તારક મહેતાને મિત્રો 'તારક મનરો' શા માટે કહેતા?

  • ઉર્વીશ કોઠારી
  • બીબીસી ન્યૂઝ ગુજરાતી માટે

ગુજરાતી વાચકોમાં અને ત્યારબાદ તેમના નામની ટીવી સિરિયલથી દેશ આખાને ઘેલું લગાડનારા લેખક તારક મહેતાની આજે પ્રથમ પુણ્યતિથિ છે. નવી પેઢી અને બિનગુજરાતીઓ તેમને 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ટીવી સિરિયલથી ઓળખે છે, પરંતુ સેંકડો ગુજરાતીઓ માટે તારક મહેતા એટલે 'દુનિયાને ઊંધા ચશ્મા'. આજથી બરાબર એક વર્ષ પહેલાં તારકભાઈએ દુનિયાને ઊંધા ચશ્મા પહેરાવીને જીવનના રંગમંચ પરથી ‘એક્ઝિટ’ લીધી હતી.

નાટકોમાં લેખક અને અભિનેતા તરીકે સક્રિય તારકભાઈએ 1963માં ઘાટકોપરની એક સંસ્થા માટે ત્રિઅંકી હાસ્યનાટક 'દુનિયાને ઊંધાં ચશ્માં' લખ્યું. નાટ્યસ્પર્ધામાં તેને ઇનામ મળ્યું.

'ચિત્રલેખા'ના તંત્રી હરકિસન મહેતાએ નાટક જોઈને તારકભાઈને કોલમ લખવા નિમંત્રણ આપ્યું. એ વખતે ના પાડ્યા પછી આખરે 1971માં તેમણે 'દુનિયાને ઊંધા ચશ્મા' સાપ્તાહિક કોલમની શરૂઆત કરી.

થોડા લેખ પછી તેમાં હવે જગવિખ્યાત બનેલી તેમની પાત્રસૃષ્ટિ અને તેમના માળાનો પ્રવેશ થયો. ત્યાર પછી જે કંઈ થયું, તે ગુજરાતી હાસ્યસાહિત્યનો જ નહીં, ગુજરાતી લેખનનો પણ ગૌરવવંતો ઇતિહાસ છે.

તારકભાઈએ પહેલાં કોલમની અને પછી સિરીયલની ભરપૂર સફળતા માણી, પણ તેમના મનમાં કદી એ અંગે હવા ન ભરાઈ. અંગત રીતે પોતાની જાતને તે નિષ્ફળ ગણતા હતા.

યુવાનીમાં તેમનો સાઇડ ફેસ રાજ કપૂર જેવો લાગતો હતો અને મેરિલીન મનરોના તે એવા પ્રેમી હતા કે મિત્રો તેમને 'તારક મનરો' કહેતા.

તમને આ વાંચવું પણ ગમશે:

છતાં, ફિલમ લાઇનમાં તેમનો ગજ ન વાગ્યો. ('ચલચિત્ર જગત મને માફક ન આવ્યું, ચલચિત્ર જગતને હું માફક ન આવ્યો.')

‘આઈ એમ ધ માસ્ટર ટીલ ડેટ’

ઇમેજ કૅપ્શન,

તારક મહેતા તેમના પત્ની ઇંદુબહેન સાથે

ગુજરાતી લેખનમાં ભાગ્યે જ મળી એવી સફળતા-લોકપ્રિયતા અને દીર્ઘ કારકિર્દી પણ પોતે સાહિત્યસર્જન દ્વારા ભાષાની સેવા કરી રહ્યા છે એવા ભવ્ય ભ્રમો પાળવાનો તારકભાઈને શોખ ન હતો.

વીસેક વર્ષ પહેલાંની વાતચીતમાં તારકભાઈએ કહ્યું હતું કે નાટકના બેકગ્રાઉન્ડને કારણે સિચ્યુએશન લખવામાં- જમાવવામાં તેમને જબરી ફાવટ હતી.

દંભી નમ્રતા કે ફાંકોડી આત્મશ્લાઘાના ભાવ વગર તેમણે કહ્યું હતું, 'બીજા બધા પ્રકારોમાં આઈ કેન બી કમ્પેર્ડ, પણ સિચ્યુએશન્સમાં, આઈ એમ ધ માસ્ટર ટિલ ડેટ.'

જ્યોતીન્દ્ર દવે તારકભાઈના 'પાડોશી, ગુરુ, વડીલ અને નાતીલા.' જ્યોતીન્દ્ર દવે વિશે જ્યારે પણ વાત થાય ત્યારે તારકભાઈના અવાજમાં આદર છલકે.

જ્યોતીન્દ્ર દવેએ ગુજરાતી હાસ્યલેખનમાં નિબંધસ્વરૂપને ગુણાત્મક અને જથ્થાત્મક રીતે પૂર્ણ કળાએ પહોંચાડ્યું. તારકભાઈ તેમનાથી સાવ જુદા પાટે ચાલ્યા.

તેમણે લખ્યું હતું, 'હાસ્યસર્જન માટે નિબંધનું સાહિત્ય મને માફક ન આવ્યું એટલે હું સાહજિક નાટ્યાત્મક લેખો તરફ વળ્યો. મારા લેખ એટલે નાટક, વાર્તા અને નિબંધનું મિશ્રણ છે.

તેમાં મારે જે કહેવાનું છે તે પાત્રો દ્વારા કહું છું અને હું પોતે પણ એક પાત્ર બની જાઉં છું.

આપણા જીવનની વિષમતાનો બોજો હળવો કરવાનું મારું લક્ષ્ય છે. સામાન્ય વાચકને શિષ્ટ રીતે રીઝવવાનો, માનવસહજ નિર્બળતાઓ અને મર્યાદાઓ પ્રત્યે વાચકને ઉદાર બનાવવાનો મારો પ્રયત્ન છે...'

ઊંધો દૈનિક ક્રમ

'ઊંધા ચશ્મા' શ્રેણીની સૌથી મોટી ખૂબી અને સૌથી મોટી સફળતા તેનાં પાત્રો થકી હતી. જ્યોતીન્દ્ર દવેએ તારકભાઈને કહ્યું હતું કે 'તારી જેમ હું પાત્રોની કલ્પના કરી શકતો નથી.'

અમદાવાદમાં જન્મેલા, પણ કર્મે મુંબઈગરા તારકભાઈએ 27 વર્ષ સુધી ફિલ્મ્સ ડિવિઝનમાં સરકારી નોકરી કરી અને ત્રણેક ડઝન નાટકો લખ્યાં, તેના લેખન-દિગ્દર્શન ઉપરાંત અભિનય પણ કર્યો.

દરમિયાન પહેલું લગ્ન, પુત્રી ઇશાનીનો જન્મ, ઇંદુબહેન સાથે બીજું લગ્ન અને લેખનમાં સફળતાનો દૌર ચાલુ રહ્યો. ઉત્તરાવસ્થામાં તે મુંબઈ છોડીને અમદાવાદ વસ્યા.

'ઊંધા ચશ્મા'થી જાણીતા આ લેખકનો દૈનિક ક્રમ બીજા કરતાં ઊંધો હતોઃ તે દિવસે સુતા ને રાતે જાગતા-વાંચતા-લખતા.

સાવ છેલ્લાં વર્ષોમાં તે કંઇક સામાન્ય લોકો જેવો બન્યો હતો. તેમની આંખો નબળી પડી હતી. પણ વંચાય ત્યાં સુધી તે પુષ્કળ વાંચતા.

મુંબઈથી ખાસ છાપાં મંગાવતા હતા. તેમનું અંગ્રેજી વાચન પુષ્કળ હતું. અમેરિકા વસતાં દીકરી ઇશાની-નાટ્યકાર-કવિ-જમાઈ ચંદ્ર શાહના ઘરે કે બીજા પ્રવાસોમાંથી તે હાસ્યનાં અને એ સિવાયનાં ઘણાં પુસ્તક લાવતાં.

નિસ્બત અને સંવેદનશીલતા

ઇમેજ કૅપ્શન,

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારોની ટીમ સાથે તારકભાઈ

તેમની સક્રિયતાના મધ્યાહ્નમાં હાસ્યની જેમ ગુસ્સો તેમનો સ્થાયી ભાવ હતો. પરંતુ તેમની સંવેદનશીલતા પણ વિશિષ્ટ હતી — અને તેને એ કદી 'સાહિત્યકાર' તરીકેની પોતાની છાપ ઉપસાવવા માટે વાપરતા નહીં.

માર્ચ, 2000માં તે ગંભીર રીતે બિમાર પડ્યા. તેમની ઘણી બીમારીઓ ભારે ચિંતા ઉપજાવે એવી ગંભીર રહેતી અને એ દરેક વખતે યમરાજને ઊંધા ચશ્મા પહેરાવીને પાછા આવી જતા.

હોસ્પિટલેથી રજા આપ્યા પછી તેમને ઘરે ખબર કાઢવા ગયો ત્યારે થયેલી અલકમલકની વાતોમાં સૌથી વધારે વાત તેમણે હોસ્પિટલના દલિત વોર્ડબોયની કરી હતી.

તેમણે કહ્યું હતું,'એ લોકો કાર્ડિયોગ્રામ કાઢે, ઇન્જેક્શન મૂકે ને દવા પણ આપી જાય. (ડાયેરિયાની તકલીફને કારણે) એક વોર્ડબોયને ખાસ મારા માટે રાખ્યો હતો. એ રૂના ગોટા વડે બધું સાફ કરે.

એ વખતે હું ICUમાં એકલો જ હતો અને એ છોકરાની કામગીરી વિશે હું બહુ વિચારે ચઢી જતો હતો. એની લાગણી શું? એના માટે માનવશરીર માત્ર એક ચીજ?

આટલા બધા પેશન્ટોની સફાઈ કે સ્પન્જ કરવાને કારણે, આટલાં બધાં ખુલ્લાં શરીર જોઈને તેની લાઇફ પર શી અસર થતી હશે?

તેની બીજી આવડતો જોઈને થતું હતું કે કર્મની થિયરી ને વર્ણવ્યવસ્થા બકવાસ છે.

એ છોકરાને કામ કરતો જોઇને લાગે કે તેમને ભણવાની તક મળે તો એ જરાય પાછો ન પડે.'

કુટેવોનો જાહેર સ્વીકાર

પોતાની મર્યાદાઓ કે કુટેવો જાહેર કરવાની બાબતમાં એ બહુ ઉત્સાહી હતા.

શીલા ભટ્ટના તંત્રીપદે 'ઇન્ડિયા ટુડે' ગુજરાતીમાં શ્રેણીવાર પ્રગટ થયેલી તેમની આત્મકથામાં તેમની નર્મદશાઈ નિખાલસતાના અને 'પરાક્રમો'ના અનેક પરચા મળે છે.

તેમની આત્મકથાનો એ જ નામે હિંદી અનુવાદ પણ થયો હતો.

ત્રીસેક વર્ષ સુધી 'ઊંધા ચશ્મા' લખ્યા પછી તારકભાઈ થાક્યા હતા.

એક વાર વાતચીતમાં તેમણે કહ્યું હતું, (લેખ માટે તેમનાં હાથે લખેલાં બાર-તેર પાનાં જોઇએ, તેમાંથી) 'રોજનાં બે પાનાં લખાય છે...હવે લખવાની ઝડપ ઘટી ગઈ છે.

મારી જ પોપ્યુલારિટીના ટ્રેપમાં હું ફસાયો છું... હવે મઝા આવતી નથી. પણ (વાચકોની) જનરેશન બદલાય છે એટલે ચાલી જાય છે.'

'ચિત્રલેખા'ની અત્યંત લોકપ્રિય કટાર ઉપરાંત તારકભાઈએ વિવિધ અખબારોમાં પણ કોલમ લખી.

'દિવ્ય ભાસ્કર' શરૂ થયું, ત્યારે તેની રવિવારની પૂર્તિમાં આવતી 'બાવાનો બગીચો' અને ભાસ્કરજૂથના માસિક 'અહા! જિંદગી'માં 'એન્કાઉન્ટર' ('ચિત્રલેખા' બહાર) તેમની છેલ્લી બે કોલમો હતી.

લાંબી બીમારી પછી 88 વર્ષની વયે તારકભાઈએ વિદાય લીધી, પણ ગુજરાતી વાચકોની પેઢીઓના મનમાંથી તેમની વિદાય આટલી જલ્દી નહીં થાય.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો