હેરી પૉટર સિરીઝને મળ્યું એક નવું પ્રકરણ પણ કમ્પ્યૂટર પાસેથી

હેરી પૉટરના કેરેક્ટર્સ
ઇમેજ કૅપ્શન,

કમ્પ્યૂટરના માધ્યમથી હેરી પૉટર સિરીઝને એક નવું પ્રકરણ મળ્યું છે

આજે માણસોની રેસ પર મશીનોએ નિયંત્રણ મેળવી લીધું છે. પણ છતાં એવું લાગતું હતું કે કળા અને સાહિત્ય તો હજુ માણસોના હાથમાં જ છે.

જોકે, હવે તો આ વાત પણ ખોટી પડી રહી છે. એક આર્ટીફિશ્યલ ઇન્ટેલિજન્સે તો સાહિત્ય પર પણ કબજો મેળવવાની શરૂઆત કરી દીધી છે.

હેરી પૉટર સિરીઝ ભલે પૂર્ણ થઈ ગઈ પણ હવે તેને એક નવું પ્રકરણ મળ્યું છે.

આ પ્રકરણ કોઈ લેખકે લખ્યું નથી પરંતુ એક કમ્પ્યૂટરે લખ્યું છે.

કમ્પ્યૂટર કેવી રીતે હેરી પૉટરની લાઇન લખે છે તે પણ જાણી લો.

એક લાઇનમાં લખવામાં આવ્યું છે, "તેણે હેરીને જોયો અને તુરંત જ હર્માઇનીના પરિવારને ખાવાનું શરૂ કરી દીધું હતું."

આ લાઇન 'બોટનિક'ની ટીમ દ્વારા તૈયાર કરાઈ હતી, જેમણે આ સાતેય પુસ્તકને પોતાના કમ્પ્યૂટર પ્રોગ્રામમાં ફીડ કરી દીધાં હતાં.

આ સ્ટોરી હેરી પૉટરના પ્રશંસકો વચ્ચે ચર્ચાનો વિષય બની છે.

બોટનિકનાં ટ્વીટને 80 હજાર લાઇક્સ મળ્યા છે.

પ્રશંસકો પુસ્તકની લાઇનો પણ શેર કરી રહ્યા છે.

જેમ કે, "હેરીએ તેના માથામાંથી તેની આંખો ફાડી નાખી અને તેને જંગલમાં ફેંકી દીધી."

કમ્પ્યૂટર દ્વારા કરવામાં આવેલા આ લેખન અંગે હેરી પૉટરનાં લેખક જે. કે. રોલિંગે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.

આ વાર્તા એકદમ સંવેદનશીલ રીતે શરૂ થાય છે. પરંતુ ધીરે ધીરે સ્ટોરી અર્થહીન થતી જાય છે.

ઇમેજ કૅપ્શન,

હેરી પૉટરના લેખક જે. કે. રોલિંગને બ્રિટનના શાહી પરિવાર તરફથી સન્માન મળ્યું હતું

'બોટનિક' પોતાને લેખકો, કલાકારો અને ડેવેલોપર્સની કૉમ્યુનિટી બતાવે છે. તેઓ મશીનનો ઉપયોગ કરી ભાષાનું રૂપાંતર કરે છે.

તેમની વેબસાઇટ પર હાજર કીબોર્ડના માધ્યમથી લોકો શબ્દોનું જસ્ટીન બીબર, ડ્રેક જેવા પ્રખ્યાત લોકોની સ્ટાઇલમાં રૂપાંતર કરે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો