ByeBye2017: વિજ્ઞાન-પર્યાવરણ જગતની આઠ મહત્ત્વની ઘટનાઓ

ખુલ્લા આકાશ વચ્ચે ટેલિસ્કોપ Image copyright Getty Images

વર્ષના અંતમાં સમગ્ર વર્ષના લેખા-જોખાં થતા હોય છે. 2017ના વર્ષનો હિસાબ પણ શરૂ થઈ ગયો છે.

વિજ્ઞાનની પ્રગતિ હવે ઘણી ઝડપી બની ગઈ છે.

આ 2017ના વર્ષમાં એવી કેટલીય ઘટનાઓ ઘટી છે કે જે ઇતિહાસમાં નોંધપાત્ર બની છે.

2017ના વર્ષમાં વિજ્ઞાન અને પર્યાવરણ જગતની આઠ સૌથી મોટી ઘટનાઓ પર એક નજર.

તમને આ પણ વાંચવું ગમશે


તારાઓની અથડામણ

Image copyright PA

2017માં વૈજ્ઞાનિકોએ નવા સ્રોત - તારાઓ અથવા ન્યુટ્રોન તારાઓની અથડામણમાંથી આઇન્સ્ટાઇનના ગુરુત્વાકર્ષણીય તરંગો શોધી કાઢ્યા.

વિશ્વભરના ટેલિસ્કોપે ન્યૂટ્રોન તારાના વિલીનીકરણની વિગતો મેળવી હતી.

તારામંડળમાં આશરે એક હજાર અબજ કિ.મી. દૂર તારામંડળના હાઇડ્રા સ્થિત આકાશગંગામાં આ વિસ્ફોટ થયો હતો.

આ ઘટનાની કેટલીક હકીકતો આશ્ચર્યચકિત કરનારી હતી.

એ વાતની પુષ્ટિ થઈ કે આ અથડામણ બ્રહ્માંડમાં અસ્તિત્વમાં રહેલા સોના અને પ્લેટિનમના ઉત્પાદન તરફ દોરી જાય છે.


કેસિની અવકાશયાનની વિદાય

Image copyright NASA/JPL-CALTECH

2017ના વર્ષમાં 'નાસા'એ કેસિની અવકાશયાનનો નાશ કરવાનું નક્કી કર્યું. 15 સપ્ટેમ્બરે તેનો ત્યાંના વાતાવરણમાં જ વિનાશ કરાયો હતો.

2004માં આ અવકાશયાન સાથે મિશન લૉન્ચ કરવામાં આવ્યું હતું.

13 વર્ષમાં અવકાશયાને શનિ ગ્રહ અને તેના ઉપગ્રહોની મહત્વની માહિતી આપી હતી.

આ અવકાશયાને શનિના સૌથી મોટા ઉપગ્રહ 'ટાઇટન' પર ગુપ્ત સમુદ્રો અને મિથેનનું તળાવ શોધ્યું હતું.

આ અવકાશયાને શનિના ગ્રહને ફરતે ઘેરાયેલું વિશાળ તોફાન પણ જોયું હતું.


ટ્રમ્પ અને 'પેરિસ એગ્રિમેન્ટ'

Image copyright EPA

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન જણાવ્યું હતું કે તેઓ પેરિસના આબોહવા કરારને 'રદ કરશે'.

પરંતુ ચૂંટણી જીત્યા પછી તેમણે આબોહવામાં પરિવર્તનના વિષય પર થોડી જાહેર ઘોષણા કરી હતી. જેથી એવા અહેવાલો આવ્યા કે શું ટ્રમ્પ 'પેરિસ કરાર' માટે માની ગયા છે?

જોકે એક જૂન 2017ના રોજ ટ્રમ્પે અમેરિકાને પ્રેસ કોન્ફરન્સ કરી 'પેરિસ કરાર'થી અલગ કર્યું હતું.

તેમણે કહ્યું કે અમેરિકા અને તેના નાગરિકોને સુરક્ષિત કરવા માટે તેઓ 'પેરિસ આબોહવા કરાર'માંથી દૂર થાય છે.


ઘણી બધી 'પૃથ્વી'

Image copyright NATURE

2017ના વર્ષમાં ખગોળશાસ્ત્રીઓએ એક તારા આસપાસ ફરતાં પૃથ્વીના કદના સાત ગ્રહો શોધી કાઢ્યા હતા.

રસપ્રદ રીતે તેમાંના ત્રણ ગ્રહો વસવાટયોગ્ય ગણાવાયા છે. જ્યાં પાણી સપાટી પર પ્રવાહી તરીકે રહી શકે છે. જ્યાં જળ ત્યાં જીવન.

આપણા સોલર સિસ્ટમથી બહાર અધિકારીક રીતે અસ્તિત્વમાં 3,500 જેટલા ગ્રહો છે, જેમાંના કેટલાક ખૂબ વિચિત્ર છે.

એમાંના જો એકની વાત કરીએ તો 'J1407b' ગ્રહની આજુબાજુની રિંગ શનિની આસપાસની રિંગ કરતાં 200 ઘણી મોટી છે.


માનવ ઉત્ક્રાંતિ અંગે સંશોધન

Image copyright PHILIPP GUNZ/MPI EVA LEIPZIG

જુલાઇ 2017માં સંશોધકોએ ઉત્તર આફ્રિકામાં મળી આવેલા પાંચ પ્રાચીન માનવીઓના અવશેષો રજૂ કર્યા હતા.

જે દર્શાવે છે કે આજના માનવી ઓછામાં ઓછા એક લાખ વર્ષ અગાઉ ઉભર્યા હતા.

શોધે સૂચવ્યું કે આપણી પ્રજાતિ ફક્ત પૂર્વ આફ્રિકામાં જ વિક્સી નથી. પરંતુ આધુનિક મનુષ્યો સમગ્ર આફ્રિકા ખંડમાં વિકસિત થયા છે.

2015ના વર્ષમાં વૈજ્ઞાનિકોએ આધુનિક મનુષ્યના 15 આંશિક હાડપિંજરોના અવશેષોનું અનાવરણ કર્યું ત્યારે વિશ્વભરના સમાચાર માધ્યમોમાં હેડલાઇન્સ બની હતી.

પરંતુ તે સમયે 'હોમો નાલેદી'ના નમુનાઓ કેટલા જૂના હતા તે જણાવવામાં સંશોધકો અસમર્થ હતા. મનાતું હતું કે 30 લાખ વર્ષ જૂના હોઈ શકે.

2017ના વર્ષે ટીમ લીડર લી બર્જરે જાહેરાત કરી કે આ અવશેષો બેથી ત્રણ લાખ વર્ષ જૂના છે.


અંધકારમય આકાશ

Image copyright NASA

21 ઓગસ્ટ 2017ના રોજ થયેલું પૂર્ણ ગ્રહણ મહત્વની ઘટનાઓમાંની એક છે.

જેને કારણે સમગ્ર અમેરિકામાં અંધકાર છવાયો હતો. 1776ના વર્ષમાં અમેરિકા દેશની સ્થાપના પછી આ સૌપ્રથમ સંપૂર્ણ ગ્રહણ હતું.

આ ઉપરાંત અમેરિકાના 99 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત સૂર્યગ્રહણ પશ્ચિમથી પૂર્વ દિશામાં ગયું હતું.


'બહાર'થી આવેલા મુલાકાતી

Image copyright ESO/M. KORNMESSER

વૈજ્ઞાનિકો વર્ષોથી આગાહી કરી રહ્યા હતા કે બહારના તારાઓમાંથી આપણી કોઈ મુલાકાત લઈ શકે છે. પરંતુ આવું 2017માં પ્રથમ વખત બન્યું હતું.

ઑક્ટોબરમાં હવાઈના ટેલિસ્કોપનો ઉપયોગ કરીને ઑબ્જેક્ટની ગતિ અને માર્ગને ધ્યાને રાખી સંશોધકોએ આ ઑબ્જેક્ટને સૂર્યમંડળની બહારનો ગણાવ્યો હતો.

'ઓઉમુઆમુઆ' નામનો આ પદાર્થ ઝડપથી જ વિશ્વના કેટલાક સૌથી શક્તિશાળી ટેલિસ્કોપ માટે નિરીક્ષણનો વિષય બની ગયો.

કેટલાય પરિબળોને આધારે કહેવામાં આવ્યું કે આ પદાર્થ તારામંડળની બહારથી આવેલો હતો.


વિશાળકાય હિમશિલા

Image copyright COPERNICUS SENTINEL (2017) ESA/ANDREW FLEMMING

અત્યાર સુધીમાં નોંધાયેલી સૌથી મોટી હિમશિલા જુલાઈ 2017માં એન્ટાર્કટિકાના લાર્સન-સી બરફમાંથી તૂટી હતી.

પરંતુ વૈજ્ઞાનિકો એક દાયકા કરતાં વધારે સમયથી તેમાં પડી રહેલી તિરાડ પર નજર રાખી રહ્યા હતા.

આ વિશાળ બ્લોક આશરે 6,000 ચો.કિ.મી.ના વિસ્તારને આવરી લે એટલો હતો. એટલે કે ગુજરાતના કેટલાક જિલ્લા કરતા પણ મોટો વિસ્તાર.

વૈજ્ઞાનિકો એવું માને છે કે લાર્સન-સી હવે લગભગ 11,700 વર્ષ પહેલાંના છેલ્લા હિમયુગના અંત પછી સૌથી નાના કદનો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો