હાફિઝ સઈદ સામે પાકિસ્તાને શા માટે કરી કાર્યવાહી?

પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખુર્રમ દસ્તગીર ખાન
ફોટો લાઈન પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખુર્રમ દસ્તગીર ખાન

પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખુર્રમ દસ્તગીર ખાને જણાવ્યું છે કે દેશમાં હાલ જમાત ઉદ દાવા સામે ચાલી રહેલી કાર્યવાહીને અમેરિકા સાથે કોઈ સંબંધ નથી.

'ઓપરેશન રદ્દ-ઉલ-ફસાદ' હેઠળ એ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બીબીસી ઉર્દૂને આપેલા ઈન્ટર્વ્યૂમાં ખુર્રમ દસ્તગીર ખાને એમ પણ જણાવ્યું હતું કે અનેક સંગઠનો પર આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે.

આ સંબંધે પાકિસ્તાન સમજી-વિચારીને પગલાં લઈ રહ્યું છે.

તમને આ પણ વાચવું ગમશે

પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાને કહ્યું હતું, ''અમે બંદૂક લઈને અમારા દેશ પર જ ચડાઈ કરીશું એવું નથી.''

''એ સમય હવે ચાલ્યો ગયો છે. હવે અમે સમજી-વિચારીને સંતુલનભર્યા નિર્ણયો કરીશું.''

ખુર્રમ દસ્તગીર ખાને કહ્યું હતું કે ''પાકિસ્તાનનું ભવિષ્ય સલામત રહે અને આતંકવાદીઓ કોઈ સ્કૂલ સ્ટુડન્ટ્સને ગોળી ન મારી શકે એ માટે જમાત ઉદ દાવા સામે સમજી-વિચારીને કાર્યવાહી કરવામાં આવે છે.''


ડોનાલ્ડ ટ્રમ્પના આકરા વલણ વિશે શું કહ્યું?

Image copyright EPA
ફોટો લાઈન ડોનાલ્ડ ટ્રમ્પની ટ્વીટ સામે પાકિસ્તાનમાં વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કરેલા ટ્વીટ અને અમેરિકાના અન્ય અધિકારીઓના નિવેદનોને ખુર્રમ દસ્તગીર ખાને 'પૉઈન્ટ ઑફ વ્યૂ' ગણાવ્યાં હતાં.

તેમણે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક મહિનાઓથી અમેરિકન નેતૃત્વ સાથે હકારાત્મક વાતચીત થઈ રહી હતી પણ એ વિશે 'જાહેરમાં નકારાત્મક છાપ બનાવવામાં આવી છે.'

પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાનના જણાવ્યા અનુસાર, હાલનું પાકિસ્તાન 'ઑપરેશન ઝર્બ-એ-અબ્ઝ' બાદનું પાકિસ્તાન છે.

આ પાકિસ્તાન શહેરી લોકો, જવાનો અને અધિકારીઓની કુરબાની તથા સફળ કાર્યવાહી પછી હાંસલ થયું છે.

પાકિસ્તાન તથા અમેરિકા વચ્ચે વણસી રહેલા સંબંધમાં ભારતની 'પરોક્ષ ભૂમિકા' અને ચીન તથા પાકિસ્તાનની મજબૂત થતી દોસ્તીને ખુર્રમ દસ્તગીર ખાને જવાબદાર ઠરાવ્યા હતા.

તેમણે કહ્યું હતું કે ''ભારત અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ પાકિસ્તાન વિરુદ્ધ કરી રહ્યું છે.''

ખુર્રમ દસ્તગીર ખાને ઉમેર્યું હતું કે પાકિસ્તાન અને અમેરિકા વચ્ચેનો સંબંધ હવે ''દોસ્તી તથા દુશ્મનીના સંબંધથી આગળ વધી ગયો છે.''

તેમના જણાવ્યા અનુસાર, અફઘાનિસ્તાનમાં નિષ્ફળતાનો આરોપ ઈસ્લામાબાદ પર ન મૂકવો જોઈએ એવું પાકિસ્તાને અમેરિકાને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે.


'અમેરિકાએ નથી આપી કોઈ ડેડલાઈન'

Image copyright Getty Images
ફોટો લાઈન અમેરિકા અને પાકિસ્તાનના ટોચના અધિકારીઓ વચ્ચેની મંત્રણાનો ફાઈલ ફોટો

હક્કાની નેટવર્ક વિરુદ્ધ કાર્યવાહી માટે અમેરિકાએ પાકિસ્તાનને ડેડલાઈન આપી હોવા સંબંધી સમાચારોને પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાને નકારી કાઢ્યા હતા.

તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાન એક સ્વતંત્ર પરમાણુશક્તિ છે, જેને આ પ્રકારની ડેડલાઈન આપી શકાય નહીં.

તેમણે જણાવ્યું હતું કે અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે ઉચ્ચ સ્તરે વાતચીત થતી રહી છે, પણ બન્ને દેશો વચ્ચે વ્યૂહાત્મક વાતચીત હજુ શરૂ થઈ નથી.

ખુર્રમ દસ્તગીર ખાને કહ્યું હતું કે ''સહયોગપૂર્ણ વાતચીત થવી જોઈએ. નકારાત્મક અને ખતરનાક ભાષાનો ઉપયોગ કરવામાં આવશે તો પાકિસ્તાનની જનતા, ચૂંટાયેલી સરકાર અને લશ્કર સૌથી વધુ સંવેદનશીલ છે.''

ડોનાલ્ડ ટ્રમ્પે આ સપ્તાહની શરૂઆતમાં એક ટ્વીટ કર્યું હતું.

એ ટ્વીટમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે ગત વર્ષોમાં મદદ પેટે અબજો ડોલર મેળવ્યા છતાં પાકિસ્તાને અમેરિકાને જુઠ્ઠાણાં અને દગાબાજી સિવાય કશું આપ્યું નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ