સંયુક્ત રાષ્ટ્રએ લગાવેલા પ્રતિબંધ પર ઉત્તર કોરિયા લાલઘૂમ

કિમ જોંગ ઉન Image copyright AFP/Getty Images

સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદે ઉત્તર કોરિયા પર લગાવેલા પ્રતિબંધોને ઉત્તર કોરિયાએ યુદ્ધનું પગલું ગણાવ્યું છે.

KCNA ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ વિદેશ મંત્રાલયના નિવેદનમાં આ પગલાંને આર્થિક નાકાબંધીના સમાન ગણાવાયા છે.

વધુમાં કહેવાયું છે કે ઉત્તર કોરિયાના વિરોધને મજબૂત બનાવવો એ અમેરિકાને હરાવવાનો એકમાત્ર રસ્તો છે.

સંયુક્ત રાષ્ટ્રના પ્રતિબંધો પર ઉત્તર કોરિયાએ કહ્યું છે કે આ અમારા ગણતંત્રનાં સાર્વભૌમત્વનું હિંસક ઉલ્લંઘન અને યુદ્ધના પગલા સમાન છે.

તમને આ પણ વાંચવું ગમશે

"જે કોરિયન દ્વીપકલ્પ અને વિશાળ વિસ્તારની શાંતિ અને સ્થિરતાનો નાશ કરે છે."

"અમેરિકા અમારી પરમાણુ શક્તિને લીધે ભયભીત બન્યું છે. જેથી તે વધારેને વધારે પ્રતિબંધોથી એમારા પર દબાણ લાવવા માંગે છે.

"અમે અમારી પરમાણુ શક્તિને એટલી મજબૂત બનાવીશું કે અમેરિકા જે ધમકી, બ્લેક મેઇલ અને વિરોધી પગલાંની સામે ઊભા રહી શકીએ."

અમેરિકાના પ્રમુખે આ બાબતે ટ્વીટ કરતા લખ્યું છે કે દુનિયાને શાંતિ જોઇએ છે, મૃત્યુ નહીં.


કયાકયા પ્રતિબંધો લદાયા છે ઉત્તર કોરિયા પર?

Image copyright AFP/Getty Images
  • પેટ્રોલ પ્રોડક્ટ્સની વિતરણ દર વર્ષે પાંચ લાખ બેરલ અને ક્રૂડ તેલ ચાર લાખ બેરલ પ્રતિ વર્ષ કરી શક્શે.
  • વિદેશી મુદ્રાના મહત્ત્વના સ્રોતને અટકાવતા અન્ય એક પ્રતિબંધ પ્રમાણે વિદેશમાં કામ કરતા બધા ઉત્તર કોરિયાના નાગરિકો કરાર હેઠળ 24 મહિનાની અંદર ઘરે પરત ફરશે.
  • ઉત્તર કોરિયાની ચીજોની નિકાસ પર પ્રતિબંધ પણ હશે, જેમકે મશીનરી અને વિદ્યુતનાં સાધનો.
Image copyright AFP

આ પહેલી વખત નથી કે જ્યારે ઉત્તર કોરિયા પર પ્રતિબંધ લગાવાયા છે અથવા તેને ધમકી આપવામાં આવી છે.

આ જ વર્ષે સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્રમાં બોલતા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગને 'રૉકેટમેન' કહેતા ખૂબ જ આકરી ભાષામાં ધમકી આપી હતી.

ઉત્તર કોરિયાને ધમકાવતા ટ્રમ્પે કહ્યું હતું, “દુનિયાના કોઈ પણ દેશને આ ગુનેગારોના હાથમાં પરમાણુ હથિયાર કે મિસાઇલો જોવામાં રુચિ નથી. અમેરિકા પાસે અમાપ શક્તિ અને ધીરજ છે."

"પરંતુ જો અમેરિકાને પોતાને કે પોતાના સહયોગીઓને સુરક્ષિત કરવા માટે મજબૂર કરવામાં આવ્યા તો અમારી પાસે ઉત્તર કોરિયાને પૂર્ણ રીતે બરબાદ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેશે નહીં."

"રૉકેટમેન પોતાના શાસનને પૂર્ણ કરવા અને આત્મહત્યા કરવાના અભિયાન પર છે.”

પરંતુ ટ્રમ્પની આ ધમકીની અસર ઉત્તર કોરિયા પર થઈ નહોતી. નવેમ્બરમાં ઉત્તર કોરિયાએ હવાસોંગ-15 મિસાઇલ છોડી હતી.

આ ઉત્તર કોરિયાની સૌથી લાંબુ અંતર કાપનારી આંતરખંડીય બેલિસ્ટિક મિસાઈલ હતી.

2017માં ઉત્તર કોરિયાએ અનેક મિસાઇલ પરીક્ષણ કર્યાં હતાં. સંયુક્ત રાષ્ટ્રના પ્રતિબંધો બાદ પણ તેઓ સતત પરીક્ષણ કરી રહ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો