કાબુલમાં આત્મઘાતી હુમલો: 40 લોકોનાં મૃત્યુ

કાબુલમાં વિસ્ફોટ બાદ વિસ્તારને કોર્ડન કરેલા પોલીસ જવાનો Image copyright AFP

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં શિયા સાંસ્કૃતિક અને ધાર્મિક સંગઠન પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો.

આ હુમલામાં ઓછામાં ઓછા 40 લોકોનાં મૃત્યુ થયાં છે અને 30 જેટલા લોકો ઘાયલ થયા છે.

બીબીસી સાથેની વાતચીતમાં આંતરિક બાબતોના મંત્રાલયે જણાવ્યું છે કે આત્મઘાતી વિસ્ફોટ બાદ તરત જ એ જ વિસ્તારમાં બીજા બે વિસ્ફોટ થયા છે.

ઇસ્લામિક સ્ટેટ દ્વારા છેલ્લા કેટલાક સમયથી શિયા મુસ્લિમોને નિશાન બનાવીને આ જ પ્રકારના હુમલા કરવામાં આવી રહ્યા છે.


કોણે કર્યો હુમલો?

ઇસ્લામિક સ્ટેટ ગ્રુપે તેના પ્રૉપેગૅન્ડા આઉટલેટ અમાક પર કહ્યું છે કે તેમણે સ્યૂસાઇડ બોમ્બર અને બીજા કેટલાક બોમ્બ સાથે શિયા સેન્ટરને નિશાન બનાવ્યું હતું.

તાલિબાને પહેલાં જ એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું તેમનો આ હુમલામાં પાછળ હાથ નથી.

તાલિબાન ખાસ કરીને માત્ર શિયા પર જ હુમલા કરતું નથી.

જોકે, બંને ગુપ્સ અફઘાનિસ્તાનમાં વારંવાર હુમલાઓ કરે છે.


હુમલા અંગે અત્યાર સુધી શું જાણવા મળ્યું?

તબાયન સાંસ્કૃતિક સેન્ટર અને અફઘાન વૉઇસની ઓફિસો આ બંને લોકેશનો પર હુમલો કરવામાં આવ્યો હતો.

એક બ્લાસ્ટ થયા બાદ થોડા સમય પછી અન્ય બે બ્લાસ્ટ થયા હતા.

એવું માનવામાં આવી રહ્યું છે કે પાછળથી થયેલા બ્લાસ્ટ ઘાયલોને મદદ કરવા જનાર લોકોને નિશાન બનાવવામાં માટે કરવામાં આવ્યા હતા.

મોહમ્મદ હસન નામના વિદ્યાર્થીએ ટોલો ન્યૂઝને જણાવ્યું હતું, "બ્લાસ્ટ થયા બાદ બિલ્ડિંગની અંદર આગ લાગી હતી અને ચારેતરફ ધૂમાડા હતા. બધા લોકો મદદ માટે બૂમો પાડી રહ્યા હતા."

સોશિયલ મીડિયામાં વિસ્ફોટ પછી લોકો ઘટના સ્થળના ફોટા શૅર કરી રહ્યા છે. આ ફોટાઓમાં લોકોની લાશો નજર આવી રહી છે.

અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલયના પ્રવક્તા નસરત રહીમીએ સમાચાર એજન્સી એએફપીને ક્હ્યું, ''તબાયન સાંસ્કૃતિક કેન્દ્ર નિશાના પર હતું."

"વિસ્ફોટના સમયે અફઘાનિસ્તાનમાં સોવિયત આક્રમણની 38મી વર્ષગાંઠ મનાવવામાં આવી રહી હતી. સંખ્યાબંધ વિદ્યાર્થીઓ ત્યાં મીડિયા ગ્રૂપના સભ્યો સાથે ચર્ચાના મંચ પર હાજર હતા.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ