થાઇલેન્ડમાં પોન્ઝી સ્કીમના સંચાલકને 13,275 વર્ષની જેલની સજા

આશરે 40 હજાર લોકો છેતરપિંડીનો ભોગ બન્યા હતા (ફાઈલ ફોટો) Image copyright PAULA BRONSTEIN/GETTY IMAGES
ફોટો લાઈન આશરે 40 હજાર લોકો છેતરપિંડીનો ભોગ બન્યા હતા (ફાઈલ ફોટો)

તમે જનમટીપ કે આજીવન કારાવાસની સજા સાંભળી હશે, પણ ક્યારેય સાંભળ્યું છે કે, કોઈ ગુનેગારને સો-બસ્સો વર્ષ નહીં, હજાર-બે હજાર વર્ષ પણ નહીં, પરંતુ 13 હજાર વર્ષથી પણ વધુ કેદની સજા થઈ હોય? જોકે, થાઇલેન્ડમાં એવું બન્યું છે. થાઇલેન્ડની કોર્ટે એક કૌભાંડીને 13 હજાર 275 વર્ષના કારાવાસની સજા ફરમાવી છે.

પોતે નાણાંકીય રોકાણની છેતરામણી યોજના (પોન્ઝી સ્કીમ) ચલાવતો હોવાની કબૂલાત પુદિત કિટ્ટિથ્રાડિલોક નામના 34 વર્ષના કૌભાંડકર્તાએ કરી હતી.

આ પોન્ઝી સ્કીમમાં તેણે રોકાણકારોને ઊંચા વળતરની ખાતરી આપી હતી.

પુદિતની કંપનીઓમાં આશરે 40 હજાર લોકોએ 16 કરોડ ડોલરથી વધુનું રોકાણ કર્યું હતું.

ગેરકાયદે ધિરાણના ધંધામાં સંડોવણી અને બીજા 2,653 આરોપસર કોર્ટે પુદિતને દોષી ઠરાવ્યો હતો.

તમને આ વાંચવું પણ ગમશે:

પુદિતે તેના ગુનાની કબૂલાત કરી લેતાં તેની સજા ઘટાડીને અરધી કરવામાં આવી છે.

પુદિતને 6 હજાર 637 વર્ષ અને છ મહિનાના કારાવાસની સજા કરવામાં આવી છે.


20 જ વર્ષ જેલમાં રહેશે

જોકે, પુદિતે 20થી વધુ વર્ષ જેલમાં ગાળવા નહીં પડે, કારણ કે થાઇલેન્ડના કાયદા અનુસાર તેને બે ગુના માટે મહત્તમ 10 વર્ષની સજા થઈ શકે છે.

ફરિયાદ પક્ષના વકીલોએ અદાલતને જણાવ્યું હતું કે રોકાણકારોને લોભાવવા માટે પુદિતે સેમિનારોનું આયોજન કર્યું હતું.

એ સેમિનારોમાં પુદિતે રોકાણકારોને જણાવ્યું હતું કે તેમની કંપનીઓ પ્રોપર્ટી ડેવલપમેન્ટ, સૌંદર્યવર્ધન, વપરાયેલી મોટરકાર્સ અને નિકાસ સહિતના વિવિધ બિઝનેસ સાથે સંકળાયેલી છે.

બેંગકોક પોસ્ટના જણાવ્યા અનુસાર, રોકાણકારોને ઊંચા વળતરની ખાતરી આપવામાં આવી હતી.

એ ઉપરાંત નવા સભ્યોને સ્કીમમાં જોડવા બદલ તેમને કમિશનનું વચન પણ આપવામાં આવ્યું હતું.

કોઈ પણ પિરામિડ સ્કીમની માફક આ યોજનામાં જે નવી રોકડ આવતી હતી તેનો ઉપયોગ અગાઉના રોકાણકારોને ચૂકવણી માટે કરવામાં આવતો હતો.

ઓગસ્ટમાં પુદિતની ધરપકડ કરવામાં આવી હતી અને તેને જામીન પર મુક્ત કરવાનો ઈનકાર કરવામાં આવ્યો હતો.

ઓગસ્ટથી પુદિત બેંગકોક રિમાન્ડ પ્રિઝનમાં હતો.

કોર્ટે પુદિતની બે કંપનીઓને બે-બે કરોડ ડોલર દંડ ફટકાર્યો હતો.

પોન્ઝી સ્કીમનો ભોગ બનેલા 2,653 રોકાણકારોને વાર્ષિક સાડા સાત ટકા વ્યાજ સાથે આશરે 1.7 કરોડ ડોલરની ચૂકવણી કરવાનો આદેશ પણ પુદિત અને તેની કંપનીઓને આપવામાં આવ્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા