ચીનના ચક્રવ્યૂહમાં ભારત ફસાઈ રહ્યું છે?

કોલંબોમાં યોજાયેલા લગ્ન સમારંભનું એક દ્રશ્ય Image copyright EPA
ફોટો લાઈન કોલંબોમાં યોજાયેલા લગ્ન સમારંભનું એક દ્રશ્ય

શ્રીલંકાની રાજધાની કોલંબોમાં 17 ડિસેમ્બરે યોજવામાં આવેલો એક લગ્ન સમારંભ આખી દુનિયા માટે ઉત્સુકતાનું કારણ બન્યો છે.

ચીની, પશ્ચિમી અને શ્રીલંકાના પરંપરાગત પહેરવેશમાં સજ્જ 50 મહિલાઓ તેમના લગ્ન કરવા માટે ચીનથી કોલંબો આવી હતી.

આ સમારંભમાં ચીની અધિકારીઓ અને શ્રીલંકાના પ્રધાનોએ પણ હાજરી આપી હતી.

શ્રીલંકાના એક પ્રધાન પટાલી રાનાબાકાએ જણાવ્યું હતું કે આ પ્રકારના આયોજનોથી શ્રીલંકા તથા ચીન વચ્ચેનો સાંસ્કૃતિક સંબંધ મજબૂત થશે અને પ્રવાસનને વેગ મળશે.

તમને આ પણ વાંચવું ગમશે


દોસ્તીનો હેતુ?

Image copyright Reuters
ફોટો લાઈન કોલંબોમાં યોજાયેલા લગ્ન સમારંભનું એક દ્રશ્ય

ચીન અને શ્રીલંકા વચ્ચેના રાજદ્વારી સંબંધને સાઠ વર્ષ પુરા થયાં એ નિમિત્તે યોજવામાં આવેલા આ લગ્ન સમારંભનું ટાઈમિંગ એક રીતે મહત્ત્વનું છે.

લગ્ન સમારંભમાં એક સપ્તાહ પહેલાં એટલે કે નવમી ડિસેમ્બરે શ્રીલંકાએ તેનું હંબનટોટા બંદર ચીનને 99 વર્ષના પટ્ટે સોંપ્યું હતું.

વ્યૂહાત્મક દૃષ્ટિએ આ બંદર ઘણું મહત્વનું છે. તેની એક તરફ મધ્ય-પૂર્વ તથા આફ્રિકાનો અને બીજી તરફ દક્ષિણ-પૂર્વ એશિયાનો માર્ગ છે. એ દક્ષિણ એશિયાને પણ જોડે છે.

આ બંદર માટે થયેલા કરારનો શ્રીલંકામાં જોરદાર વિરોધ થયો હતો. તેને કારણે કરારની શરતોમાં ફેરફાર કરવો પડ્યો હતો.

1.3 અબજ ડોલરના ખર્ચે સાત વર્ષ પહેલાં બનેલા આ પોર્ટ માટેના નાણાં ચીને ઉપલબ્ધ કરાવ્યાં હતાં.


ચીનની 'ચેક ડિપ્લોમસી'

Image copyright Reuters
ફોટો લાઈન શ્રીલંકાએ તેનું હંબનબોટા બંદર ચીનને 99 વર્ષના પટ્ટે સોંપ્યું છે

અગાઉના કરાર અનુસાર આ પ્રોજેક્ટમાં ચીનની સરકારી માલિકીની કંપનીનો 80 ટકા હિસ્સો હતો.

નવો મુસદ્દો જુલાઈ, 2017માં તૈયાર કરવામાં આવ્યો હતો. હવે આ પ્રોજેક્ટમાં ચીની કંપનીની કંપનીનો 70 ટકા હિસ્સો છે.

આ સંયુક્ત પ્રોજેક્ટમાં શ્રીલંકાની સરકારી પોર્ટ ઓથોરિટી પણ સામેલ છે.

શ્રીલંકાનું કહેવું છે કે 1.1 અબજ ડોલરના આ કરારથી તેને વિદેશી ઋણ ચૂકવવામાં મદદ મળશે.

બીજી તરફ ચીન આ પ્રોજેક્ટને તેની મહત્વાકાંક્ષી 'વન બેલ્ટ, વન રોડ' યોજના માટે મહત્ત્વનો ગણાવતું રહ્યું છે.

ચીને શ્રીલંકાને ખાતરી આપી છે કે તે હંબનટોટા બંદરનો ઉપયોગ માત્ર વ્યાપારી હેતુસર કરશે.

જોકે, વિશ્લેષકો આ ઘટનાને હિંદ મહાસાગરમાં ચીનનો વધતો દબદબો ગણી રહ્યા છે.

વરિષ્ઠ પત્રકાર સી. રાજામોહને કહ્યું હતું કે ''આપણા પાડોશમાં અને અન્યત્ર જ્યાં-જ્યાં નાના દેશો છે ત્યાં રાજદ્વારી દબદબો વધારવામાં ચીન વ્યસ્ત છે.''

વ્યૂહાત્મક બાબતોના નિષ્ણાત સુશાંત સરીન શ્રીલંકા સાથેના કરારને ચીનની 'ચેક ડિપ્લોમસી' ગણાવે છે.

સુશાંત સરીને કહ્યું હતું કે ''બીજો દેશ કરજમાં ડૂબી જાય એટલા મોટા પ્રમાણમાં તેને લોન આપો. પછી ચીન જે કહેશે તે એ દેશે કરવું પડશે."

"આ છે ચીનની વ્યૂહરચના. આ મુત્સદ્દીગીરી ભારતને નિશાન બનાવવા માટેની નથી. એ ચીનનો વ્યૂહાત્મક દૃષ્ટિકોણ છે.''


માલદીવમાં મુક્ત વ્યાપાર

Image copyright Reuters
ફોટો લાઈન માલદીવના રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ

હિંદ મહાસાગરમાં માત્ર 300 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા 1200 દ્વીપના દેશ માલદીવ સાથેનો ચીનનો સંબંધ પણ ગાઢ બની રહ્યો છે.

ચીન માલદીવમાંથી આયાત વધારી રહ્યું છે. ચીની પ્રવાસીઓને માલદીવ મોકલીને તેનું અર્થતંત્ર બહેતર બનાવવામાં ચીન મદદ કરી રહ્યું છે.

જોકે, ચીન 'મફતમાં' એ મદદ કરી રહ્યું નથી.

હાલ ભારત સાથે કર્ણાટકમાં ચાલી રહેલી આઠમી સંયુક્ત લશ્કરી કવાયત 'એકુવેરિન'ની શરૂઆતના એક સપ્તાહ પહેલાં માલદીવના રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીન બીજિંગમાં હતા.

ચીનના પોતાના પહેલા સત્તાવાર પ્રવાસમાં યામીને બીજિંગ સાથે મુક્ત વ્યાપાર કરાર પર સહીસિક્કા કર્યા હતા.

માલદીવને ભારત સાથે સૌથી જૂનો રાજદ્વારી સંબંધ છે પણ મુક્ત વ્યાપાર કરાર માટે તેણે ચીનને અગ્રક્રમ આપ્યો છે.

આવું શા માટે? એવા સવાલના જવાબમાં સી. રાજામોહને કહ્યું હતું કે ''ચીન સાથેની લેવડદેવડથી પોતાને ફાયદો હોવાનું નાના દેશો સમજી ગયા છે."

"આપણે અમેરિકા અને રશિયા વચ્ચે પહેલાં તટસ્થતાનો જે ખેલ કરતા હતા એ ખેલ આપણાં નાના પાડોશી દેશો કરી રહ્યા છે. આ દોસ્તીની વાત નથી, કૂટનીતિ છે.''


સંતુલન માટે ચીનનો સહારો

Image copyright AFP
ફોટો લાઈન માલદીવના રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ

જોકે, સુશાંત સરીન આ બાબતને માલદીવના આંતરિક રાજકારણ સાથે જોડે છે.

સુશાંત સરીને કહ્યું હતું કે ''યામીન સત્તા પર આવ્યા છે ત્યારથી ચીનને લોભાવવાના પ્રયાસ કરી રહ્યા છે."

"એક એરપોર્ટનો કોન્ટ્રાક્ટ પણ ભારતીય કંપની પાસેથી છીનવી લેવામાં આવ્યો હતો એ આપણે યાદ રાખવું જોઈએ."

"માલદીવે ચીનને એક દ્વીપ પણ આપી દીધો છે. યામીનને પાકિસ્તાન સાથે સાંઠગાંઠ હોવાનું પણ માનવામાં આવે છે."

"તેઓ ભારત વિરુદ્ધ સંતુલન માટે ચીનનો એક હદે ઉપયોગ કરી રહ્યા છે પણ માલદીવે જરૂર પડ્યે ભારત તરફ નજર કરવી જ પડે છે.''

જરૂર પડ્યે માલદીવની મદદ કર્યાનો ભારતનો ઈતિહાસ ઘણો જૂનો છે.

1988માં ભારતીય સેનાએ ઓપરેશન કેક્ટસ હાથ ધરીને તત્કાલીન રાષ્ટ્રપતિ મામૂન અબ્દુલ ગયૂમની સરકારને ઉથલાવવાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો.

એ વખતે રાજીવ ગાંધી ભારતના વડાપ્રધાન હતા.

સી. રાજામોહને કહ્યું હતું કે ''હવે સમય ઘણો બદલાઈ ગયો છે. એ વખતે ચીન માલદીવની નજીક ન હતું."

"માત્ર માલદીવ જ નહીં, ભારતના દરેક પાડોશી દેશમાં આ સમસ્યા છે. અગાઉ માત્ર પાકિસ્તાનમાં મુશ્કેલી હતી.''


ભારતની ચિંતામાં વધારો?

Image copyright PAKISTAN PRESS INFORMATION DEPARTMENT
ફોટો લાઈન 2015માં પાકિસ્તાનની મુલાકાતે ગયેલા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને ઈસ્લામાબાદ એરપોર્ટ પર એક બાળકીએ આવકાર્યા હતા

ચીન સાથે મુક્ત વ્યાપાર કરાર કર્યા હોય તેવો પાકિસ્તાન પછીનો બીજો દેશ માલદીવ છે.

ભારતની આજુબાજુના સમુદ્રમાં ચીનનો પગપેસારો વધી રહ્યો છે.

આ સંબંધે સુશાંત સરીને કહ્યું હતું કે ''પાકિસ્તાનના ગ્વાદરમાં ચીન પોતાનો બેઝ બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે. એવું જ માલદીવમાં થઈ શકે છે. જિબૂટીમાં ચીન પોતાનો બેઝ બનાવી ચૂક્યું છે."

"આ બધું ભારત માટે ચિંતાજનક છે. આ રીતે ચીનનો પ્રભાવ આખા અરબી સમુદ્ર અને હિંદ મહાસાગરમાં વિસ્તરશે.''

માલદીવ અને ચીન વચ્ચેના કરારનું વ્યૂહાત્મક મહત્ત્વ ભારત સમજી ગયું છે. કદાચ એ કારણસર જ ભારતને પહેલો સત્તાવાર પ્રતિભાવ આપવામાં એક સપ્તાહનો સમય લાગી ગયો હતો.

જોકે, માલદીવની સંસદ મજલીસમાં 29 નવેમ્બરે માત્ર 10 મિનિટમાં પસાર કરાવવામાં આવેલા આ ખરડા બાબતે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને વિરોધપક્ષના નેતા મોહમ્મદ નશીદ સવાલ ઉઠાવી રહ્યા છે.


ચારે તરફ ચીનનો દમામ

Image copyright Getty Images
ફોટો લાઈન બ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધાન ડેવિડ કેમરોન બ્રિટન અને ચીન વચ્ચેના એક અબજ ડોલરના ફંડનું નેતૃત્વ કરવાના છે

જોકે, સી. રાજામોહન માને છે કે આ વિરોધનું ખાસ મહત્ત્વ નથી.

તેમણે જણાવ્યું હતું કે ચીનની આર્થિક તથા લશ્કરી તાકાતમાં ઘણો વધારો થયો છે. ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન સુધી તેનો દબદબો છે.

હવે બ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધાન ડેવિડ કેમરોનને પોતાના સલાહકાર બનાવીને ચીન પોતાની મહત્વાકાંક્ષા જાહેર કરી રહ્યું છે.

સી. રાજામોહન કહ્યું હતું કે ''ચીન ડેવિડ કેમરોનને પોતાના સલાહકાર બનાવી શકતું હોય તો માલદીવ કે શ્રીલંકાના રાષ્ટ્રપતિઓ શું ચીજ છે?"

"ચીન યુરોપમાં જઈને સિક્સટીન પ્લસ વન મંત્રણા કરી રહ્યું છે. યુરોપિયન યુનિયનને તોડવાના પ્રયાસ કરી રહ્યું છે."

"મધ્ય એશિયામાં તેનો પ્રભાવ વધી ગયો છે. પનામા નહેરની નીચે નિકારાગુઆમાં એક નહેર બનાવવાની તેની ઈચ્છા છે."

"ચીન વિશ્વનું બીજા ક્રમનું અર્થતંત્ર બની ગયું એટલે માત્ર ભારત વિરુદ્ધ જ નહીં, દરેક જગ્યાએ પોતાનો પ્રભાવ વિસ્તારવાના પ્રયાસ કરી રહ્યું છે.''


સાવધ થયું શ્રીલંકા

Image copyright EPA
ફોટો લાઈન વડાપ્રધાન નરેન્દ્ર મોદી

સવાલ એ છે કે બંગાળની ખાડીમાં ભારત, અમેરિકા અને જાપાનની સંયુક્ત લશ્કરી કવાયત પર ચીન નજર રાખતું હોય તો એ નવી દિલ્હી માટે ચિંતાની વાત નથી?

સુશાંત સરીને કહ્યું હતું કે ''ચીન સબમરીન મારફતે નજર રાખે છે. આવું તો બધા દેશ કરતા હોય છે."

"અલબત, ચીન હિંદ મહાસાગરમાં આવું કરી શકે તો સમગ્ર ક્ષેત્રમાં તેની પહોંચ સ્થાપિત કરી શકે."

"આખી દુનિયામાં વર્ચસ્વ સ્થાપવા માટે ચીન અમેરિકા સામે બાથ ભીડી રહ્યું છે, પણ ભારતની સલામતી પર જોખમ જરૂર સર્જાય છે.''

દલાઈ લામાને ટાંકીને ઘણા વિશ્લેષકો ચીનના મુકાબલે ભારતની વ્યૂહરચનાને સુસ્ત ગણાવે છે.

જોકે, સુશાંત સરીન માને છે કે હંબનટોટા કરાર તેના હિતમાં ન હોવાનું ભારતે શ્રીલંકાને સમજાવ્યું હતું. હવે શ્રીલંકા સંતુલન સાધવાના પ્રયાસ કરી રહ્યું છે.

સુશાંત સરીને કહ્યું હતું કે ''હંબનટોટા બંદરનો કરાર નહીં કરવાની સલાહ ભારતે શ્રીલંકાને આપી હતી, પણ ચીને શ્રીલંકાને કરજની જાળમાં ફસાવી લીધું હતું."

ૅહવે સંતુલન સાધવાના પ્રયાસમાં શ્રીલંકા ત્રિનકોમાલી એરપોર્ટ પ્રોજેક્ટ ભારતને આપી રહ્યું છે.''


ભારતની વ્યૂહરચના શું હોવી જોઈએ?

Image copyright MEAINDIA
ફોટો લાઈન મોંગોલિયાની મુલાકાત વખતે નિશાન તાકી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

ચીની પ્રોજેક્ટ્સનો વિરોધ પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા સાર્કના અન્ય સભ્ય દેશોમાં પણ થઈ રહ્યો છે.

સી. રાજામોહન માને છે કે ભારત કરતાં ત્રણ ગણું સંરક્ષણ બજેટ અને પાંચ ગણી જીડીપી ધરાવતા ચીનનો મુકાબલો યોગ્ય વ્યૂહરચના વડે જ કરી શકાય.

સી. રાજામોહને કહ્યું હતું કે ''પાડોશી દેશો પોતાની અગ્રતા હોવાનું નરેન્દ્ર મોદી સરકારે જણાવ્યું છે, પણ આપણે પાડોશી દેશોના રાજકારણમાં દખલ કરવા માંડીએ છીએ."

"પાડોશી દેશની આંતરિક વાત હોય છે ત્યારે ચીન માટે આપોઆપ જગ્યા બની જાય છે.''

બીજી તરફ સુશાંત સરીન માને છે કે પાડોશી દેશો ભારત પર નિર્ભર છે પણ ભવિષ્યમાં આ પરિસ્થિતિ યથાવત રહે એ માટે પ્રયાસ કરવા જોઈએ.

સુશાંત સરીને કહ્યું હતું કે ભારતના શ્રીલંકા, નેપાળ કે બાંગ્લાદેશ સાથેના સંબંધમાં ચીને તિરાડ પાડી હોય એવું નથી.

સમય જતાં કોઈ બીજું તેમની મજબૂરી બને એ પહેલાં આપણે સંતુલન સાધવાના પ્રયાસ કરવા પડશે.

અલબત, ચીનના આગેકદમને રોકવામાં વિશ્વની બીજી મહાશક્તિઓ વિવશ છે.

આ સંજોગોમાં ભારત પાસે એવી કોઈ વ્યૂહરચના છે જે ચીનની આર્થિક મદદ મેળવવા બેતાબ સાર્ક દેશોના પોતાના દોસ્તોને સાથે રાખી શકે?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ