ચીનમાં બાળકો પાછળ છેદવાળું પેન્ટ શા માટે પહેરે છે?

ચીની બાળકોને પહેરાવવામાં આવતા કંઈ ડાંગ ફૂ પેન્ટનો ફોટોગ્રાફ Image copyright Bruno maestrini
ફોટો લાઈન 'કઈ ડાંગ ફૂ' નામે ઓળખાતા આ પેન્ટમાં પાછળના ભાગે મોટો છેદ હોય છે

ગલી, બગીચા કે શોપિંગ સેન્ટરમાં ઉભડક બેસીને જાહેરમાં શૌચ કરતું કોઈ બાળક જુઓ તો તમે શું વિચારો? અલબત, ચીનમાં આવાં દ્રશ્યો સામાન્ય બાબત છે.

બાળકોને હરવા-ફરવામાં મુશ્કેલી ન પડે એટલા માટે ચીનમાં ઘણાં લોકો તેમનાં બાળકોને એક પ્રકારનો પરંપરાગત ડ્રેસ પહેરાવતાં હોય છે.

'કઈ ડાંગ ફૂ' નામે ઓળખાતા આ ડ્રેસમાં ખાસ પ્રકારનું એક પેન્ટ હોય છે, જેમાં પાછળના ભાગે મોટો છેદ હોય છે.

અગાઉની સરખામણીએ ચીનમાં આવાં પેન્ટનો વપરાશ ઘટ્યો છે એ હકીકત છે, પણ તેનું ચલણ સંપૂર્ણપણે બંધ થયું નથી.


આવું પેન્ટ શા માટે?

Image copyright Bruno maestrini
ફોટો લાઈન ચીનમાં આવું પેન્ટ પહેરેલાં ઘણાં બાળકો જોવા મળે છે

બાળકોને આ પ્રકારના પેન્ટ પહેરવાનો અર્થ વિદેશીઓને સમજાતો નથી.

ચીનમાં બહારથી આવતા મોટાભાગના લોકો માને છે કે એ સારી આદત નથી અને તેને લીધે બાળકોને તકલીફ પડે છે.

એક વકીલ બ્રાઝિલથી તાજેતરમાં જ બીજિંગ શિફ્ટ થયા છે.

એ વકીલે બીબીસીને જણાવ્યું હતું કે "ગયા અઠવાડિયે હું બીજિંગના એક મોંઘા શોપિંગ સેન્ટરમાં ગયો હતો."

"મેં ત્યાં એક બાળક ઉભડક બેસીને પોટી કરતું નિહાળ્યું હતું."

"એ પછી બાળકની પોટી ઉઠાવી રહેલી તેની મમ્મીને પણ મેં નિહાળી હતી."

"હું આશ્ચર્યચકિત થઈ ગયો હતો. એ બધું બહુ અજબ હતું."


છેદવાળું પેન્ટ પહેરવાના ફાયદા

Image copyright Getty Images
ફોટો લાઈન ચીનમાં લોકો માને છે કે આવું પેન્ટ પહેરતાં બાળકો વોશરૂમનો ઉપયોગ કરવાનું ઝડપથી શીખે છે

જોવામાં આ ભલે ગમે તેટલું ગંદુ લાગે, પરંતુ છેદવાળું પેન્ટ પહેરવાના ફાયદા પણ છે.

ચીનમાં લોકો માને છે કે આ પ્રકારનું પેન્ટ પહેરતાં બાળકો વોશરૂમનો ઉપયોગ કરવાનું ઝડપથી શીખી જતાં હોય છે.

ડાયપર પહેરતાં બાળકોને વોશરૂમ જવાની ટેવ પડતાં વાર લાગે છે.

બાળકો ખોટી જગ્યાએ પોટી કરવા માટે બેસે તો ચીનમાં પેરન્ટ્સ તેમને રોકતાં હોય છે.

ચીનમાં બાળક ત્રણ-ચાર મહિનાનું થાય ત્યારથી જ તેને વોશરૂમમાં જવાનું શીખવવામાં આવે છે.

પશ્ચિમી દેશોમાં આવી ટેવ બાળક એક-દોઢ વર્ષનું થાય ત્યારથી પાડવામાં આવે છે.

ચીનમાં બાળકોનું છેદવાળું પેન્ટ લોકોનું ધ્યાન એટલી હદે ખેંચી રહ્યું છે કે આ વિશે વાત કરવા માટે ઈન્ટરનેટ પર વ્યવસ્થિત ચર્ચા ચાલી રહી છે.

ચીનની માર્કેટ્સમાં પાછળ છેદ ન ધરાવતી પેન્ટ મળવાનું મુશ્કેલ હોય છે અને કઈ ડાંગ ફૂની લોકપ્રિયતાનો અંદાજ આ હકીકત પરથી મેળવી શકાય છે.


છેદવાળું પેન્ટ પહેરવાની ખરાબ બાજુ

Image copyright Reproduction/Tabobao.com
ફોટો લાઈન કઈ ડાંગ ફૂ પેન્ટની જાહેરાત

કઈ ડાંગ ફૂ બાળકોને પહેરાવવાની ખરાબ બાબત એ છે કે બાળકો ઘરની બહાર ઠેકઠેકાણે પોટી કરતાં જોવા મળે છે.

તેને પરિણામે જાહેર સ્થળો પર ગંદકી અને દુર્ગંધ ફેલાય છે, જે બીમારીનું કારણ બને છે.

આ સંદર્ભે ચીનમાં શહેરોની સરખામણીએ ગામડાંઓની સ્થિતિ વધારે ખરાબ છે.

કઈ ડાંગ ફૂનો ઉપયોગ પર્યાવરણ માટે સારો છે કે ખરાબ એ વિશે વિશ્વમાં વિવાદ ચાલી રહ્યો છે.

આ પ્રકારની પેન્ટના ઉપયોગને લીધે અનેક ટન કચરાનું જોખમ ઘટી રહ્યું છે.

બાળકોને કપડાંના ડાઈપર પહેરાવવાનું યુરોપના દેશોમાં પણ લોકોને જણાવવામાં આવી રહ્યું છે.

અલબત, ચીનના ડોક્ટર્સ એવું માનવા લાગ્યા છે કે ડિસ્પોઝેબલ ડાયપર્સનો ઉપયોગ કરવાનું વધારે સારું છે.

તેમાં શરત એટલી જ છે કે એવાં ડાયપર્સને ગંદા થયાં બાદ તત્કાળ બદલવામાં ન આવે તો બાળક બીમાર પડવાનું જોખમ હોય છે.

એ ઉપરાંત ડાયપરના ઉપયોગને હવે સ્ટેટસ સિમ્બોલ પણ ગણવામાં આવી રહ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો