શું કારણ છે કે પાકિસ્તાનમાં છપાઈ રહ્યાં છે ચીનના છાપાં!

  • ઉપાસના ભટ્ટ
  • બીબીસી મૉનિટરિંગ
પાકિસ્તાની છાપાં અને લોકો

ઇમેજ સ્રોત, Getty Images

પાકિસ્તાનના સમાજ પર ચીનની પકડ ધીરે ધીરે વધી રહી છે અને અહીંના સ્થાનિક મીડિયા-ટેલિવિઝન્, રેડિયો, પ્રિન્ટ, જાહેરાતો અને ફિલ્મોમાં આ વાતની અસર મોટા પાયે જોવા મળી રહી છે.

ચીનની 62 અરબ ડૉલરની 'ચીન-પાકિસ્તાન ઇકૉનૉમિક કૉરિડૉર પરિયોજના' અંતર્ગત ઘણીબધી ચીની કંપનીઓ પાકિસ્તાનના અનેક વિસ્તારોમાં રોડ, વીજળી સંચાલન અને ઇન્ડસ્ટ્રિયલ ઝોન બનાવી રહ્યું છે.

જેથી હાલના દિવસોમાં હજારો ચીનના લોકો પાકિસ્તાન જઈ રહ્યા છે અને બંને દેશો વચ્ચે દોસ્તી વધી રહી છે.

આ કારણે બંને દેશોનો પરસ્પર સંબંધ પારંપરિક દોસ્તીથી એક સ્તર આગળ વધી રહ્યો છે.

તમને આ પણ વાંચવું ગમશે

ચીનાના લોકો પાકિસ્તાન આવવાની સાથે સાથે અહીંના મીડિયામાં ખાસ પ્રકારના સમાચાર છપાવા લાગ્યા છે. જે ખાસ કરીને બન્ને દેશોની દોસ્તી માટેના હોય છે.

ચીનના પાકિસ્તાનમાં વધતા પ્રસારને લઈને સાર્વજનિક રીતે કોઈ તથ્ય સામે નથી આવ્યાં પરંતુ એક મીડિયા રિપોર્ટ અનુસાર પાકિસ્તાનમાં લગભગ ચાર લાખ ચીનાના લોકો રહે છે.

સ્થાનિક મીડિયા તેને 'ચીની ક્રાંતિ' કહે છે જે આખા દેશમાં ફેલાઈ રહી છે.

પાકિસ્તાનમાં ચીની ધારાવાહિક

ઇમેજ સ્રોત, Getty Images

પાકિસ્તાનમાં એક ખાસ ચીની ધારાવાહિક શરૂ કરવામાં આવી છે.

પાકિસ્તાનના સરકારી ટેલિવિઝન પીટીવી પર 'બેઇજિંગ યૂથ' નામની ધારાવાહિક સિરિયલ 4 નવેમ્બરે શરૂ કરવામાં આવી છે.

આ 39 એપિસોડની એક ચીની ધારાવાહિક છે જેને ઉર્દૂમાં ડબ કરવામાં આવી છે. તેને દર અઠવાડિયે શનિવારે પ્રસારિત કરવામાં આવે છે.

આ પ્રકારની ધારાવાહિકનું પ્રસારણ થવું એ પાકિસ્તાનમાં કોઈ પ્રથમ કાર્યક્રમ નથી.

જિયો ન્યૂઝની વેબસાઇટમાં ચીનની 'બેલ્ટ એન્ડ રોડ' પરિયોજના સંબંધિત ડૉક્યુમેન્ટરી અને એનિમેશન સીરિઝ પોસ્ટ કરવામાં આવી છે.

આ બધા કાર્યક્રમ પણ ચીની ભાષામાંથી ઉર્દૂ ભાષામાં ડબિંગ કરીને પ્રસારિત કરવામાં આવે છે.

જાહેરાતો અને ફિલ્મોમાં ચીની ચમક

ઇમેજ સ્રોત, Youtube

ઇમેજ કૅપ્શન,

બેઇજિંગ યૂથનું એક દ્રશ્ય

જાહેરાતોમાં પણ ચીનની અસર જોવા મળી રહી છે.

પાકિસ્તાની મસાલાની એક કંપનીએ પોતાની જાહેરાતમાં એક ચીની દંપતીને દેખાડ્યું છે જે ચીનથી આવીને લાહોરમાં વસી ગયું છે. પાકિસ્તાનના ઘણાં શહેરોમાં આ કંપનીની દુકાનો છે.

આ જાહેરાત બનાવવા પાછળ કંપનીનો ઉદ્દેશ એ છે કે ખોરાક અલગ અલગ સંસ્કૃતિના લોકોને જોડે છે.

આ જાહેરાતમાં અંગ્રેજી અને ઉર્દૂમાં સબ્ટાઈટલ્સ આપવામાં આવ્યા છે.

જાહેરાતમાં જમવાના ટેબલ પર નૂડલ્સ ખાતું ચીની દંપતી એક બીજા સાથે વાત કરી રહ્યું છે. પતિ તેની પત્નીને નવા દોસ્ત બનાવવાનું કહે છે.

એમની પત્ની દુખી થઈને કહે છે 'આપણું તો જમવાનું પણ અલગ છે એટલે દોસ્તી કરવી આસાન નથી.'

એ પછી પત્ની એક દિવસ નક્કી કરે છે કે તે પાકિસ્તાનની લોકપ્રિય વાનગી બિરયાની બનાવશે. આ સાથે જ તે તેના પાડોશીઓનું દિલ જીતી લે છે.

આ વર્ષે જ રિલીઝ થયેલી ફિલ્મ 'ચલે થે સાથ'ની સ્ટોરીમાં પણ ચીન સાથેના સંબંધને દેખાડવામાં આવ્યો હતો.

આ એક પ્રેમકથા હતી જેમાં ચીની યુવક અને પાકિસ્તાની મહિલાની પ્રેમકહાણી દેખાડવામાં આવી હતી.

રેડિયો સેક્ટરમાં પણ અધિકારિક રીતે બંને દેશોની મીડિયાની ભાગીદારીથી પ્રોત્સાહિત કાર્યક્રમો રજૂ કરવામાં આવે છે.

ડિસેમ્બર 2016માં પાકિસ્તાન અને ચીને સાથે મળીને એક રેડિયો ચેનલ 'એફએમ98 દોસ્તી' શરૂ કરી હતી.

જેનું પ્રસારણ કેટલાક કલાક માટે જ હતું પરંતુ હાલમાં 24x7 કરી દેવામાં આવ્યું છે.

એમાં એક કલાકનો એક કાર્યક્રમ ચલાવવામાં આવે છે જેનું નામ છે 'ચીની શીખો'.

ચીની ભાષાનું છાપું

ઇમેજ સ્રોત, Getty Images

ચીની ભાષાનું પાકિસ્તાનમાં પ્રકાશિત થતું પહેલું છાપું છે 'હુઆશાંગ' જેને ઇસ્લામાબાદથી પ્રકાશિત કરવામાં આવે છે.

આ છાપાની અંગ્રેજી આવૃતિ પણ પ્રકાશિત કરવામાં આવે છે.

છાપાના ફેસબુક પેજ અનુસાર હુઆશાંગની શરૂઆત 'ચીન-પાકિસ્તાન ઇકૉનૉમિક કૉરિડૉર પરિયોજના' અંતર્ગત ચીનના બેલ્ડ એન્ડ રોડના જવાબમાં થઈ છે.

જેથી બન્ને દેશો વચ્ચે પરસ્પરના સંબંધો વધારે ઘનિષ્ઠ બનાવી શકાય.

બે વર્ષ પહેલાં શરૂ થયેલાં આ છાપાની લગભગ દસ હજાર નકલો પ્રકાશિત કરવામાં આવી છે. આ છાપાનાં અંદાજે સાઇઠ હજાર વાચકો છે.

હાલમાં આવેલા મીડિયા રિપોર્ટ અનુસાર આ છાપું દેશમાં વધી રહેલા ચીની નાગરિકોને ધ્યાનમાં રાખીને કામ કરે છે.

આ સિવાય પાકિસ્તાની મીડિયામાં પણ ચીનના સમાચારો પ્રકાશિત થાય છે. ઉપરાંત બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોને લગતા લેખ પણ વારંવાર છપાતા રહે છે.

ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં અંગ્રેજી સમાચાર 'ધ ન્યૂઝે' પાકિસ્તાની વાચકો માટે ચીનના સમાચાર આપવા 32 પાનાંની એક પત્રિકા છાપી હતી.

'સાંસ્કૃતિક મતભેદ'

ઇમેજ સ્રોત, BBC Monitoring

ઇમેજ કૅપ્શન,

ધ ન્યૂઝ સમાચાર પત્ર

જોકે, ચીનના વધતા પ્રસાર માટે દરેક જણ આશાવાદી નથી. કેટલાક પાકિસ્તાની મીડિયા ચીની ઉપસ્થિતિના પ્રભાવથી સ્થાનીય પરંપરા અને વ્યવસાયને બચાવવાની વકીલાત કરે છે.

ચીનના વધતા સાંસ્કૃતિક વર્ચસ્વની પાછળ આર્થિક કારણોને ઓળખતા મુખ્ય અંગ્રેજી છાપું 'ડૉન' પૂછ છે કે કેવી રીતે 'મેઇડ ઇન ચાઇના'ના ઉત્પાદન આખા પાકિસ્તાનમાં આટલી સરળતાથી ઉપલબ્ધ થઈ રહ્યાં છે.

એ પણ એવી કિંમતમાં કે જેને દરેક વ્યક્તિ ખરીદી શકે છે.

એ આગળ લખે છે, "આનો જવાબ ચીન અને પાકિસ્તાનની વચ્ચે મુક્ત વેપાર સમજૂતીમાં છે."

રૂઢિવાદી અંગ્રેજી છાપું 'ધ નેશન' તેની એક કૉલમમાં તેને 'સાંસ્કૃતિક ટકરાવ' કહે છે.

એ લખે છે, "સીપીઆઈસી પરિયોજનાથી જે અવસર મળ્યો છે એ નિર્વિવાદ અને સ્પષ્ટ છે."

"પરંતુ શું આપણે એના સામાજિક-સાંસ્કૃતિક પ્રભાવને નજર અંદાજ કરી શકીએ છીએ?"

આ લેખને લખનારી ઝહરા નિયાઝી આગળ લખે છે, "સસ્તા ચીની ઉત્પાદનોનું પૂર' સ્થાનિક બજારોમાં આવ્યું છે અને પાકિસ્તાનના ઘરેલું ઉત્પાદનકર્તા પૂરી રીતે બહાર થઈ શકે છે.

જ્યારે કે પાકિસ્તાની સમાજ પર પડનારા પ્રભાવને સકારાત્મક માની એક છાપું લખે છે, "બે મહાન દેશોનો આ મેળ બન્નેના સમાજ માટે લાભકારી નીવડશે. આ ક્ષેત્રમાં નવી સંસ્કૃતિ વિકસી રહી છે."

ઉર્દૂ છાપું 'ડેલી એક્સપ્રેસ' લખે છે કે ચીની લોકો સ્થાનિક લોકોથી બિલકુલ ભિન્ન છે. પરંતુ તે 'ખીણની ઉપર પુલ' સમાન છે.

છાપામાં આગળ લખ્યું છે કે બંને દેશોએ સિનેમાઘરોમાં એકબીજાની ફિલ્મો દેખાડવી જોઈએ.

ચીન અને પાકિસ્તાનના આધુનિક અને ક્લાસિક સાહિત્યને પુસ્તકાલયોમાં રાખવા જોઈએ. જેથી બંને દેશો એક બીજાને સમજી શકે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો