દક્ષિણ કોરિયામાં કેવું જીવન જીવી રહ્યા છે મુસ્લિમો?

કોરિયામાં મુસ્લિમો

કોરિયાઈ દ્વીપસમૂહમાં ઇસ્લામ ધર્મ ખૂબ મોડો પહોંચ્યો હતો. તેનું અનુમાન એ વાતથી પણ લગાવી શકાય છે કે દક્ષિણ કોરિયાની પહેલી મસ્જિદ વર્ષ 1976માં બનીને તૈયાર થઈ હતી.

પ્યૂ રિસર્ચના રિપોર્ટ મુજબ, ઉત્તર કોરિયામાં વર્ષ 2010માં મુસ્લિમોની વસતી લગભગ ત્રણ હજાર હતી. આ તરફ દક્ષિણ કોરિયામાં મુસ્લિમ વસતી 76 હજાર હતી.

જોકે, કોરિયાઈ મુસ્લિમોનું જીવન બાકીની દુનિયા માટે રહસ્યમયી જ રહ્યું છે.

યૂટ્યૂબ પર વીડિયો શો રજૂ કરનારી ચેનલ જેટીબીસી ઍન્ટર્ટેઇનમેન્ટે હાલમાં જ પોતાના પ્રોગ્રામ 'એબ્નૉર્મલ સમિટ'માં આ જ સવાલ પર એક કાર્યક્રમ કર્યો હતો.

તમને આ પણ વાંચવું ગમશે

કાર્યક્રમમાં બે મુસ્લિમો મહેમાન બન્યા હતા, જેમાં એક મૂળ કોરિયાઈ મુસ્લિમ યુવતી ઓલા હતાં. બીજા મહેમાન મૂળ પાકિસ્તાની ઝાહિદ હુસૈન હતા.

બન્ને સમક્ષ એક સવાલ મૂકવામાં આવ્યો હતો, કોરિયામાં એક મુસ્લિમનું જીવન કેવું હોય છે?


ઝાહિદની વાત

ઝાહિદ જણાવે છે કે ઇન્ટરનેટ પર કેટલીક કૉમેન્ટ્સ તથા ઇસ્લામ વિશે લોકોનો દૃષ્ટિકોણ જોઇને તેમને ખૂબ આશ્ચર્ય થયું હતું.

"જો તમે હલાલ ગોશ્ત ખાવા માગો છો તો તમારા દેશમાં જાઓ. અહીં શું કરી રહ્યા છો, મેં આ પ્રકારની કૉમેન્ટ જોઈ છે.

"કેટલીક કૉમેન્ટ સારી પણ હતી. કોઈ વ્યક્તિએ લખ્યું હતું કે બધા જ મુસ્લિમો ઉગ્રવાદી હોતા નથી, પરંતુ બધા ઉગ્રવાદીઓ મુસ્લિમ હોય છે. મને નથી લાગતું કે તેઓ આ વાતને સમજે પણ છે.

"મને લાગે છે કે જ્યારે લોકો એકબીજાની સંસ્કૃતિને સમજવા લાગશે ત્યારે પરિસ્થિતિ બદલાશે."


શું કહે છે ઓલા?

ઓલા બોરા સૉન્ગે વર્ષ 2007માં ઇસ્લામ ધર્મ અપનાવ્યો, ત્યારે તેમની ઉંમર દસ વર્ષ હતી.

તેમને એ વાતનો અફસોસ છે કે કોરિયાનાં લોકો તેમજ ઇસ્લામ વચ્ચે ઘણું અંતર છે. આ અંતરના કારણે ગેરસમજ ઉદભવી છે.

"રોજિંદા જીવનમાં મુસ્લિમો વિશે જાણવા અને તેમને સમજવાની તક ઓછી મળે છે, કારણ કે કોરિયામાં મુસ્લિમોની સંખ્યા વધારે નથી.

"અમે મુસ્લિમો વિશે જે કંઈ સાંભળીએ છીએ, તેનું માધ્યમ સામાન્યપણે સમાચાર હોય છે, પરંતુ મુસ્લિમો સામાન્યપણે કોઈ દુર્ઘટનાનાં કારણે સમાચારમાં આવે છે.

"અને એ જ કારણ છે કે મુસ્લિમો વિશે નકારાત્મક છબી મજબૂત થતી જાય છે.

"કોરિયાઈ લોકો ઇસ્લામને એવા ધર્મ તરીકે જુએ છે જે મહિલાઓને ઓછી આંકે છે, હિજાબના ઉપયોગને પ્રોત્સાહન આપે છે."


ઇસ્લામની પરિભાષા

Image copyright Getty Images

ઝાહિદનું કહેવું છે કે ઇસ્લામની પરિભાષાને કથિત ઇસ્લામિક સંગઠનો તેમજ ઉગ્રવાદીઓ સાથે જોડવું યોગ્ય નથી.

"આતંકવાદ કોઈ દેશ નથી, કોઈ સંસ્કૃતિ નથી અને ન તો તે ધર્મ છે. બસ થોડા લોકો તેના માધ્યમથી પૈસા કમાય છે.

"આતંકવાદની પરિભાષા પણ રાજકીય કારણોસર બદલાઈ જાય છે. આ પરિભાષા મૂંઝવણભરી છે કે એક જેવી ઘટનાઓ ક્યાંક 'આતંક' બની જાય છે તો ક્યાંક 'શૂટીંગ' બની રહે છે."


આંકડા શું કહે છે?

Image copyright FBI

અમેરિકન ગુપ્તચર એજન્સી FBIના આંકડા પ્રમાણે વર્ષ 1980થી 2005 વચ્ચે થયેલા 94 ટકા આતંકવાદી હુમલાઓમાં બિન-મુસ્લિમો સામેલ હતા.

'યુરોપોલ'ના આંકડા પ્રમાણે વર્ષ 2009માં યુરોપમાં 249, 2010માં 294 આતંકવાદી હુમલા થયા હતા.

તેમાં 2009માં માત્ર એક હુમલામાં કોઈ મુસ્લિમ પર શંકા હતી અને 2010માં ત્રણ ઘટનાઓમાં મુસ્લિમોના સામેલ હોવાની વાત સામે આવી હતી.

દુનિયાભરમાંથી સામે આવતી આતંકવાદી ઘટનાઓ વિશે જાણકારી એકત્ર કરતા સંગઠન 'ગ્લોબલ ટૅરરિઝમ ડેટાબેઝ'ના આધારે વર્ષ 1970 બાદ 1.70 લાખ આતંકવાદી હુમલાની ઘટનાઓ સામે આવી છે.

ઝાહિદ સવાલ ઉઠાવે છે કે દુનિયામાં મુસ્લિમોની વસતી લગભગ 1.8 અબજ છે અને થોડા મુસ્લિમોના ખોટા કાર્યો માટે સમગ્ર મુસ્લિમ સમાજને જવાબદાર ગણાવવો કેટલા અંશે યોગ્ય છે?

'એબ્નૉર્મલ સમિટ' કાર્યક્રમમાં ઓલા બોરા સોંગ અને ઝાહિદની આ મુલાકાતમાં મુસ્લિમ સમાજમાં પ્રચલિત બહુપત્નીત્વની પ્રથાથી માંડીને હિજાબ પહેરવાના રિવાજ પર પણ વાત થઈ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ