દેવાયા હતા.

જો તેઓ અંદર પ્રવેશ મેળવવામાં સફળ થઈ જતા, તો મૃતકોની સંખ્યા વધી ગઈ હોત.

તમને આ પણ વાંચવું ગમશે

આત્મઘાતી હુમલો

Image copyright Reuters
ફોટો લાઈન હુમલો થયો તે સમયે ચર્ચમાં લગભગ 400 જેટલા લોકો હાજર હતા

રવિવારની પ્રાર્થનાસભા દરમિયાન થયેલા હુમલાના સમયે મોટી સંખ્યામાં લોકો ચર્ચમાં હાજર હતા.

બલૂચિસ્તાનના પોલીસ મહાનિરીક્ષક જાહ અંસારીના જણાવ્યા અનુસાર લગભગ બે આત્મઘાતી હુમલાખોરોએ ચર્ચને નિશાન બનાવ્યું હતું.

તેમણે મીડિયાને જાણકારી આપી છે કે જે સમયે હુમલો થયો, તે સમયે ચર્ચમાં 400 કરતા વધારે લોકો હાજર હતા.

તેમણે જણાવ્યું કે જે લોકોનાં મૃત્યુ થયા છે અને જે લોકો ઘાયલ થયા છે, તેઓ ચર્ચના દરવાજા પાસે હાજર હતા.

ગોળીબાર બાદ ધડાકાનો અવાજ આવ્યો હતો. તેથી આ હુમલો આત્મઘાતી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હોસ્પિટલમાં ઘાયલોને સારવાર આપવામાં આવી રહી છે.

આ વિસ્તારમાં આત્મઘાતી હુમલાઓ સામાન્ય બાબત છે.

હાઝરા શિયા સમુદાયના લોકોને નિશાન બનાવીને છાશવારે આત્મઘાતી હુમલા કરવામાં આવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો