વર્જિનિટી ટેસ્ટે એક યુવતીની દુનિયા બદલી નાખી

પ્રતીકાત્મક તસવીર Image copyright Getty Images

"હું એક ખુશહાલ જીવન વિતાવી રહી હતી પણ હવે મારા જીવનમાં બધું જ બદલાઈ ગયું છે. મારું જીવન ઉથલ-પાથલ થઈ ગયું છે."

આ શબ્દો અફઘાનિસ્તાનના બામિયાન વિસ્તારમાં રહેતાં 18 વર્ષીય નેદાના છે. એક જૂના ધાબળાને ઓઢીને બેઠેલાં નેદા પોતાની સાથે જબરદસ્તી થયેલી વર્જિનિટી ટેસ્ટ (કૌમાર્ય પરીક્ષણ) ને યાદ કરતા ધ્રૂજી ઊઠે છે.

આ વાત વર્ષ 2015ની હતી. નેદા રાત્રે થીએટરની પ્રેક્ટીસ કરીને ઘરે પરત ફરી રહ્યાં હતાં. એ વખતે ઘરે પહોંચવામાં નેદાને બે કલાકનો સમય લાગ્યો હતો.

તેમની સાથે અન્ય એક યુવતી હતી આથી તેમણે બે પુરુષો પાસેથી લિફ્ટ લીધી હતી.

તમને આ પણ વાંચવું ગમશે

નેદા એક સામાન્ય મધ્યમવર્ગીય પરિવારનાં છે. તે કહે છે કે તેમની પાસે રોજિંદા ખર્ચને ઊઠાવવા માટે પર્યાપ્ત પૈસા પણ નથી.

નેદા એ રાત માટે આજે પણ ક્યાંક ને ક્યાંક પોતાને જ જવાબદાર ગણે છે.

તે કહે છે, "ક્યારેક ક્યારેક મને લાગે છે કે એ પરિસ્થિતિને મેં જ નિમંત્રણ આપ્યું હતું. મારા પરિવારના નામ પર જે ધબ્બા લાગ્યા છે તેનાં માટે હું જ જવાબદાર છું."

"પરંતુ મને એ પણ ખબર છે કે એ રાતે મારી પાસે ઘરે પહોંચવા માટે તે જ એકમાત્ર રસ્તો હતો."


શું થયું એ રાત પછી?

એ રાત બાદ બામિયાન પ્રશાસનને એવી ફરિયાદો મળી હતી કે નેદાએ ઘરે પહોંચતા પહેલા લગ્ન વિના જ શારીરિક સંબંધ બનાવ્યા હતા.

આ ફરિયાદો બાદ નેદા અને તેમની મિત્ર પર સવાલોનો વરસાદ શરૂ થઈ ગયો હતો.

નેદા કહે છે, "મને લોકો અય્યાશ કહેવા લાગ્યા અને મેડિકલ સેન્ટરમાં વર્જિનિટી ટેસ્ટ માટે મોકલી દેવાઈ હતી."

ટેસ્ટ બાદ ડૉક્ટરોએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે તેમનું કૌમાર્ય (વર્જિનિટી) ભંગ થયું નથી.

જો કે આ મામલો હજુ પણ અફઘાનિસ્તાનની ન્યાય વ્યવસ્થાના ચક્કર લગાવી રહ્યો છે.

નેદા સ્થાનિક કોર્ટમાંથી તો આરોપમુક્ત થઈ ચૂક્યાં છે પણ રાજ્યની સર્વોચ્ચ કોર્ટમાં હજુ પણ કેસ ચાલી રહ્યો છે જ્યાં સુનાવણી હજુ પણ બાકી છે.


વર્જિનિટી ટેસ્ટ કોઈ મોટી વાત નથી!

Image copyright Reuters

અફઘાનિસ્તાનમાં કેટલા વર્જિનિટી ટેસ્ટ થાય છે તેનો કોઈ સત્તાવાર આંકડો તો નથી.

પરંતુ તથ્યો જણાવે છે કે આ પ્રકારનાં પરીક્ષણો અહીં સામાન્ય છે.

બોબની હૈદરી એક સ્ત્રીરોગ નિષ્ણાત છે. તેઓ બામિયાન વિસ્તારમાં જ કામ કરે છે. તેમણે બીબીસીને જણાવ્યું કે એક દિવસમાં આશરે દસ વર્જિનિટી ટેસ્ટ કરવામાં આવે છે.

આ પરીક્ષણ સામાન્યપણે મહિલાઓની મરજી વગર જ કરી દેવામાં આવે છે.

WHO (વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન) એ પણ આ પ્રકારના વર્જિનિટી ટેસ્ટ અથવા તો ટૂ ફિંગર ટેસ્ટને માન્યતા આપી નથી.

અફઘાનિસ્તાનમાં માનવાધિકાર આયોગના કમિશનર સોરાયા સોભરાંગે બીબીસીને જણાવ્યું, "વર્જિનિટી ટેસ્ટનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી હોતો અને તેના પર પ્રતિબંધ લાગવો જોઈએ."

"આ પરીક્ષણ દેશના બંધારણ, ઇસ્લામિક કાયદા અને આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન પણ કરે છે."

આ પરીક્ષણના કારણે ગેરકાયદેસર ધંધા પણ સામે આવ્યા છે. તેમાં એવો વાયદો કરવામાં આવે છે કે તેઓ મહિલાઓનું કૌમાર્ય પરત લાવી શકે છે.

આ પરીક્ષણ ગેરકાયદેસર હોવાની સાથે સાથે મહિલાઓનાં સ્વાસ્થ્ય માટે હાનિકારક અને મોંઘા પણ હોય છે.


જીવન શર્મનાક બની ગયું

ફોટો લાઈન આ તસવીર અફઘાનિસ્તાનના એક ક્લીનિકના એક રૂમની છે કે જ્યાં વર્જિનિટી ટેસ્ટ કરવામાં આવે છે

નેદા સાથે ઘટેલી આ ઘટનાને બે વર્ષ વીતી ચૂક્યાં છે છતાં તેઓ આ તકલીફની પીડામાંથી બહાર આવવા પ્રયાસ કરી રહ્યાં છે.

તેઓ જણાવે છે, "જ્યારે તમે કંઈ ખોટું નથી કર્યું ત્યારે આ પ્રકારના પરીક્ષણથી પસાર થવું ખૂબ તકલીફ આપે છે."

"સૌથી વધુ મુશ્કેલીભર્યું કામ હતું એ ડૉક્ટર્સનો સામનો કરવો જેમને હું પહેલેથી ઓળખતી હતી. મને શરમ આવી રહી હતી. હું એ પણ જાણતી હતી કે મેં કંઈ ખોટું કર્યું નથી."

અફઘાનિસ્તાનના રૂઢિવાદી સમાજમાં મહિલાઓ પાસે એ આશા રાખવામાં આવે છે કે તેઓ લગ્ન પહેલા શારીરિક સંબંધ ન બનાવે.

ત્યાં મહિલાઓનાં વર્જિનિટીને ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે. તેને ઇજ્જત તેમજ પવિત્રતાની નજરે પણ જોવામાં આવે છે.

જે મહિલાઓ પર લગ્ન પહેલા શારીરિક સંબંધ બનાવવાની વાત સાબિત થઈ જાય છે, તેની સમાજમાં ખૂબ ટીકા થાય છે. તેમને જેલની સજા પણ થઈ શકે છે.

કેટલાક મામલે તો મહિલાઓએ ઑનર કિલિંગનો શિકાર પણ બનવું પડ્યું છે.

અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ઘાની આ પરીક્ષણ પર રોક લગાવવાની વાત કરી ચૂક્યા છે, તે છતાં ત્યાં વર્જિનિટી ટેસ્ટને માન્યતા મળેલી છે.


ઘણી મહિલાઓનાં જીવન બરબાદ થયાં છે

Image copyright Science Photo Library

વર્જિનિટી ટેસ્ટ બાદ નેદાને એ ડર લાગવા લાગ્યો કે હવે લોકો તેમને કેવા કેવા સવાલ કરશે.

એ જ કારણોસર તેમણે સ્કૂલે જવાનું પણ છોડી દીધું.

તેઓ જણાવે છે, "હું એક સારી વિદ્યાર્થિની હતી. મારા શિક્ષક પણ મને ખૂબ પસંદ કરતાં હતાં, પરંતુ વર્જિનિટી ટેસ્ટ બાદ મને લાગ્યું કે તેઓ મારા વિશે અલગ ધારણા બનાવવા લાગ્યા છે."

"મારા નજીકના મિત્રોએ પણ મિત્રતા તોડી નાખી, લોકો મને અલગ જ નજરે જોવા લાગ્યા."

"મારા માટે બધું જ બદલાઈ ગયું, હું મારા મિત્રોથી દૂર થઈ ગઈ."

નેદાને એ વાતનો અફસોસ થાય છે કે તેમનાં કારણે તેમનાં પરિવારની બદનામી થઈ.

તેઓ જણાવે છે, "મારી મા મને કહે છે કે મારા કારણે તેમણે કોર્ટ કચેરીઓના ધક્કા ખાવા પડે છે. મારા કારણે આખા પરિવારનું માથું ઝૂકી ગયું છે. આ બધું જ મારા કારણે થયું છે."

Image copyright Getty Images

પરંતુ આ અગ્નિપરીક્ષામાંથી પસાર થયા બાદ પણ નેદાની અંદર આત્મવિશ્વાસ ભરેલો છે.

તેઓ કહે છે, "આ પરીક્ષણ મારા જેવી યુવતીઓનું જીવન બરબાદ કરી નાખે છે, યુવકોને તો કોઈ ફેર પડતો નથી."

"હું હાર નહીં માનું, હું થીએટર જવાનું ચાલુ રાખીશ અને એક સારું ભવિષ્ય બનાવીશ, પરંતુ મને ખબર નથી કે ભવિષ્યમાં આગળ મારા માટે શું શું લખાયું છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો