'ઉત્તર કોરિયાની જેલમાં મેં મૃતદેહ દાટ્યા હતા'

મિ રિયોંગ (બદલવામાં આવેલું નામ)

દક્ષિણ કોરિયાની રાજધાની સિઓલથી લગભગ બે કલાકના અંતરે એક નાનું એવું શહેર બરફની ચાદરમાં ઢંકાયેલું છે.

તાપમાન માઇનસ 10 ડિગ્રી સે. જેટલું છે અને રસ્તા પર ભાગ્યે જ કોઈ માણસ જોવા મળે છે.

અમારી શોધ નુમા વન બેડરૂમ એપોર્ટમેન્ટ પર આવીને પૂર્ણ થાય છે. ડોર-બેલનો જવાબ 48 વર્ષનાં એક મહિલાએ આપ્યો હતો. થોડા ડર સાથે તેમણે અમારા આઇડી કાર્ડ ચકાસ્યાં.

અંદર બેસવા માટે ગાદલાં પાથરેલાં હતાં. આ જ રૂમમાં રસોડું પણ હતું અને બાથરૂમનો દરવાજો પણ.

15 વર્ષ પહેલા મિ રિયોંગ (બદલવામાં આવેલું નામ) ઉત્તર કોરિયાની એક પ્લાસ્ટીક ફેક્ટરીમાં ઉચ્ચ હોદ્દા પર હતાં.

આ બહેનનો પરિવાર ભાગીને દક્ષિણ કોરિયા આવ્યો અને ટીવી પર ઇન્ટરવ્યૂ આપ્યો.

તમને આ પણ વાંચવું ગમશે

ઉત્તર કોરિયામાં હાજર તેમના પરિવાર પર પણ વીજળી ત્રાટકી. તેમનું જીવન જેલ અને ચીનના ચર્ચમાં છૂપાઈને વીત્યું.


'રોજ 15 કલાક નોકરી કરી'

મિ રિયોંગ અમારી સાથે વાત કરતા ધ્રૂજવા લાગે છે.

તેમણે કહ્યું, "જેલમાં માર ખાધો, મારી પાસે મૃતદેહોને દાટવાનું કામ કરાવવામાં આવ્યું અને બે વર્ષ બાદ બહાર આવવા પર મારા છૂટાછેડા કરાવી દેવામા આવ્યાં. મારી દીકરી ત્યાં જ રહી ગઈ અને હું ચીન ભાગી ગઈ."

ઘણાં વર્ષો સુધી ચીનમાં છૂપાઈને રહેવા છતાં મિ ઉત્તર કોરિયામાં ગરીબીમાં દિવસો ગુજારતી પોતાની દીકરીને બહાર ન લાવી શક્યાં.

દક્ષિણનાં એક શહેરમાં આવીને વસી ચૂકેલાં તેમના બહેને કોઈ રીતે તેમને અહીં બોલાવ્યાં અને શરણું આપવાનો સિલસિલો શરૂ થયો.

મિ રિયાંગે જણાવ્યું, "એક રેસ્ટોરાંમાં રોજ 15 કલાકની નોકરી કરવા લાગી જેથી રહેવા માટે ઘર મળી શકે. આ પ્રકારનાં મુશ્કેલ કામ કરવાની મને ટેવ પણ ન હતી."


તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
ઉત્તર કોરિયાથી દ. કોરિયા ભાગનારાઓની વ્યથા

"આ દરમિયાન મને હૃદયરોગનો હુમલો આવ્યો અને મારે દિવસો-મહિનાઓ સુધી પથારીમાં જ પડી રહેવું પડ્યું હતું. કમાણીના રસ્તા બંધ થઈ રહ્યા હતા અને દક્ષિણ કોરિયામાં પેટ ભરવું પણ મુશ્કેલ બની ગયું હતું."

"મેં વૃદ્ધોના નર્સિંગનું કામ શરૂ કર્યું. તેમાં ખૂબ અપમાન થાય છે અને પારકા પરિવારોનું અસભ્ય વર્તન સહન કરવું પડે છે."

"પરંતુ મારી દીકરીને બહાર કાઢવા માટે હું બધુ સહન કરું છું. મારી દીકરી હજુ પણ ઉત્તર કોરિયા નામના નરકમાં ફસાયેલી છે."


યુદ્ધ બાદ 30 હજાર લોકો ઉત્તર કોરિયાથી ભાગ્યા

Image copyright North Korean TV

1953માં પૂર્ણ થયેલા કોરિયાઈ યુદ્ધ બાદ લગભગ ત્રીસ હજાર લોકો ઉત્તર કોરિયાથી ભાગીને દક્ષિણ કોરિયા આવ્યા છે.

દરેક વ્યક્તિ દાયકાઓથી ચાલી રહેલા કિમ પરિવારના શાસનની પીડાદાયક યાદોને ભૂલાવીને નવું જીવન શરૂ કરવાની આશા સાથે જીવી રહ્યા છે.

ગેરકાયદેસર રીતે ચીનના રસ્તે અહીં આવનારા લોકોની સંખ્યા વધારે છે અને દક્ષિણ કોરિયાની સરહદે પહોંચતા તેમની કડક પૂછપરછ થાય છે.

સંતોષકારક જવાબો પછી જ તેમને સમાજમાં વસાવવાનું કામ શરૂ થાય છે.

અફસોસ અને લાચારી ઉપરાંત ઉત્તર કોરિયાથી ભાગીને આવેલા લોકોમાં ગુસ્સો પણ છે.

મોટાભાગના નજીકના સંબંધીઓ હજુ પણ ત્યાં ખતરા હેઠળ જીવી રહ્યા છે અને તેમને બદતર પરિસ્થિતિમાં રાખવામાં આવ્યા છે.

છતાં મુન મિ હ્વા જેવા લોકો છે કે જેમણે લોકોને દેશની બહાર કાઢવાનું અભિયાન ચાલુ રાખ્યું છે.

મુન મિ હ્વાના પતિ ઉત્તર કોરિયાની સેનામાં અધિકારી હતા. પરિવારમાં બધુ જ બરાબર ચાલી રહ્યું હતું.

1990ના દાયકામાં દુષ્કાળ પડ્યો અને તેમનો પરિવાર પણ મુશ્કેલીમાં મુકાયો.


'ઉત્તર કોરિયામાં માણસોની કદર નથી'

Image copyright North Korea TV

તેમના આધારે રાજધાની પ્યોંગયાંગથી લગભગ દોઢ કલાકના અંતરે વસેલા શહેલ હયિરોંગ-સીમાં ભોજનની કમી હતી. વિરોધ વ્યક્ત કરનારા લોકોને ગોળી મારી દેવામાં આવતી હતી.

પોતાની દીકરીઓ સાથે દેશ છોડી ભાગી ચૂકેલાં મુન મિ હ્વાએ લાઓસમાં દક્ષિણ કોરિયાના દુતાવાસમાં પહોંચીને શરણું લીધું હતું.

તેમણે જણાવ્યું, "મારી એક દીકરી બૉર્ડર પાર કરવામાં ખોવાઈ ગઈ. ભાગ્યા બાદ પતિને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા. તેમનાં ભાઈએ તેમને બનાવટી દસ્તાવેજોના આધારે બચાવી રાખ્યા છે."

"ત્યાં માણસોની કોઈ કદર નથી થતી. લોકો રોબૉટ બની ચૂક્યા છે. મારી દીકરીઓ ભલે નાની હોટેલમાં નોકરી કરતી હોય અને અમને અહીં દક્ષિણ કોરિયામાં સમાન દરજ્જો નથી મળતો, પણ હું પરત જવા નથી માગતી."

હાલનાં વર્ષોમાં ઉત્તર કોરિયાથી દક્ષિણ કોરિયા ભાગીને આવેલા લોકોની સંખ્યામાં થોડો ઘટાડો નોંધાયો છે. ભાગી આવવા બદલ કેટલાક પડકારનો સામનો કરવો પડે છે.

ઓકનીમ ચુંગ દક્ષિણ કોરિયાના સાંસદ છે અને તેઓ ઉત્તર કોરિયાઈ શરણાર્થી કમિટીના પ્રમુખ પણ રહી ચૂક્યાં છે.


'હજુ પણ લડી રહ્યા છે જૂની યાદો સામે'

તેમણે કહ્યું, "અમે પ્રયાસ કરીએ છીએ કે ઉત્તર કોરિયાથી ભાગીને આવેલા લોકોને અમારા લોકતાંત્રિક સમાજનો ભાગ બનાવીએ. પરંતુ સમસ્યા એ છે કે પાંચ- છ દાયકાઓમાં તેમના વિચારોને એ રીતે બદલી દેવાયા છે કે હવે તેમને પૂર્વવત્ કરવાં સહેલાં નથી."

"દક્ષિણ કોરિયામાં તેમના દેશની વિચારધારા ધરાવતા લોકો પણ નથી, તેના કારણે કદાચ હળવા મળવામાં થોડો સમય લાગે છે."

આ તરફ જે ઉત્તર કોરિયાઈ નાગરિક ભાગીને દક્ષિણ પહોંચી પણ ગયા છે તેમાંથી મોટા ભાગના લોકો આજે પણ જૂની યાદો સામે લડી રહ્યા છે.

મિ રિયોંગે વિદાય લેતા સમયે કહ્યું હતું, "હું દક્ષિણ કોરિયાના કોઈ શહેરમાં નથી રહી શકતી જેની પાસે ઉત્તર કોરિયાની સીમા પણ હોય. રાત્રે ઊંઘ નથી આવતી. કેમ કે ખરાબ યાદો સહેલાઇથી ભૂલી નથી શકતા."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો