ચીનના આ વિશાળ વિમાનમાં શું છે ખાસ?

The AG600 or Kunlong in Zhuhai, 24 December

ઇમેજ સ્રોત, EPA

ચીનમાં બનેલા વિમાન AG600એ પોતાની પહેલી ઉડાન સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ ઉડાન એક કલાકની હતી.

AG600 વિશ્વનું સૌથી મોટું એમ્ફીબિયસ એરક્રાફ્ટ છે. એટલે કે તે જમીન સિવાય પાણીની સપાટી પરથી પણ ઉડાન ભરી શકે છે અને પાણીની સપાટી પર ઉતરી પણ શકે છે.

ચીનની સરકારી એજન્સી શિન્હુઆએ આ વિમાનને સમુદ્ર અને દ્વીપોની રક્ષા કરનારું બતાવ્યું છે.

વિમાનમાં ચાર ટર્બોપ્રોપ એન્જિન લગાવવામાં આવ્યા છે. વિમાનની ક્ષમતા 50 લોકોને લઈ જવાની છે અને તે 12 કલાક સુધી હવામાં રહી શકે છે.

આ વિમાનને બનાવતા આઠ વર્ષ લાગ્યાં છે. તેનું વજન 53.5 ટન છે અને 38.8 મીટર (127 ફૂટ) પહોળી તેની પાંખો છે.

તમને આ પણ વાંચવું ગમશે

આ વિમાન દક્ષિણ ચીન સમુદ્ર પર ચીનના દાવાવાળા હિસ્સાના છેવાડા સુધી પહોંચી શકે છે.

ઇમેજ સ્રોત, Getty Images

વિમાનની ઉડાનનું ટેલિવિઝન પર જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.

વિમાન જ્યારે પાછું ફર્યું ત્યારે સેનાના સંગીતની સાથે લોકોએ ઝંડા દ્વારા તેનું સ્વાગત કર્યું હતું.

ચીને આવાં 17 વિમાનો બનાવવાનો ઓર્ડર આપ્યો છે.

દક્ષિણ ચીનના સમુદ્ર પર ચીનની નીતિ સામે પડોશી રાષ્ટ્રો અને યુએન-સમર્થિત ટ્રિબ્યુનલ ઉગ્રતાથી વિરોધ કરી રહ્યા છે.

AG600 વિમાન અત્યારે તો ભલે રેકૉર્ડ તોડનાર સાબિત થઈ રહ્યું છે પરંતુ અબજોપતિ ઉદ્યોગપતિ હૉવર્ડ હ્યુજીસની જાણીતી ઉડતી બોટ H-4 હરક્યૂલસ સામે તે નાનું દેખાય છે.

H-4 હરક્યૂલસની પાંખો 97.54 મીટર પહોળી હતી. વર્ષ 1947માં તે માત્ર 26 સેકન્ડ માટે ઉડ્યું હતું.

એ પછી આ વિમાને ફરી ઉડાન ભરી નથી. તેને અત્યારે ઑરેગોનના સંગ્રહાલયમાં રાખવામાં આવ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો