સ્ટ્રેચ માર્ક્સ હોય તો પોલીસમાં ભરતી ન થાય?

પ્રતિકાત્મક તસવીર Image copyright PA

પ્રસૂતિ પછી પેટ પર નિશાન (સ્ટ્રેચ માર્ક્સ) ધરાવતી અને ત્વચાને બ્લીચિંગ કરનારી મહિલાઓને ઘાનાની ઇમિગ્રેશન સર્વિસે તેમની ભરતી પ્રક્રિયા માટે અયોગ્ય ઠેરવી છે.

હાલમાં ઘાના ઇમિગ્રેશન સર્વિસ (જીઆઈએસ) નોકરી માટે મોટા પ્રમાણમાં ભરતી કરી રહી છે.

સોશિઅલ મીડિયામાં આ મુદ્દે ખૂબ ચર્ચા થઈ રહી છે. આ પગલાંને કેટલાંક લોકો ટેકો આપી રહ્યા છે, તો કેટલાક તેના વિશે પ્રશ્નો કરી રહ્યા છે.

આ પ્રકારના પ્રતિબંધ પાછળનું કારણ સમજાવતાં જીઆઈએસના પ્રવક્તા સુપરિન્ટેન્ડેન્ટ માઇકલ એમોએકો-અટ્ટાએ બીબીસીને કહ્યું, "અમે જે પ્રકારનું કામ કરીએ છીએ, એના માટેની ટ્રેનિંગ આકરી મહેનત માગી લે છે.

જેમાં જો ત્વચાને બ્લીચિંગ કર્યું હોય કે, શરીર પર ઓપરેશનનું નિશાન હોય તો તાલીમ દરમિયાન બ્લીડિંગ થવાની શક્યતા રહે છે."

તમને આ વાંચવું પણ ગમશે:

જ્યારે ઘાનામાં આ પરિસ્થિતિ સર્જાઈ છે, ત્યારે ભારતમાં શું સ્થિતિ છે? અહીં મહિલાઓ માટે પોલીસ કે અન્ય સુરક્ષા દળોમાં જોડાવા માટે ઘાના જેવા કોઈ માપદંડ નથી.

આમ છતાં પોલીસ અને અન્ય દળોમાં મહિલાઓનું પ્રમાણ નિયત લક્ષ્યાંક કરતાં ઓછું છે.


શું કહે છે મહિલા પોલીસ અધિકારીઓ?

Image copyright Getty Images

ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી અને હાલ પુડ્ડુચેરીનાં લે. ગવર્નર કિરણ બેદીએ બીબીસી ન્યૂઝને કહ્યું, "આ મામલે ભારતમાં મહિલાઓએ ઘણી લાંબી મજલ કાપી છે અને હજી પણ તેમની પાત્રતાને આધારે આગળ વધી રહી છે."

ઘાનાનાં સત્તાવાળાઓ દ્વારા આપવામાં આવેલાં તર્ક વિશે વાત કરતાં બેદીએ કહ્યું, "એ બિલકુલ ગેરવાજબી માપદંડ છે. જો કોઈ મહિલા નિયત ધોરણો પ્રમાણેની લાયકાત ધરાવતી હોય તો, તેને શા માટે અટકાવવી જોઈએ?"

બેદીના આ મંતવ્ય સાથે સહમતી દર્શાવતાં બ્યૂરો ઑફ પોલીસ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (બીપીઆરએન્ડડી)નાં ભૂતપૂર્વ ડિરેક્ટર જનરલ અને આઈપીએસ ઓફિસર ડૉ. મીરા બોરવણકર કહે છે, "ઘાના આ પ્રકારના માપદંડ રાખે એ ખૂબ જ બેહૂદી બાબત છે. આ ખરેખર વિચિત્ર બાબત છે.

નસીબજોગે ભારતમાં મહિલાઓને ગેરલાયક ઠેરવતાં આ પ્રકારના કોઈ જ માપદંડ નથી."

Image copyright Getty Images

આ વિશે ગુજરાતનાં પ્રથમ મહિલા આઈપીએસ અધિકારી અને ભૂતપૂર્વ ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ ગીતા જોહરી કહે છે, "મને તો એ જ સમજાતું નથી કે, સ્ટ્રેચ માર્ક્સ અને શારીરિક સજ્જતા વચ્ચે શું સંબંધ હોઈ શકે. ભારતમાં આ પ્રકારનાં કોઈ જ નિયમો નથી. જોકે ભરતી પ્રક્રિયા દરમિયાન મહિલાઓ અને પુરુષો તમામની મેડિકલ અને શારીરિક ચકાસણી ચોક્કસ થાય છે."


કેવું છે ભારતમાં મહિલાઓનું પોલીસમાં પ્રમાણ?

ભારતના પોલીસ દળોમાં મહિલાઓ જોડાય તેવી માગ લાંબા સમયથી થઈ રહી છે. ભારત સરકારે 2013માં રાજ્યોને સલાહ આપી હતી કે, તેમના પોલીસ દળોમાં 30 ટકા મહિલાઓની ભરતી કરવાનું લક્ષ્ય પૂરું કરવા માટે અસરકારક પ્રયત્નો કરે.

બીપીઆરએન્ડડી દ્વારા 1 જાન્યુઆરી, 2017ના રોજ જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર ભારતના 17 રાજ્યોએ તેમના પોલીસ દળમાં મહિલાઓ માટે 33 ટકા અનામતનો નિયમ લાગુ કર્યો છે.

મહારાષ્ટ્રના પોલીસ દળમાં 18.7 ટકા મહિલાઓ છે, જ્યારે તામિલનાડુમાં 11.81 ટકા મહિલાઓ છે.

ગુજરાતના પોલીસ દળમાં મહિલાઓનું પ્રમાણ માત્ર 3.92 ટકા જેટલું જ છે.

આ વિશે જોહરીએ જણાવ્યું, "અમે વર્ષ 2017માં કોન્સ્ટેબલથી લઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સુધીની રેન્ક્સ માટે મોટા પ્રમાણમાં મહિલાઓની ભરતી કરી છે.

એક સમય એવો હતો જ્યારે જગ્યાઓ હોવા છતાં કોઈ મહિલાઓ પોલીસમાં ભરતી નહોતી થતી અને એ જગ્યાઓને પુરુષોથી ભરી દેવામાં આવતી.

હજી પણ પોલીસમાં મહિલાઓનું પ્રમાણ ઓછું હોવા પાછળનું એક કારણ એ પણ હોઈ શકે કે, પોલીસ દળ માટે યોજાતી ભરતીનું પ્રમાણ જ ખૂબ ઓછું રહેતું હતું."


શું સ્ટ્રેચ માર્ક્સથી પર્ફૉર્મન્સ પર અસર થાય?

Image copyright Getty Images

ઘાનાના સત્તાવાળાઓએ આપેલા તર્ક વિશે સોશિયલ મીડિયામાં ઘણા લોકો પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ આ વિશે ડૉક્ટર્સ શું માને છે?

પ્રસુતિ બાદ જોવા મળતાં સ્ટ્રેચ માર્ક્સની બાયૉલૉજી સમજાવતા ગાયનેકૉલૉજિસ્ટ ડૉ. રાજેશ રાનડેએ કહ્યું કે, "સ્ટ્રેચ માર્કને કારણે મહિલાઓની શારીરિક ક્ષમતા નબળી પડે છે, તે વાત જ વાહિયાત છે."

તેમણે સ્ટ્રેચ માર્ક્સ કોઈ શારીરિક વિસંગતતાની નિશાની હોવાની માન્યતા વિશે વાત કરતા કહ્યું, "સ્ટ્રેચ માર્ક્સ એક કુદરતી ફેરફાર છે.

આ પ્રકારના સ્ટ્રેચ માર્ક્સ લાંબા સમય સુધી રહે છે, જ્યારે ગર્ભાવસ્થા દરમિયાન શરીરમાં ભેગી થયેલી ચરબી 3-4 માસના સમયગાળામાં ઓગળી જાય છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો