ફિલિપાઇન્સમાં આવેલા વાવાઝોડાંને કારણે આખું ગામ નકશા પરથી ગાયબ

બચવા માટે જતા લોકો Image copyright AFP

દક્ષિણ ફિલિપાઇન્સમાં આવેલા વાવાઝોડાંને કારણે આશરે 200થી વધુ લોકોનાં મૃત્યુ થયા છે. કેટલાય લોકો લાપતા છે.

80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટેમ્બિન વાવાઝોડું મિન્ડાનાઓ ટાપુ તરફ ત્રાટક્યું હતું.

હાલ અહીં મોટાપ્રમાણમાં રાહતકાર્ય ચાલી રહ્યું છે. વાવાઝોડાંમાં સૌથી વધારે અસર ડાલ્મા નામના એક ગામને થઈ છે.

આ ગામ સંપૂર્ણ રીતે તહસનહસ થઈ ગયું છે. ડાલ્મા નામનું ગામ લગભગ નકશા પરથી અદ્રશ્ય થઈ ગયું છે.

હજી પણ અનેક વિસ્તારોમાં રાહત સામગ્રી પહોંચી શકી નથી.

વાવાઝોડાને કારણે આવેલા પૂર અને જમીન ધસી પડવાની ઘટનાઓમાં હજારો લોકો પ્રભાવિત થયાં છે.

બે ગામ, ટુબોડ અને પિઆગપોને ઘણી અસર થઈ છે. આ શહેરોમાં શિલાઓ પડવાને કારણે ઘણા મકાનો ધરાશાયી થયા છે.

ફિલિપાઇન્સમાં આ પ્રકારનાં તોફાન આવતાં રહે છે. પરંતુ મિન્ડાનાઓ ટાપુ પર આવું ક્યારેક જ બને છે.

Image copyright Getty Images

ફિલિપાઇન્સમાં ટેમ્બિનને વિન્ટા તરીકે ઓળખવામાં આવે છે. શુક્રવારે તોફાનની શરૂઆતથી જ કેટલાક ભાગોમાં ઇમર્જન્સી જાહેર કરવામાં આવી હતી.

ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓએ સ્થાનિક મીડિયાને જણાવ્યા અનુસાર સો થી વધારે લોકોનાં મૃત્યુ થયા છે.

ટુબોડના પોલીસ ઑફિસર ગેરી પેરામીએ AFP ન્યૂઝ એજન્સીને જણાવ્યા અનુસાર તે ગામમાં ઓછામાં ઓછા 19 લોકોનાં મૃત્યુ થયા છે.

તેમણે કહ્યું કે નદીમાં પાણીનું લેવલ વધી ગયું અને મોટાભાગના ગામોનો નાશ થયો.

બીજા એક અધિકારીએ AFPને જણાવ્યા અનુસાર પિઆગાપોના આશરે 10 લોકોનાં મૃત્યુ થયા છે. આ ગામ ટુબોડથી 10 કિલોમીટર પૂર્વમાં છે.

Image copyright AFP

સિબુકો અને સાલુગથી બીજા ઘણાં મૃત્યુના અહેવાલ પ્રાપ્ત થયા છે.

વીજળી અને સંચાર માધ્યમોને અસર પહોંચવાને કારણે બચાવ-રાહતકાર્યમાં તકલીફ પડી હતી.

એક અઠવાડિયા પહેલાં કાઇ-તાક તોફાને મધ્ય ફિલિપાઇન્સને અસર પહોંચાડી છે.

2013માં આવેલાં હૈયાન તોફાનની અસરથી હજુ પણ આ પ્રદેશ ઝઝૂમી રહ્યો છે. આ તોફાનમાં પાંચ હજાર લોકોનાં મૃત્યુ થયા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા