ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે બેઠક થશે?

કિમ જોંગ ઉન Image copyright Getty Images
ફોટો લાઈન કિમ જોંગ ઉને દક્ષિણ કોરિયા સાથે સંબંધ સુધારવા માટે પહેલ કરી છે

દક્ષિણ કોરિયાએ ઉત્તર કોરિયા સાથે 9 જાન્યુઆરીએ સંયુક્ત બેઠક કરવાની રજૂઆત કરી છે.

આ બેઠકમાં વર્ષ 2018ના વિન્ટર ઑલિમ્પિકમાં પ્યોંગયાંગના સામેલ થવા મામલે ચર્ચા થશે.

આ રજૂઆત ઉત્તર કોરિયાના લીડર કિમ જોંગ ઉનના એ નિવેદન બાદ કરવામાં આવી છે, જેમાં તેમણે કહ્યું હતું કે ફેબ્રુઆરીમાં દક્ષિણ કોરિયામાં યોજાવા જઈ રહેલા ઑલિમ્પિકમાં તેઓ પોતાની ટીમને પ્યોંગયાંગ મોકલવા પર વિચાર કરી રહ્યા છે.

તમને આ પણ વાંચવું ગમશે

તેમણે કહ્યું હતું કે બન્ને પક્ષોએ સાથે બેસીને સંભાવનાઓ પર વિચાર કરવો જોઈએ.


શું કહ્યું હતું કિમ જોંગ ઉને?

Image copyright Getty Images
ફોટો લાઈન નવા વર્ષના ભાષણમાં કિમ જોંગ ઉને દક્ષિણ કોરિયા સાથે વાતચીતની તૈયારી દર્શાવી હતી

પોતાના નવા વર્ષના ભાષણમાં કિમ જોંગ ઉને કહ્યું હતું કે તેઓ દક્ષિણ કોરિયા સાથે વાતચીત માટે તૈયાર છે અને ફેબ્રુઆરીમાં યોજાનારા વિન્ટર ઑલિમ્પિકમાં ટીમ મોકલવા મામલે વિચાર કરી રહ્યા છે.

કિમે દક્ષિણ કોરિયાને સલાહ આપી હતી કે, "બન્ને કોરિયાઈ દેશોના અધિકારીઓએ સંભાવનાઓ શોધવા માટે મળવું જોઈએ."

કિમ જોંગના આ નિવેદનનું સ્વાગત કરતા દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન-જે-ઇને કહ્યું હતું કે તેઓ તો પહેલેથી જ માની રહ્યા છે કે ઑલિમ્પિકની રમત બન્ને દેશો વચ્ચે શાંતિ જાળવી રાખવા માટે એક ઐતિહાસિક તક સાબિત થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે રાષ્ટ્રપતિ બનેલા મૂન જે-ઇન સતત સંબંધ સુધારવાની વાત કરી રહ્યા છે.

તેવામાં શું એમ કહી શકાય છે કે વિન્ટર ઑલિમ્પિક બન્ને કોરિયાઈ દેશો વચ્ચે એક નવી શરૂઆત હોઈ શકે છે.


વિન્ટર ઓલિમ્પિક એક સારી તક

Image copyright Getty Images

વરિષ્ઠ પત્રકાર સૈબલ દાસગુપ્તાના જણાવ્યા અનુસાર, "ઉત્તર કોરિયા મનથી દક્ષિણ કોરિયા સાથે સંબંધ સુધારી રહ્યું નથી. કિમ જોંગ ઉને અસભ્ય વર્તન કરીને જોઈ લીધું, પણ તેનું કોઈ પરિણામ ન આવ્યું."

"હવે તેલનાં જહાજ પકડાઈ રહ્યા છે અને ઉત્તર કોરિયા જેવા ઠંડા દેશને ઇંધણની જરૂર છે."

"કિમ જોંગને ખબર છે કે તેમને દક્ષિણ કોરિયાની જરૂર છે. વિન્ટર ઑલિમ્પિક તેના માટે સારી તક છે."

સૈબલ મૂન જે-ઇનની ભૂમિકા પર વાત કરતા જણાવે છે, "તેનાંથી રાષ્ટ્રપતિ મૂનને પણ ફાયદો થશે કેમ કે તેઓ રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી સંબંધ સુધારવાની વાત કરી રહ્યા છે."

"તેવામાં તેઓ પોતાના દેશવાસીઓને દેખાડી શકે છે કે તેમના પ્રસ્તાવ પર ઉત્તર કોરિયાની ટીમ ઑલિમ્પિકમાં આવી ગઈ. તેનાથી તેમની છબીમાં પણ સુધાર આવશે કેમ કે ભારત- પાકિસ્તાનની જેમ બન્ને દેશોના પરિવાર સીમાઓથી વહેંચાયેલા છે."

"બન્ને દેશોના લોકોના ભાવનાત્મક સંબંધો છે. થોડા વર્ષો પહેલાં ત્યાં પરિવારોના મિલનનો પ્રયાસ પણ થયો હતો."


ઉત્તર કોરિયા બૉમ્બ નહીં બનાવે તો કોઈ ડરશે?

Image copyright Getty Images

રાષ્ટ્રપતિ મૂને સંકેત આપ્યા છે કે તેઓ કિમ જોંગ ઉન સાથે પરમાણુ કાર્યક્રમ પર વાત કરવા પ્રયાસ પણ કરશે.

તેવામાં વિન્ટર ઑલિમ્પિક્સને માધ્યમ બનાવીને કરવામાં આવી રહેલી રાજનીતિ શું ફેબ્રુઆરીમાં રમત પૂર્ણ થયા બાદ આગળ પણ ચાલુ રહેશે?

સૈબલ દાસગુપ્તા તેના જવાબમાં કહે છે, "આ ખૂબ જટિલ મામલો છે. કિમ જોંગ અને મૂન જે-ઇન બન્ને જાણે છે કે આ તેમનો ખાનગી મામલો છે."

"બન્ને દેશ ઇચ્છે છે કે તેમના મામલે અમેરિકા અને ચીન દખલગીરી ન બતાવે. પરંતુ એ માનવું ખોટું છે કે કિમ જોંગ રાષ્ટ્રપતિ મૂનના અનુરોધ પર પરમાણુ બૉમ્બ બનાવવાનો કાર્યક્રમ રોકી દેશે."

"કિમ જોંગ ઉનને ખબર છે કે જો તેઓ બૉમ્બ નહીં બનાવે તો તેમનાથી કોઈ ડરશે નહીં. કોઈ ડરશે નહીં તો તેમના હાથમાંથી સત્તા જતી રહેશે."

"અમેરિકા તો એ ઇચ્છે જ છે. કિમના દેશમાં સત્તા જવાનો મતલબ છે જીવ જવો."

"તો તેવામાં એ નથી માની શકાતું કે માત્ર વિન્ટર ઑલિમ્પિકમાં જવાથી કિમ જોંગ ઉનમાં કોઈ મોટું પરિવર્તન આવી જશે."

Image copyright Getty Images

અમેરિકા અને ચીન પર આ વાતચીતની કેવી અસર જોવા મળશે?

તેના પર સૈબલ કહે છે, "આ બન્ને દેશોની પ્રતિક્રિયા જોવા જેવી હશે. ચીન તો શાંતિથી જોઈ લેશે પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિ કદાચ શાંત નહીં રહી શકે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ