મેલેનિયા ટ્રમ્પ વાઇટ હાઉસના ઐતિહાસિક વૃક્ષને કેમ કપાવી રહ્યાં છે?

અમેરિકાના વાઇટ હાઉસમાંનું ઐતિહાસિક જેક્સન મંગોલિયા વૃક્ષ Image copyright AFP
ફોટો લાઈન અમેરિકાના વાઇટ હાઉસમાંનું ઐતિહાસિક જેક્સન મંગોલિયા વૃક્ષ

અમેરિકાના વાઇટ હાઉસમાંનું લગભગ 200 વર્ષ જૂનું ઐતિહાસિક વૃક્ષ થોડા દિવસમાં કાપી નાખવામાં આવશે.

વર્ષ 1829થી 1837 સુધી અમેરિકાના પ્રમુખપદે રહેલા એન્ડ્ર્યુ જેક્સને તેમની પત્નીની સ્મૃતિમાં આ જેક્સન મંગોલિયા વૃક્ષ રોપ્યું હતું.

આ વૃક્ષ ઘણી બાબતોમાં વિશિષ્ટ છે.

આ વૃક્ષની છાયામાં ઘણા ઐતિહાસિક કાર્યક્રમો યોજાયા હતા.

તમને આ પણ વાંચવું ગમશે

વર્ષ 1928થી 1988 સુધી 20 અમેરિકન ડોલરના મૂલ્યની નોટ પર પણ આ વૃક્ષનું ચિત્ર છાપવામાં આવતું હતું.

જોકે જાણકારો માને છે કે એ વૃક્ષની હાલત હવે ખરાબ થઈ ગઈ છે. તેથી સલામતીનું જોખમ છે.

અમેરિકાનાં ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પે એ વૃક્ષના મોટા હિસ્સાને કાપી નાખવાનો આદેશ આપ્યો છે.


સલામતીનો હેતુ

Image copyright AFP
ફોટો લાઈન અમેરિકન પ્રમુખનું હેલિકોપ્ટર જ્યાંથી ઉડાનની શરૂઆત કરે છે ત્યાં આ વૃક્ષ આવેલું છે

વાઇટ હાઉસનાં પ્રવક્તા સ્ટેફની ગ્રીશમે કહ્યું હતું કે ''આ વૃક્ષના સ્થાને નવું વૃક્ષ રોપી શકાય એટલા માટે તેનો રોપો જાળવી રાખવા લેડી ટ્રમ્પે જણાવ્યું છે.''

સ્ટીફન ગ્રીશમનાં જણાવ્યા અનુસાર મેલેનિયા ટ્રમ્પે સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કર્યો છે.

વાઇટ હાઉસમાં આવતા-જતા મુલાકાતીઓ અને પત્રકારોની સલામતી માટે આ વૃક્ષ જોખમી છે.

અમેરિકન પ્રમુખનું હેલિકોપ્ટર જ્યાંથી ઉડાનની શરૂઆત કરે છે ત્યાં આ વૃક્ષ આવેલું છે.


વૃક્ષનો તિહાસ

એન્ડ્ર્યુ જેક્સનના પત્નીને મંગોલિયાનું વૃક્ષ પ્રિય હતું. એ વૃક્ષ તેમના ફાર્મ હાઉસમાં ઉગાડવામાં આવ્યું હતું.

એન્ડ્ર્યુ જેક્સન એ વૃક્ષમાંથી એક કલમ કાપીને તેને વાઇટ હાઉસમાં રોપવા માટે લાવ્યા હતા.

1970માં આ વૃક્ષની આસપાસની જમીન પર સિમેન્ટ લગાવવામાં આવી ત્યારે પહેલીવાર આ ઝાડ વિશે ચર્ચા થઈ હતી.

આજુબાજુની જમીન પર સિમેન્ટ લગાવવાને કારણે વૃક્ષને ઘણું નુકસાન થયું હોવાનું કેટલાક લોકોએ જણાવ્યું હતું.

1980માં સિમેન્ટનું આવરણ હટાવી લેવામાં આવ્યું હતું અને વૃક્ષના ટેકા માટે મોટો થાંભલો અને તાર લગાવવામાં આવ્યા હતા.


39 પ્રમુખોના કાર્યકાળનું સાક્ષી

Image copyright AFP
ફોટો લાઈન જેકસન મંગોલિયા વૃક્ષની પશ્ચાદભૂમાં 1992માં સંબોધન કરી રહેલા અમેરિકાના તત્કાલીન પ્રમુખ જ્યોર્જ બુશ

પહેલી નજરે તો આ વૃક્ષ એકદમ બરાબર દેખાય છે.

જોકે એક સરકારી અહેવાલને ટાંકીને સીએનએને જણાવ્યું હતું કે વૃક્ષ પૂર્ણપણે ખરાબ થઈ ગયું હતું. તેને થાંભલા અને તારના સહારે ટકાવી રાખવામાં આવ્યું હતું.

મંગોલિયા વૃક્ષ વાઇટ હાઉસમાં અમેરિકાના 39 પ્રમુખોના કાર્યકાળનું સાક્ષી રહ્યું છે.

એ સમયગાળામાં અમેરિકા ગૃહયુદ્ધ અને બે વિશ્વયુદ્ધમાંથી પણ પસાર થયું હતું.


ચેલ્સી ક્લિંટનની ટ્વીટ

Image copyright AFP
ફોટો લાઈન જેક્સન મંગોલિયા વૃક્ષની પશ્ચાદભૂમાં 1996માં સંબોધન કરી રહેલા અમેરિકાના તત્કાલીન પ્રમુખ બિલ ક્લિંટન

અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બિલ ક્લિંટનની દીકરી ચેલ્સીએ એક ટ્વીટ કર્યું હતું.

તેમણે મંગોલિયા વૃક્ષની આટલાં વર્ષો સુધી જાળવણી કરનારાઓનો આભાર માન્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો