બોમ્બધડકામાં ગુમાવી આંખો, હવે આમ જુએ છે દુનિયા

રૉબ લૉન્ગની તસવીર Image copyright ROB LONG

વર્ષ 2010ની એ વાત હતી. જ્યારે રૉબ લૉન્ગ બ્રિટિશ સૈનિક તરીકે અફઘાનિસ્તાનમાં તૈનાત હતા.

આ દરમિયાન એક બોમ્બ ધડાકામાં તેમની આંખોની રોશની જતી રહી હતી. એ વખતે તેમની ઉંમર 23 વર્ષ હતી.

હવે રૉબે એક નકલી આંખ લગાવી છે. પરંતુ તેનાથી તેઓ જોઈ શક્તા નથી.

જવાનીમાં આંખો જતી રહેવા છતાં રૉબે હિંમત ન હારી અને દુનિયાને જોવાનો એક અનોખો કીમિયો શોધી કાઢ્યો. આ કીમિયો હતો ફોન.


ટ્વિટર પર લોકોને પૂછ્યું

રૉબે ટ્વિટર પર લોકો પાસેથી સૂચનો માંગ્યા કે અંધ લોકો કેવી રીતે ટ્વિટરનો ઉપયોગ કરી શકે?

તેમના આ ટ્વીટ પર કેટલાય લોકોએ પ્રતિક્રિયા આપી હતી. થોડા સમયમાં જ તેમનું ટ્વીટ વાઇરલ થઈ ગયું.

રૉબ કહે છે "જો તમે કોઈ તસવીર ટ્વીટ કરો છો, તો થોડો સમય લઈ એ તસવીર વિશે કંઇક લખો પણ. જેથી તમે ઘણા લોકો સુધી પહોંચી શકો છો."

"થોડા શબ્દો જોડવાથી મારા જેવા લોકોને લાગે છે કે અમે પણ એ તસવીરને જોઈ શકીએ છીએ, તેના પર વાત કરી શકીએ છીએ, કમેન્ટ કરી શકીએ છીએ."


એપની મદદથી બનાવે છે ભોજન

રૉબે પોતાના ફોનમાં એવા એપ ઇન્સ્ટૉલ કરેલાં છે જેમાં અવાજને આધારે તસવીરો લઈ શકાય છે.

તેઓ કહે છે કે તેઓ જ્યારે ખાવાનું બનાવે છે તો કેટલાય મસાલાનો ઉપયોગ કરે છે. મસાલાના ડબ્બા લગભગ સમાન આકારના હોય છે.

"ત્યારે હું એપની મદદથી ડબ્બાની તસવીર લઉં છું. પછી મને એ ડબ્બા પરનું સ્ટિકર ઑડિયોમાં સંભળાય છે."

"આ રીતે મારું કામ ઘણું આસાન થઈ ગયું છે. હું એકલો ખાવાનું બનાવી શકું છું."

રૉબના વાઇરલ ટ્વીટના જવાબમાં અનેક લોકોએ ઑડિયો પણ અપલૉડ કર્યો હતો. જેથી રૉબ સાંભળી શકે.

ઘણા લોકોએ પાલતુ જાનવરની તસવીરો સાથે ઑડિયો અપલૉડ કર્યા.

આવા પ્રતિસાદથી રૉબ ઘણા જ ખુશ થઈ ગયા. તેઓ કહે છે "ટ્વિટર પર મળેલા સહયોગથી એ સાબિત થઈ ગયું કે દુનિયામાં એવા લોકો છે જે નાના-નાના પ્રયાસોથી લોકોના જીવનમાં મોટું પરિવર્તન લાવી શકે છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો