દક્ષિણ કોરિયામાં રમવા માટે જશે ઉત્તર કોરિયા

કોરિયાની તસવીર Image copyright Getty Images

ઉત્તર કોરિયા 2018માં યોજાઈ રહેલા ઑલિમ્પિક્સમાં પોતાનું પ્રતિનિધિમંડળ મોકલશે.

જેનાથી નક્કી થઈ ગયું છે કે ફેબ્રુઆરીમાં યોજાઈ રહેલા વિન્ટર ઑલિમ્પિક્સમાં ઉત્તર કોરિયાની ટીમ દક્ષિણ કોરિયામાં જશે.

છેલ્લા બે વર્ષમાં આ પહેલી વાર બન્યું છે કે બંને દેશ એકબીજા સાથે વાતચીત કરી રહ્યા છે અને ઉત્તર કોરિયાએ પોતાની ટીમ દક્ષિણ કોરિયા મોકલવાનો નિર્ણય કર્યો છે.

આ વિન્ટર ઑલિમ્પિક્સ દક્ષિણ કોરિયામાં ફેબ્રુઆરી માસમાં યોજાવાનો છે.

ઉત્તર કોરિયાના કહેવા મુજબ તેમના પ્રતિનિધિમંડળમાં એથ્લેટ્સ, સમર્થક અને અન્ય લોકો સામેલ હશે.

બે વર્ષ બાદ બંને દેશ વચ્ચે યોજાયેલી હાઇ લેવલની મિટિંગ બાદ આ જાહેરાત કરવામાં આવી છે.

Image copyright EPA

દક્ષિણ કોરિયાના કહેવા પ્રમાણે તે વાતચીતનો ઉપયોગ બંને કોરિયાઈ દેશો વચ્ચે સંબંધ સુધારવા માટે કરશે.

સમાચાર એજન્સી એએફપીના જણાવ્યા પ્રમાણે, "ઉત્તર કોરિયાએ ઑલિમ્પિક્સમાં ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ, રાષ્ટ્રીય ઑલિમ્પિક્સ પ્રતિનિધિમંડળ, એથ્લેટ્સ, સહાયક સ્ટાફ, આર્ટ પર્ફોમર્સ, ઑબ્ઝર્વર, એક ટેકવૂન્ડો ડેમન્સ્ટ્રેશન ટીમ અને પત્રકારોને મોકલવાની દરખાસ્ત કરી છે."

એએફપીના જણાવ્યા પ્રમાણે આ માહિતી સિઓલના વાઇસ યૂનિફિકેશન મિનિસ્ટર ચૂંગ હાય-સૂંગે પત્રકારોને જણાવ્યું હતું.

ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે આંતરરાષ્ટ્રીય સીમા પર આવેલા પનમુજોમ ગામના પીસ હાઉસમાં આ મીટિંગ થઈ હતી.


બંને દેશો વચ્ચે તણાવ

Image copyright REUTERS/KCNA

બંને દેશો વચ્ચે 2015માં વાતચીત થઈ હતી. તે બાદ બંને દેશો વચ્ચે સતત તણાવ વધતો આવ્યો હતો.

બંને દેશો વચ્ચેના સંબંધો ત્યારે વધારે ખરાબ થઈ ગયા જ્યારે ઉત્તર કોરિયાએ મિસાઇલ પરીક્ષણ કર્યું હતું.

ત્યારબાદ દક્ષિણ કોરિયાએ કાએસૉન્ગ ઇન્ડસ્ટ્રિયલ કોમ્પલેક્ષમાં એક સંયુક્ત આર્થિક પ્રોજેક્ટને રદ્દ કરી દીધો હતો.


પાંચ સભ્યોનું પ્રતિનિધિ મંડળ

Image copyright REUTERS

ત્યારબાદ ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયા સાથેના બધા સંપર્કો તોડી નાખ્યા હતા.

એટલું જ નહીં ઉત્તર કોરિયાએ ટેલીફોન લાઇનો પણ બંધ કરી દીધી હતી.

છેલ્લા કેટલાક વર્ષોમાં ઉત્તર કોરિયા સતત પ્રતિબંધિત હથિયારોનું પરીક્ષણ કરતું આવ્યું છે.

જેના કારણે બંને દેશ વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે.

હવે આ વખતે બંને દેશો વચ્ચે થઈ રહેલી વાતચીત માટે પાંચ સભ્યોનું પ્રતિનિધિ મંડળ મોકલ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ