ગુપ્તાંગને કેમ ગોરું બનાવડાવે છે પુરુષો?

હોસ્પિટલમાં ઓપરેશનની તસવીર Image copyright LELUXHOSPITAL

થાઇલેન્ડના પુરુષોમાં આજકાલ અજીબોગરીબ શોખ જાગ્યો છે. આવા ગાંડપણને લઈને સવાલો થઈ રહ્યા છે કે, શું બ્યૂટી ઇન્ડસ્ટ્રી બધી જ સીમાઓ તોડી રહી છે?

પુરુષોનું ગાંડપણ છે ગુપ્તાંગ(લિંગ)ને ગોરું બનાવવું.

એશિયાઈ દેશોમાં ચામડીને ગોરી બનાવવાના પ્રયાસો કરવા એ નવી વાત નથી કેમ કે, કાળા રંગ અંગે અલગ જ માન્યતા પ્રવર્તે છે.

હાલમાં જ આનાથી જોડાયેલી પ્રક્રિયાને ઑનલાઇન મૂકવામાં તો તે ટૂંક ગાળામાં વાઇરલ થઈ ગઈ. થાઇલેન્ડના આરોગ્ય વિભાગે તો ચેતવણી પણ આપી છે.

બીબીસી થાઈ સેવાએ આ પ્રક્રિયામાંથી પસાર થઈ રહેલા એક વ્યક્તિ સાથે વાત કરી. તેમણે કહ્યું, "હું સ્વિમિંગ બ્રીફ્સમાં વધારે આત્મવિશ્વાસુ દેખાવા માંગતો હતો."

30 વર્ષની આ વ્યક્તિ બે મહિના પહેલી વખત આવી પ્રક્રિયામાંથી પસાર થઈ હતી. તેમને શિશ્નના રંગમાં બદલાવ દેખાઈ રહ્યો છે.

તમને આ પણ વાંચવું ગમશે

પરંતુ આ બધું શા માટે?

Image copyright LELUXHOSPITAL

આ ટ્રીટમેન્ટ કરનારા ક્લિનિક તરફથી જે ફેસબુક પોસ્ટ કરવામાં આવી હતી, તેને બે દિવસમાં 19 હજાર વખત શેર કરવામાં આવી હતી.

આ ઇલાજમાં ચામડીમાંથી મેલાનિન ઓછું કરાય છે. લોકો અલગઅલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કોઈ કહે છે 'શું જરૂર છે?' તો કોઈ તેને 'મજેદાર' પણ કહે છે.

એક મહિલા યુઝરે લખ્યું કે, 'હું ક્યારેય લિંગના રંગ અંગે આટલી ગંભીર નથી થઈ, હું માત્ર સાઇઝ અને મૂવ્ઝને લઈને જ ચિંતિત રહી છું.'

લેલક્સ હૉસ્પિટલના માર્કેટિંગ મેનેજર પોપોલ તંસાકુલે બીબીસીને જણાવ્યું કે તેમણે ચાર મહિના પહેલા મહિલાઓના ગુપ્તાંગને ગોરા બનાવવાની સર્વિસ શરૂ કરી હતી.

પોપોલે કહ્યું "લોકો ત્યારે જ લિંગને ગોરું બનાવવવા અંગે પૃચ્છા કરી રહ્યા હતા. એટલે એક મહિનામાં જ અમે આ સર્વિસ શરૂ કરી દીધી."

પાંચ સિટીંગમાં થતી પ્રક્રિયાનો ખર્ચ 650 ડોલર એટલે કે આશરે 41 હજાર રૂપિયા થાય છે.

આ ક્લિનિકમાં દર મહિને ગુપ્તાંગ ગોરા કરાવવાની ઇચ્છા ધરાવતા 20થી 30 પુરુષો આવે છે. કેટલાક લોકો મ્યાનમાર, કંબોડિયા અને હોંગકોંગથી આવે છે.

પોપોલનું કહેવા અનુસાર, આ પ્રક્રિયા સમલૈંગિક પુરુષોમાં ખાસ્સી લોકપ્રિય છે. તેઓ બધી રીતે સારા દેખાવા માંગતા હોય છે.


'પેનિસ વાઇટનિંગ જરૂરી નહીં'

થાઇલેન્ડના જાહેર આરોગ્ય વિભાગે પોતાની પ્રતિક્રિયા આપી છે. જે મુજબ આ પ્રક્રિયાથી દર્દ, નિશાન, બળતરા, બાળકોને જન્મ આપવામાં તકલીફ થઈ શકે છે.

સેક્સ કરવામાં પણ તકલીફ થઈ શકે છે. આ સિવાય ટ્રીટમેન્ટ રોકવા પર ગંદા ડાઘ પણ રહી જઈ શકે છે.

વિભાગના ડૉ. થૉન્ગજાઈ કીર્તિહટ્યાકોર્ને એક નિવેદનમાં કહ્યું કે શિશ્નને લેસર વાઇટનિંગની જરૂર નથી. તેનાથી પૈસા વેડફાય છે અને આડઅસર વધારે થાય છે.

છેલ્લા દસ વર્ષમાં દક્ષિણ એશિયામાં સ્કિન વાઇટનિંગનું ચલણ જોર પકડી રહ્યું છે. લેલક્સનું કહેવું છે કે કુલ પેશન્ટમાંથી 50 ટકાથી વધારે લોકો આવી પ્રક્રિયા માટે આવે છે.

બજારમાં ગોરા બનાવનારા ઉત્પાદનોની ભરમાર છે. ભૂતકાળમાં તેમના પ્રચાર અને જાહેરાતોને લઈને વિવાદ થઈ ચૂક્યા છે.

એક ક્રિમની જાહેરાત બતાવતા બેંગકોકની એક જાહેર બસમાં લખ્યું હતું કે 'અહીં માત્ર ગોરા લોકો બેસી શકે છે.'

કંપનીએ આ જાહેરાત પાછી ખેંચવી પડી હતી કારણ કે, સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ વાંધો નોંધાવ્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો