જિનિવા અને લંડન પછી 'ફ્રી બલૂચિસ્તાન'ની ઝુંબેશ ન્યૂ યૉર્ક ટાઇમ્સ સ્કવેર પહોંચી

ફ્રી બલૂચિસ્તાન Image copyright Twitter

વર્લ્ડ બલોચ ઓર્ગેનાઇઝેશને જિનિવા અને લંડન પછી અમેરીકી શહેર ન્યૂ યૉર્કના પ્રસિદ્ધ ટાઇમ્સ સ્કવેરમાં 'ફ્રી બલૂચિસ્તાન'ની જાહેરાતો મૂકી છે.

આ સંગઠનનું કહેવું છે કે 'ફ્રી બલૂચિસ્તાન'ની ઝુંબેશ માટે ટાઇમ્સ સ્કવેરમાં બીલબોર્ડ પર જાહેરાત લગાડીને ઝુંબેશ ચાલુ કરી છે.

જે બોર્ડ પર ફ્રી બલૂચિસ્તાનની જાહેરખબર મૂકવામાં આવી છે તે ફાસ્ટફૂડ ચેઇન મેકડોનાલ્ડ્સની ઉપર છે. આ જાહેરાત ત્રણ દિવસ સુધી એટલે કે નવા વર્ષ સુધી બોર્ડ પર ચાલતી રહેશે.

તમને આ પણ વાંચવું ગમશે

વર્લ્ડ બલોચ ઓર્ગેનાઇઝેશનની વેબસાઇટ પર કહેવામાં આવ્યું છે કે બોર્ડ ઉપરાંત સો ટૅક્સીઓ પર પણ જાહેરાત લગાડીને અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.


જિનિવા અને લંડનમાં ઝુંબેશ

Image copyright Twitter

આ જ સંગઠને સપ્ટેમ્બર મહિનામાં સ્વિટ્ઝર્લેન્ડના જિનિવા શહેરમાં ઠેર ઠેર બસો, ટ્રેનો અને વિસ્તારોમાં બલૂચિસ્તાનને સ્વતંત્ર કરવાની માંગ કરતાં પોસ્ટર લગાડ્યાં હતાં.

અહીં પાકિસ્તાનમાં લઘુમતીઓ સાથે થતા દુર્વ્યવહારની વિરુદ્ધ નારેબાજી પણ કરવામાં આવી હતી.

પાકિસ્તાન સરકારે 'ફ્રી બલૂચિસ્તાન' ના પોસ્ટર ઝુંબેશ વિરુદ્ધ સ્વિસ સરકાર સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો. પાકિસ્તાને માંગણી કરી હતી કે આ ઝુંબેશમાં સામેલ લોકો સામે સ્વિસ સરકારે પગલાં લેવા જોઈએ.

આ મુદ્દે જિનિવાની સંયુક્ત રાષ્ટ્રની કચેરીમાં પાકિસ્તાનના દૂત ફરખ આમિસે છઠ્ઠી સપ્ટેમ્બરે તેમના સ્વિસ સમકક્ષને એક પત્ર લખી આ ઝુંબેશને બંધ અટકાવવાની માંગ કરી હતી.

તેમણે કહ્યું હતું કે આ ઝુંબેશ પાકિસ્તાનના સાર્વભૌમત્વ અને અખંડિતતા પર પ્રહાર છે.

આ પછી સ્વિસ સરકારે કોઈ પગલાં લીધાં ન હતાં, જેનાં પગલે પાકિસ્તાની વિદેશ મંત્રાલયે ઇસ્લામાબાદમાં તહેનાત સ્વિસ રાજદૂતને પણ બોલાવ્યા હતા અને જિનિવામાં પાકિસ્તાન વિરોધી ઝુંબેશ સામે વિરોધ નોંધાવ્યો હતો.


પાકિસ્તાનની સમસ્યા

Image copyright MOFA

આ ઝુંબેશ પછી નવેમ્બરમાં બ્રિટનની રાજધાની લંડનની ટૅક્સીઓ પર પણ 'ફ્રી બલૂચિસ્તાન' અભિયાનના પોસ્ટર લગાડવામાં આવ્યાં હતાં.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આ ઘટનાક્રમને પાકિસ્તાના સાર્વભૌમત્વ પર હુમલો ઠેરવ્યો હતો.

પાકિસ્તાનના વિદેશ સચિવ તહનીમા જનજુઓએ પાકિસ્તાનમાં બ્રિટનના ઉચ્ચ આયુક્ત ટૉમસ ડ્રોને સમક્ષ નારાજગી પ્રગટ હતી.

તમને આ પણ વાંચવું ગમશે

પાકિસ્તાની સેનાના પ્રવક્તાએ પ્રેસ કૉન્ફરન્સ કરીને કહ્યું હતું કે, બલૂચિસ્તાનને ભટકાવનારા લોકો સફળ નહીં થાય. એમણે કહ્યું હતું કે, બલૂચિસ્તાનમાં બે હજારથી વધારે ભાગલાવાદીઓ મુખ્યપ્રવાહમાં જોડાઈ ચૂક્યા છે.

એમનું કહેવું હતું કે, સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાએ બલૂચિસ્તાન કાર્યક્રમનો ચાર સૂત્રીય પ્રસ્તાવ મૂક્યો છે. .

બલૂચિસ્તાન પાકિસ્તાનના પાંચ પ્રાંતોમાંથી એક છે. ઈરાન અને અફઘાનિસ્તાનથી અડીને પાકિસ્તાનના સૌથી મોટા પ્રાંતમાં ભાગલાવાદીઓની ઝુંબેશ પણ ચાલી રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો