પ્રેસ રિવ્યૂ : નીતિન પટેલે ન સંભાળ્યો પદભાર, હવે શું કરશે?

કાર્યકરો, શુભેચ્છકો અને મીડિયાકર્મીઓએ નીતિન પટેલનો ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમણે કોઈના ફોનનો પ્રત્યુત્તર આપ્યો ન હતો Image copyright FACEBOOK/NITINBHAIPATELBJP
ફોટો લાઈન કાર્યકરો, શુભેચ્છકો અને મીડિયાકર્મીઓએ નીતિન પટેલનો ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમણે કોઈના ફોનનો પ્રત્યુત્તર આપ્યો ન હતો

દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, ગુરુવારે ખાતાં ફાળવણીથી નારાજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ શુક્રવારે દિવસભર અજ્ઞાતવાસમાં રહ્યા હતા.

શહેરી વિકાસ તેમજ નાણા ખાતું ન મળવાથી તેઓ નારાજ હોવાનું કહેવાય છે.

શુક્રવારે પટેલે સચિવાલય આવવાનું પણ ટાળ્યું હતું, સંકુલમાં પટેલની નારાજગીનો મુદ્દો ચર્ચામાં રહ્યો હતો અને અનેક અટકળોએ જોર પકડ્યું હતું.

કાર્યકરો, શુભેચ્છકો અને મીડિયાકર્મીઓએ તેમનો ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પટેલે કોઇના ફોનનો પ્રત્યુત્તર આપ્યો ન હતો.

અહેવાલ મુજબ, નારાજ નીતિન પટેલને શાંત રહેવા મોવડી મંડળે જણાવ્યું છે. બીજી બાજુ, સમર્થકોએ બાંયધરી આપી છે કે નીતિન પટેલ જે કંઈ પણ નિર્ણય લેશે, તેમાં સૌ કોઈ તેને સપોર્ટ કરશે.

નારાજ નીતિન પટેલને મનાવવા માટે ભાજપ મોવડીમંડળે હજુ બે-ત્રણ દિવસનો સમય માગ્યો છે.

જો મોવડીમંડળ દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં ન આવે તો નીતિન પટેલ મંત્રીમંડળમાંથી રાજીનામું આપે તેવી શક્યતા અહેવાલમાં વ્યક્ત કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કરના અન્ય એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, નારાજ નીતિન પટેલને મનાવવા માટે તેમને મુખ્યપ્રધાનની ચેમ્બર જેટલી જ મોટી ચેમ્બર આપવમાં આવશે.

તમને આ પણ વાંચવું ગમશે


અમેરિકામાં ગુજરાતી યુવકની હત્યા

Image copyright FACEBOOK/ARSHAD.VAHORA.1
ફોટો લાઈન 19 વર્ષીય ભારતીય મૂળનો ગુજરાતના નડિયાદનો વિદ્યાર્થી અર્શદ વોહરા અમેરિકાના શિકાગો શહેરમાં ગોળીબારીમાં મૃત્યુ પામ્યો છે

એનડીટીવીમાં પ્રકાશિત થયેલા અહેવાલો મુજબ, 19 વર્ષીય ગુજરાતના નડિયાદના વિદ્યાર્થી અરશદ વોહરા અમેરિકાના શિકાગો શહેરમાં ગોળીબારીમાં મૃત્યુ પામ્યો છે.

ગોળીબારીની આ ઘટના ડોલૉન્ટોન ગામમાં આવેલા પેટ્રોલ પમ્પ પર ઘટી હતી. લૂંટારુઓની ટોળીએ લૂંટના ઈરાદાથી હુમલો કરીને અંધાધૂંધ ગોળીઓ છોડી હતી.

ગોળીબારીની આ ઘટનામાં અરશદના સંબંધી પણ ઘાયલ થયા હતા.

તપાસનીશ અજેન્સીઓ ગેસ સ્ટેશન પર લાગેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (સીસીટીવી) કેમેરામાં કેદ થયેલા ઘટનાના વીડિયો ફૂટેજ તપાસી રહી છે.

તંત્રે ગેસ-સ્ટેશન લૂંટ પ્રકરણમાં સંડોવાયેલા આરોપીઓને પકડી પાડવા માટે 12,000 યુ.એસ. ડોલર્સના (અંદાજે 7 લાખ 80 હજાર ભારતીય રૂપિયાના) ઇનામની ઘોષણા કરી છે.


મુંબઈ આગ દુર્ઘટનામાં 10 ગુજરાતીઓનું મૃત્યુ

Image copyright Getty Images
ફોટો લાઈન મુંબઈમાં મોજોંસ, વેન-અબાઉવ અને લંડન ટેક્સી રેસ્ટોરાં-બાર-પબ-લાઉન્જ ખાતે થયેલી આગની દુર્ઘટનામાં દસ ગુજરાતીઓ માર્યા ગયાના અહેવાલો છે

દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ મુંબઈમાં મોજોંસ, વેન-અબાઉવ અને લંડન ટૅક્સી રેસ્ટોરાં-બાર-પબ-લાઉન્જ ખાતે થયેલી આગની દુર્ઘટનામાં દસ ગુજરાતીઓનાં મૃત્યુ થયા છે.

મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ મહાનગરપાલિકા પ્રસાશને પાંચ જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કર્યાં છે, જ્યારે એક અધિકારીની બદલી કરી છે.

અંગ્રેજી અખબાર 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'માં પ્રકાશિત અહેવાલ મુજબ, ફિલ્મ અભિનેત્રી હેમા માલિનીએ મુંબઈમાં વધતી જતી વસ્તીને આવી દુર્ઘટનાઓ માટે જવાબદાર ઠેરવી છે.

તેમણે સૂચન કર્યું હતું કે, દરેક શહેર માટે વસ્તીની ટોચમર્યાદા નક્કી કરવી જોઇએ. જ્યારે વસ્તીએ હદ સુધી પહોંચી જાય એટલે ત્યાં વધુ લોકોને વસવાની છૂટ ન આપવી જોઇએ.

હેમા માલિનીનાં આ નિવેદનની સોશિયલ મીડિયા પર ટીકા થઈ હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો